Battle of Galwan: ભારત સરકારે સલમાન ખાન અભિનીત ફિલ્મ બેટલ ઓફ ગલવાન અંગે ચીની મીડિયાના દાવાઓને નકારી કાઢ્યા છે. NDTVના અહેવાલ મુજબ સરકારી સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું કે ભારતમાં કલાત્મક સ્વતંત્રતા છે.
ફિલ્મ નિર્માતાઓને આ સ્વતંત્રતાનો ઉપયોગ કરીને ફિલ્મો બનાવવાનો અધિકાર છે. સલમાન ખાન અભિનીત ફિલ્મ બેટલ ઓફ ગલવાનમાં તથ્યોને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યા હોવાનો ચીની મીડિયા દ્વારા દાવો કરવામાં આવ્યા બાદ આ વાત કહેવામાં આવી હતી.
2020માં પૂર્વી લદ્દાખની ગલવાન ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણ પર આધારિત છે. ફિલ્મમાં સલમાન ખાન 16મી બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર કર્નલ બિકુમલ્લા સંતોષ બાબુની ભૂમિકા ભજવે છે. સંતોષ બાબુ આક્રમણકારી પીપલ્સ લિબરેશન આર્મી (PLA) સૈનિકો સામે લડતી વખતે શહીદ થયા હતા.
ગલવાન યુદ્ધ પર ચીનના દાવાઓને ભારતે નકારી કાઢ્યા
ભારતે સત્તાવાર રીતે સ્વીકાર્યું કે આ ભીષણ ઝપાઝપીમાં તેમના 20 સૈનિકો માર્યા ગયા હતા, જ્યારે ચીને (જેણે શરૂઆતમાં કોઈ જાનહાનિનો ઇનકાર કર્યો હતો) પાછળથી દાવો કર્યો કે તેમના ચાર સૈનિકો માર્યા ગયા હતા.
NDTV અનુસાર- ભારત એક એવો દેશ છે જ્યાં અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. સિનેમાની અભિવ્યક્તિ તેનો અભિન્ન ભાગ છે. ભારતીય ફિલ્મ નિર્માતાઓ આ કલાત્મક સ્વતંત્રતા અનુસાર ફિલ્મો બનાવવા માટે સ્વતંત્ર છે.
જેઓને આ ચોક્કસ ફિલ્મ અંગે ચિંતા છે તેઓ કોઈપણ સ્પષ્ટતા માટે ભારતીય સંરક્ષણ મંત્રાલયનો સંપર્ક કરી શકે છે. આ ફિલ્મમાં સરકારની કોઈ ભૂમિકા નથી.
સરકારે ફિલ્મ નિર્માતાઓની કલાત્મક સ્વતંત્રતાને ટેકો આપ્યો
ભારત અને ચીન વચ્ચે અથડામણો પછી તણાવ વધ્યો હતો. જેના કારણે સેનાએ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ગલવાન ખીણ નજીક સૈનિકો તૈનાત કર્યા. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં એક લેખમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે જૂન 2020ના અથડામણથી ફિલ્મમાં દર્શાવવામાં આવેલી ઘટનાઓ તથ્યો સાથે મેળ ખાતી નથી.
લેખમાં કહેવામાં આવ્યું છે કે- બોલિવૂડ ફિલ્મો ઘણીવાર મનોરંજન-સંચાલિત, ભાવનાત્મક રીતે ભરેલી વાર્તાઓ દર્શાવે છે પરંતુ સિનેમેટિક અતિશયોક્તિ ઇતિહાસને ફરીથી લખી શકતી નથી. ચીનના સાર્વભૌમ પ્રદેશનું રક્ષણ કરવાના PLAના સંકલ્પને ડગમગાવી શકતો નથી.
ગ્લોબલ ટાઈમ્સના લેખમાં ખોટો દાવો કરવામાં આવ્યો છે કે ગલવાન ખીણ વાસ્તવિક નિયંત્રણ રેખાની ચીનની બાજુ છે. તે જૂન 2020માં થયેલી અથડામણની જવાબદારી ભારત પર મૂકે છે. દાવા મુજબ ભારતીય સૈનિકોએ LAC પાર કરી અને લડાઈને ઉશ્કેરી હતી.
