નવી દિલ્હી.
Congress Files Video: ભાજપે કોંગ્રેસને ઘેરવા માટે એક શૉર્ટ ફિલ્મની સિરીઝ શરૂ કરી છે. જેનો પ્રથમ એપિસોડ રવિવારે ભાજપે જાહેર કર્યો છે. 3 મિનિટ અને 4 સેકન્ડની આ શૉર્ટ ફિલ્મને ભાજપે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર શેર કરી છે.
આ શોર્ટ ફિલ્મ થકી ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર 48,20,69,00,00,000 રૂપિયાના ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. આ વીડિયો શેર કરવાની સાથે જ ભાજપે કેપ્શનમાં લખ્યું છે કે, કોંગ્રેસ ફાઈલ્સના પ્રથમ એપિસોડમાં જુઓ, તેવી રીતે કોંગ્રેસના શાસનકાળમાં એક પછી એક ભ્રષ્ટાચાર અને કૌભાંડો થયા.
https://twitter.com/BJP4India/status/1642353659714387969
કોંગ્રેસ મતલબ કરપ્શન શિર્ષક હેઠળના આ વીડિયો સંદેશમાં ભાજપે જણાવ્યું છે કે, કોંગ્રેસે પોતાના 70 વર્ષના શાસનકાળમાં જનતાના 48,20,69,00,00,000 રૂપિયા લૂંટી લીધા છે. આ પૈસાનો ઉપયોગ સુરક્ષા અને વિકાસના કામો માટે થઈ શકતો હતો.
આટલી રકમથી 24 INS વિક્રાંત, 300 રાફેલ જેટ અને 1000 મંગલ મિશન બનાવી કે ખરીદી શકાય તેમ હતા. જો કે દેશને કોંગ્રેસના ભ્રષ્ટાચારની કિંમત ચૂકવવી પડી રહી છે અને ભારત વિકાસની રેસમાં પાછળ પડી રહ્યું છે.
વધુમાં ભાજપે જણાવ્યું કે, 2004થી 2014નો કાર્યકાળ કોંગ્રેસનો અંતિમ દાયકો હતો, હવે તેમને તક નથી મળવાની. ભાજપે પોતાના વીડિયો સંદેશમાં એ પણ કહ્યું છે કે, આપ (કોંગ્રેસ) 70 વર્ષના ભ્રષ્ટાચારને એકબાજુ પર મૂકી દો અને 2004થી 2014 સુધીના દાયકાને અલગ કરી દો. મનમોહનસિંહ સરકારના કાર્યકાળમાં જ સૌથી મોટા કૌભાંડો આચરવામાં આવ્યા. આ દરમિયાન ન્યૂઝ પેપરો માત્ર કૌભાંડોના સમાચારોથી ભરાયેલા પડ્યા છે. દરરોજ એક નવો ભ્રષ્ટાચાર ઉઘાડો પડતો હતો.
ભાજપના વીડિયો મેસેજમાં 1.86 લાખ કરોડ રૂપિયાનું કોલસા કૌભાંડ, 1.76 લાખ કરોડ રૂપિયાનું 2G સ્પેક્ટ્રમ કૌભાંડ, 10 લાખ કરોડનું મનરેગા કૌભાંડ અને 70 હજાર કરોડ રૂપિયાનું કૉમનવેલ્થ કૌભાંડ બહાર આવ્યું હતુ. આટલું જ નહીં, હેલિકૉપ્ટર ડીલમાં 362 કરોડ રૂપિયાનું કમિશન, રેલવે બોર્ડના ચેરમેન પાસેથી 12 કરોડની લાંચ જેવા કેસો પણ સામે આવ્યા હતા. ભાજપે કહ્યું કે, આ તો માત્ર ટ્રેલર છે, હજુ પુરુ પિક્ચર રિલીઝ નથી કરવામાં આવ્યું.