Chhatrapati Sambhajinagar Suicide: મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લા સ્થિત ખવડા ટેકરી પર બનેલી કાળજુ કંપાવી દેનારી ઘટનામાં એક નવો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. આઈફોન ખરીદવા બાબતે પિતા સાથે થયેલા વિવાદ બાદ 500 ફૂટ ઊંડી ખાઈમાં ઝંપલાવનારા 18 વર્ષના કૃણાલ ચાંદવાડેએ વર્ષ 2025માં પણ આ જ ખવડા ટેકરી પરથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
શું હતી સમગ્ર ઘટના?
પોલીસ તપાસ અનુસાર, શુક્રવારે સવારે આશરે 10 વાગ્યે કૃણાલ ચાંદવાડે ખવડા ટેકરી પર પહોંચ્યો હતો અને ખાઈની આબેહૂબ કિનારી પર જઈને ઊભો રહી ગયો હતો. તે લગભગ 3 કલાક સુધી ત્યાં જ અડીંગો જમાવીને ઊભો રહ્યો હતો.
આ દરમિયાન તેને સુરક્ષિત રીતે નીચે ઉતારવા માટે તેના માતા-પિતા, સ્થાનિક ગ્રામજનો, પોલીસ અને અગ્નિશામક દળ (ફાયર બ્રિગેડ)ના જવાનો સતત તેને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કૃણાલની માતા કાળજીપૂર્વક તેની સાથે વાત કરી રહી હતી અને તેને સતત પાછળ હટી જવા માટે વિનંતીઓ કરી રહી હતી.
બચાવ ટુકડીની મહેનત એળે ગઈ
રેસ્ક્યુ ટીમે કૃણાલને સુરક્ષિત બચાવવા માટે ટેકરીની નીચે સેફ્ટી નેટ (સુરક્ષા જાળી) પણ બિછાવી દીધી હતી. પરંતુ કૃણાલ વારંવાર પોતાની જગ્યા બદલી રહ્યો હતો, જેના કારણે બચાવ કામગીરીમાં ભારે અડચણો આવી રહી હતી.
એક જ પરિવારના 3 લોકોના કરુણ મોત
પરિવાર અને તંત્રની તમામ કોશિશો અને કરગામણી છતાં આખરે આ દર્દનાક હોનારત સર્જાઈ હતી. કૃણાલે 500 ફૂટ ઊંડી ખાઈમાં છલાંગ લગાવી દીધી હતી. તેને બચાવવાના અંતિમ પ્રયાસમાં તેના પિતા મુરલીધર ચાંદવાડે અને માતા સંગીતા ચાંદવાડે પણ ક્ષણવારના અંતરમાં જ ખાઈમાં ખાબક્યા હતા, જેના કારણે ત્રણેયના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી છે.
