Bengaluru hotel electrocution: કર્ણાટકના બેંગલુરુમાં આવેલી એક પ્રતિષ્ઠિત ફાઈવ સ્ટાર હોટલમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. હલાસુરુ વિસ્તારની કોનરાડ હોટલના સ્વિમિંગ પૂલમાં અચાનક વીજ કરંટ ફેલાતાં બે વિદેશી નાગરિકોના મોત થયા છે. તેમને બચાવવાનો પ્રયાસ કરનાર એક અમેરિકન મહેમાન અને હોટલનો એક કર્મચારી પણ કરંટની ઝપેટમાં આવી ગયા હતા. આ ઘટનાને પગલે હોટલની સુરક્ષા વ્યવસ્થા અને સ્વિમિંગ પૂલની જાળવણી સામે સવાલો ઊભા થયા છે.
બેંગલુરુની ફાઈવ સ્ટાર હોટલના સ્વિમિંગ પૂલમાં દુર્ઘટના
મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના શુક્રવાર, 30 ઓક્ટોબરની સાંજે બેંગલુરુના હલાસુરુ વિસ્તારમાં આવેલી કોનરાડ હોટલમાં બની હતી. હોટલના ત્રીજા માળે આવેલા સ્વિમિંગ પૂલમાં બે વિદેશી નાગરિકો સ્વિમિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક પાણીમાં વીજ કરંટ ફેલાયો હતો, જેના કારણે બંને ગંભીર રીતે પ્રભાવિત થયા હતા અને તેમનાં મોત નીપજ્યાં હતાં.
મૃતકો અને ઈજાગ્રસ્તોની ઓળખ
મૃતકો:
એલેક્ઝાન્ડર મેક્સિમિલિયન થીસ (ઉંમર 57 વર્ષ): જર્મનીના નાગરિક અને લુફ્થાંસા એરલાઈન્સ (Lufthansa Airlines) ના ક્રૂ મેમ્બર હતા.
જુરાજ હોર્વાત (ઉંમર 45 વર્ષ): સ્લોવાકિયાના નાગરિક અને જાણીતી ટેક કંપની IBM માં પ્રોજેક્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
ઈજાગ્રસ્તો:
મેથ્યુ ડિસેન્ટિસ (ઉંમર 41 વર્ષ): અમેરિકન નાગરિક અને હોટલમાં રોકાયેલા મહેમાન.
રાહુલ તિવારી (ઉંમર 28 વર્ષ): ભારતીય નાગરિક અને હોટલના પૂલ અટેન્ડન્ટ સ્ટાફ.
જ્યારે સ્વિમિંગ પૂલમાં બે વિદેશી પ્રવાસીઓ કરંટનો ભોગ બન્યા ત્યારે તેમને બચાવવા માટે ત્યાં હાજર અમેરિકન નાગરિક મેથ્યુ અને સ્ટાફ સભ્ય રાહુલ દોડી ગયા હતા. આ પ્રયાસમાં તેઓ બંને પણ કરંટ લાગવાથી ઈજાગ્રસ્ત થયા હતા. બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક બેંગલુરુની મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે અને હાલમાં તેઓ બંને ખતરા બહાર હોવાનું જાણવા મળ્યું છે.
હોટલની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો
આ ઘટના બાદ કોનરાડ હોટલના સ્વિમિંગ પૂલની સુરક્ષા વ્યવસ્થા અને વીજળીના જોડાણને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. સ્વિમિંગ પૂલના પાણીમાં વીજ કરંટ કેવી રીતે ફેલાયો અને આ દુર્ઘટના પાછળ ટેકનિકલ ખામી કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ, તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા અને કોઈની બેદરકારી હતી કે કેમ તે નક્કી કરવા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
એક મહિના માટે બંધ રહેશે હોટલનો સ્વિમિંગ પૂલ
આ ઘટનાની વચ્ચે હોટલની વેબસાઇટ પર સ્વિમિંગ પૂલ અંગેની એક મહત્વપૂર્ણ સૂચના પણ સામે આવી છે. હોટલ મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, સ્વિમિંગ પૂલ 31 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી મેન્ટેનન્સના કામને કારણે બંધ રાખવામાં આવશે. જોકે, આ બંધ રાખવાનો નિર્ણય અકસ્માત સાથે સીધી રીતે સંબંધિત છે કે કેમ તે અંગે સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી.
