ભગવાન કૃષ્ણ પરના નિવેદન બાદ વિવાદ બાબા બાગેશ્વરે હાથ જોડીને માંગી માફી, જાણો શું હતો મામલો

ભગવાન શ્રીકૃષ્ણ પર આપેલા વિવાદીત નિવેદનને લઈને બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ હાથ જોડીને માફી માંગી છે. વાંચો પૂરી વિગત.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 02 Nov 2026 06:42 PM (IST)Updated: Mon, 02 Nov 2026 06:42 PM (IST)
baba-bageshwar-apologizes-for-lord-krishna-comments-controversy

Baba Bageshwar Controversy: બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (બાબા બાગેશ્વર) પોતાના નિવેદનોને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. જોકે, આ વખતે ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણની તુલના કરતું એક નિવેદન આપ્યા બાદ તેઓ ભારે વિવાદમાં સપડાયા છે. કથા દરમિયાન શ્રીકૃષ્ણના સ્વરૂપ, વ્રજ ધામ અને વાંસળી વગાડવા અંગે કરાયેલી ટિપ્પણીનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ કૃષ્ણભક્તો અને સનાતનીઓમાં ભારે અસંતોષ ફેલાયો હતો. વિવાદ વકરતાં આખરે ધીરેન્દ્ર શાસ્ત્રીએ હાથ જોડીને જાહેરમાં સ્પષ્ટતા આપવી પડી છે અને માફી માંગવી પડી છે.

કથા દરમિયાન શું કહ્યું હતું ધીરેન્દ્ર શાસ્ત્રીએ?

મધ્યપ્રદેશમાં આયોજિત એક કથા દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભગવાન રામ અને શ્રીકૃષ્ણના સ્વરૂપની સરખામણી કરતી વખતે વિવાદાસ્પદ શબ્દો કહ્યા હતા.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ સ્વરૂપની તુલના કરતા કહ્યું હતું કે- તમારા ઠાકુરજી (શ્રીકૃષ્ણ) તો દરેક ફોટામાં ત્રણ જગ્યાએથી વાંકા દેખાય છે. પગ પર પગ ચડાવીને, કમર મરડીને અને ત્રાસી ગરદન કરીને વાંસળી વગાડે છે. જ્યારે અમારા રામજી તો ઊભા પણ સીધા રહે છે, તેમનું નામ પણ સીધું છે અને ચાલે છે પણ સીધા.

આ સિવાય તેમણે અયોધ્યાને સીધું ધામ અને વૃંદાવનના નામ પર પણ ટિપ્પણી કરી હતી. વધુમાં ઉમેર્યું હતું કે વાંસળી વગાડવી એ કોઈ મોટું કામ નથી, પરંતુ ધનુષ્ય ચલાવવું એ રમત વાત નથી.

 

સોશિયલ મીડિયા પર વાયરલ વિડિયો અને લોકોનો આક્રોશ

ધીરેન્દ્ર શાસ્ત્રીના આ નિવેદનની નાની ક્લિપ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ હતી. સનાતન ધર્મ અને હિંદુ એકતાની વાતો કરતા કથાવાચક દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ માટે આવી ભાષાનો ઉપયોગ કરવામાં આવતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ તેમની આકરી ટીકા કરી હતી અને કેટલાક લોકોએ તેમને 'કૃષ્ણ વિરોધી' પણ ગણાવ્યા હતા.

'હું કૃષ્ણ વિરોધી નથી, ભાવમાં બોલાઈ ગયું હતું': બાબા બાગેશ્વરની સ્પષ્ટતા

વિવાદ વધુ ઉગ્ર બનતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ એક વિડીયો સંદેશ જાહેર કરીને હાથ જોડીને નમ્રતાપૂર્વક માફી માંગી હતી. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે- તેમનો આશય ક્યારેય ભગવાન શ્રીકૃષ્ણનું અપમાન કરવાનો નહોતો. તેમણે પ્રેમના આવેશમાં અને વિનોદભાવથી ઠાકુરજી માટે આ શબ્દો કહ્યા હતા, જેમ ગોપીઓ અને સખીઓ શ્રીકૃષ્ણ સાથે પ્રેમથી વિનોદ કરતી હતી.

તેમણે ભારપૂર્વક કહ્યું કે- હું પોતે પણ શ્રીકૃષ્ણ અને વ્રજનો ભક્ત છું. મારા પોતાના નામમાં પણ 'કૃષ્ણ' જોડાયેલું છે (ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી) અને હું પોતે કૃષ્ણ જન્મભૂમિના મુદ્દા માટે વારંવાર અવાજ ઉઠાવતો રહ્યો છું.

ક્યારેક જોશ કે ભાવનાઓમાં વહીને બોલવામાં ચુક થઈ જતી હોય છે. જો તેમની વ્યાખ્યા કે ભાવથી કોઈ પણ ભક્તની લાગણી દુભાઈ હોય તો તેઓ વિનમ્ર ભાવથી ક્ષમાપ્રાર્થી છે.

 

ટાર્ગેટ કરવાનો નવો ટ્રેન્ડ ચાલ્યો હોવાનો દાવો

પોતાની સફાઈ આપવાની સાથે ધીરેન્દ્ર શાસ્ત્રીએ એવો દાવો પણ કર્યો હતો કે આજકાલ સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે 'બાબા બાગેશ્વરનો વિરોધ કરો' એવો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. લોકો આખો વિડિયો કે તેની પાછળનો સાચો ભાવ જોયા વગર માત્ર અડધી-અધૂરી ક્લિપ જોઈને વિવાદ ઊભો કરવાનો પ્રયાસ કરે છે.