Andhra Pradesh Train Fire: આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ પાસે આવેલા યલમંચીલીમાં ટાટાનગર-એરનાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય કેટલાક મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર ટ્રેનના બે ડબ્બાઓ આગની લપેટમાં આવી ગયા હતા.
કેવી રીતે બની દુર્ઘટના
આગની આ ઘટના રાત્રે અંદાજે 12:45 વાગ્યે બની હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટના વિશાખાપટ્ટનમથી લગભગ 66 કિલોમીટર દૂર બની હતી. જ્યારે ટ્રેનમાં આગ લાગી ત્યારે એક કોચમાં 82 મુસાફરો અને બીજા કોચમાં 76 મુસાફરો સવાર હતા. બંને કોચમાં કુલ 158 મુસાફરો સવાર હતા. આટલી મોટી સંખ્યામાં મુસાફરોની હાજરીને કારણે સ્થિતિ વધુ ગંભીર બની હતી.
મૃતકની ઓળખ
અધિકારીઓએ માહિતી આપી છે કે આગમાં બળી ગયેલા એક વ્યક્તિનો મૃતદેહ B1 કોચમાંથી મળી આવ્યો છે. આ મૃતકની ઓળખ ચંદ્રશેખર સુંદરમ તરીકે કરવામાં આવી છે. રેલવે તંત્ર અને સ્થાનિક વહીવટી દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

