Congress Allegation: કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બુધવારે મત ચોરીના આરોપોને ફરીથી રજૂ કર્યા. તેમણે દાવો કર્યો કે હરિયાણાના 10 મતદાન મથકો પર બ્રાઝિલની એક મહિલાએ 22 વખત મતદાન કર્યું. જોકે મહિલાએ આ વિવાદ પર પ્રતિક્રિયા આપી છે અને તેની ઓળખાણ લારિસા નેરી તરીકે થઈ છે.
જે મહિલાનો ફોટો રાહુલ ગાંધીએ તેમની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પ્રદર્શિત કર્યો હતો અને હરિયાણા ચૂંટણીમાં 10 મતદાન મથકો પર 22 વાર મતદાન કરવાનો આરોપ લગાવ્યો હતો તે મહિલા અંગે હવે સ્પષ્ટતા કરવામાં આવી છે.
લારિસા નેરી કોણ છે ?
રાજકીય વિવાદમાં ફસાયેલી મહિલા દક્ષિણ-પૂર્વ બ્રાઝિલના મિનાસ ગેરેસ પ્રદેશની એક હેરડ્રેસર છે. તે મિનાસ ગેરેસની રાજધાની બેલો હોરીઝોન્ટેમાં એક સલૂન ધરાવે છે.
લારિસાએ દાવો કર્યો હતો કે ભારતમાં મતદાન માટે તેનો ઉપયોગ કરવામાં આવતો ફોટો વાસ્તવમાં ફોટોગ્રાફર મેથિયાસ ફેરેરોએ 2017માં લીધો હતો અને રોયલ્ટી-ફ્રી ફોટો સાઇટ અનસ્પ્લેશ પર અપલોડ કર્યો હતો. જો કે ફેરેરોએ હવે તેની પ્રોફાઇલમાંથી તેનો ફોટો દૂર કરી દીધો છે.
મારો જૂનો ફોટો વાપર્યો - લારિસા નેરી
તેણીએ એક ઇન્સ્ટાગ્રામ વિડિયોમાં સ્પષ્ટતા કરી કે આ ફોટો તે 20 વર્ષની હતી ત્યારે લેવામાં આવ્યો હતો અને કહ્યું - મિત્રો, તેઓ મારો જૂનો ફોટો વાપરી રહ્યા છે. તે જૂનો ફોટો છે, ઠીક છે ? હું લગભગ 18 કે 20 વર્ષની હતી. મને ખબર નથી કે ભારતમાં ચૂંટણી છે કે મતદાન સાથે સંબંધિત કંઈક. લોકો , લોકોને મૂર્ખ બનાવવા માટે તેઓ મને ભારતીય કહી રહ્યા છે. શું પાગલપણ છે! આ કેવા પ્રકારનું પાગલપણ છે? આપણે કઈ દુનિયામાં જીવી રહ્યા છીએ?
મને ભારતીય રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી - લારિસા નેરી
લારિસાએ એમ પણ કહ્યું- ભારતીય રાજકારણ સાથે મારો કોઈ સંબંધ નથી. મારો ફોટો સ્ટોક ઇમેજ પ્લેટફોર્મ પરથી ખરીદવામાં આવ્યો હતો અને મારી પરવાનગી વિના તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હું નથી, હું ક્યારેય ભારત ગઈ પણ નથી.
તેણીએ એક વિડિયોમાં સ્પષ્ટતા કરતા કહ્યું- હું બ્રાઝિલિયન ડિજિટલ ઈન્ફ્લુએન્સર અને હેરડ્રેસર છું અને મને ભારતીય લોકો ખૂબ ગમે છે. આ સ્પષ્ટતા બાદથી લારિસાએ તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ્રાઈવેટ કરી દીધું છે.
