100% ઘઉંની બ્રેડનો દાવો પડ્યો મોંઘો, CCPAએ બ્રિટાનિયા પર ફટકાર્યો 1 લાખનો દંડ

CCPA Action on Britannia: 100% ઘઉં હોવાનો દાવો કરનાર બ્રિટાનિયા બ્રેડમાં માત્ર 62% જ લોટ નીકળ્યો. ગ્રાહક સુરક્ષાની મોટી કાર્યવાહી, જાણો વિગતવાર.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 27 Oct 2026 01:28 AM (IST)Updated: Tue, 27 Oct 2026 01:28 AM (IST)
claim-of-100-wheat-bread-proves-costly-ccpa-imposes-a-fine-of-1-lakh-on-britannia

CCPA Action on Britannia: રોજિંદી ભાગદોડ ભરેલી જિંદગીમાં આજકાલ હેલ્ધી રહેવા માટે મોટાભાગના લોકો બ્રાન્ડેડ ફૂડ્સ પર ભરોસો કરતા હોય છે. ખાસ કરીને બ્રેડ કે જે નાસ્તામાં સૌથી વધુ વપરાય છે, તેમાં લોકો '100% હોલ વ્હીટ' કે શુદ્ધ ઘઉં હોવાના દાવા જોઈને ખરીદી લેતા હોય છે. પરંતુ જો તમે પણ બ્રિટાનિયા (Britannia)ની બ્રેડ ખાવાના શોખીન હોવ, તો આ સમાચાર તમારા માટે આંખ ઉઘાડનારા સાબિત થઈ શકે છે.

મળતી માહિતી મુજબ, સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)એ પ્રખ્યાત ફૂડ કંપની બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સામે ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે. ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી જાહેરાતો કરવા બદલ કંપની પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

શું છે અસલી મામલો?

જાણવા મળ્યા મુજબ, બ્રિટાનિયા દ્વારા બજારમાં '100% હોલ વ્હીટ બ્રેડ' (100% Whole Wheat Bread) વેચવામાં આવતી હતી. કંપની પોતાની જાહેરાતોમાં એવું પ્રમોટ કરતી હતી કે આ બ્રેડ પૂરેપૂરી માત્રામાં શુદ્ધ ઘઉંના લોટમાંથી બનાવવામાં આવી છે. પરંતુ જ્યારે ગ્રાહક સુરક્ષા વિભાગે તેની ઊંડાણપૂર્વક તપાસ કરી, ત્યારે ચોંકાવનારી વાતો બહાર આવી.

તપાસમાં સામે આવ્યું કે આ બ્રેડમાં અસલમાં ઘઉંનું પ્રમાણ ફક્ત 62 ટકા જેટલું જ હતું અને બાકીના ભાગમાં અન્ય સામગ્રી કે ચોખાની ભૂસાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગ્રાહકો સાથે આ પ્રકારે અધૂરી કે ભ્રામક માહિતી શેર કરવાને કારણે સરકારે આ દંડની કાર્યવાહી કરી છે. સાથે જ, કંપનીને તાત્કાલિક અસરથી પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા પરથી આવી તમામ ભ્રામક જાહેરાતો હટાવી લેવા માટે આદેશ આપવામાં આવ્યો છે.