India Weather News: ચક્રવાત 'અર્નબ' હજુ પૂરું શમ્યું નથી ત્યાં બંગાળની ખાડી પર વધુ એક ચક્રવાતી વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જણાવ્યા અનુસાર, દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર ક્ષેત્ર ઝડપથી વધુ ગંભીર બનીને 1 નવેમ્બર સુધીમાં ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે.
હવામાન વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વિગતો આપતાં જણાવ્યું કે, આગામી 6 કલાકમાં આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં અને આગામી 24 કલાકમાં ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતા છે. આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધીને 2 નવેમ્બરની સાંજ સુધીમાં આંધ્રપ્રદેશના દરિયાકાંઠા નજીક પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
વિવિધ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
નવા સર્જાઈ રહેલા ચક્રવાતના પ્રભાવથી 2 થી 4 નવેમ્બર દરમિયાન વિવિધ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જેમાં 2 અને 3 નવેમ્બરના રોજ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો અને પુડુચેરીના યાનમમાં છૂટાછવાયા સ્થળો પર અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા છે. ઓડિશા રાજ્યમાં 3 અને 4 નવેમ્હરના રોજ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
'અર્નબ' વાવાઝોડાએ મચાવેલી તબાહી
નોંધનીય છે કે, ચક્રવાત 'અર્નબ' 28 ઓક્ટોબરની સવારે બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે આંધ્રપ્રદેશ અને યાનમ કિનારે અથડાયું હતું. આ વાવાઝોડા દરમિયાન આશરે 130 km/h ની ઝડપે પવન ફુંકાયો અને મુશળધાર વરસાદથી ભારે તબાહી સર્જી હતી, જેના કારણે સેંકડો વૃક્ષો ધરાશાયી થયા, ઘરો ડૂબી ગયા અને ખેતરો જળમગ્ન બન્યા હતા. ચક્રવાતને કારણે ઓડિશાના ગંજામ જિલ્લામાં થયેલા ભૂસ્ખલનમાં 12 લોકો ગુમ થઈ ગયા, જેમની શોધખોળ માટે હાલ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલુ રાખવામાં આવી છે.
