Amit Shah Karnal Rally: હરિયાણાના કર્નાલ ખાતે યોજાયેલી એક જાહેર સભાને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. મતદાર યાદીઓની 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) પ્રક્રિયા પર ચાલી રહેલા વિવાદ અંગે શાહે રાહુલ ગાંધીને પડકાર ફેંક્યો છે કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરે. તેમણે ખાતરી આપી હતી કે ભાજપ સરકાર સંસદના પટલ પર આ મુદ્દા અંગે વિસ્તૃત અને ખુલ્લી ચર્ચા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
ભાજપની 'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' કૂચ બાદ યોજાયેલી આ રેલીમાં ગૃહમંત્રીએ સ્પષ્ટ કર્યું કે કોંગ્રેસ પક્ષે અસત્ય ફેલાવવાનું બંધ કરવું જોઈએ અને સંસદીય ચર્ચામાંથી ભાગવું ન જોઈએ.
સતત હારથી વિચલિત થઈને ચૂંટણી પંચ પર દોષ મઢે છે વિપક્ષ
અમિત શાહે પોતાના સંબોધનમાં યાદ અપાવ્યું કે 22 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન ભાજપ દ્વારા રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેના હેઠળ દેશના 600થી વધુ જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમો યોજીને વિપક્ષના જૂઠાણાનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો.
તેમણે ઉમેર્યું કે દેશની જનતાએ સતત ત્રીજી વખત નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે ચૂંટ્યા છે. તાજેતરમાં હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની આશાઓ પર પહેલા પાંચ રાઉન્ડની મતગણતરીમાં જ પાણી ફરી વળ્યું હતું અને નાયબ સિંહ સૈનીના નેતૃત્વમાં ભાજપની સરકાર બની. મહારાષ્ટ્ર, દિલ્હી, બિહાર અને આસામ જેવા રાજ્યોમાં મળેલી પરાજયથી રાહુલ ગાંધી સ્પષ્ટપણે વિચલિત થઈ ગયા છે અને હવે તેઓ પોતાની હારનો દોષ ચૂંટણી પંચ અને મતદાર યાદી સુધારણા પ્રક્રિયા પર મઢી રહ્યા છે.
10 કરોડ ખામીયુક્ત નોંધણીઓ અને ઘૂસણખોરીનો વિરોધ
સંસદને લોકશાહીનું સર્વોચ્ચ મંચ ગણાવતા ગૃહમંત્રીએ કડક શબ્દોમાં કહ્યું કે શેરીઓમાં ભીડ ભેગી કરીને અરાજકતા ફેલાવવાની નીતિ નહીં ચાલે. મતદાર યાદીને શુદ્ધ કરવી એ ચૂંટણી પંચની બંધારણીય જવાબદારી છે.
ચકાસણી દરમિયાન દેશભરમાંથી મૃત વ્યક્તિઓ, અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરી ગયેલા લોકો અને એકથી વધુ જગ્યાએ નામ ધરાવતા અંદાજે 10 કરોડ ખોટા મતદારોની નોંધણીઓ સામે આવી છે. આ ઉપરાંત 3 કરોડ એવા લોકો છે જે ચકાસણી માટે આગળ આવ્યા નથી. આ જૂથમાં ગેરકાયદે ઘૂસણખોરો પણ સામેલ છે, જેમને બચાવવાનો પ્રયાસ વિપક્ષ કરી રહ્યો છે. અમિત શાહે પુનરોચ્ચાર કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંકલ્પ સ્પષ્ટ છે. ગેરકાયદે ઘૂસણખોરોની ઓળખ કરી, મતદાર યાદીમાંથી નામ હટાવી તેમને દેશમાંથી બહાર કાઢવામાં આવશે.
બૂથ સ્તરે મંજૂરી હોવા છતાં વિપક્ષી પ્રતિનિધિઓ નિષ્ક્રિય રહ્યા
ગૃહમંત્રીએ સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોને બૂથ સ્તરે પ્રતિનિધિઓ (BLA) નિયુક્ત કરવાની તક આપી હતી, ત્યારે કોંગ્રેસના પ્રતિનિધિઓએ પોતાની જવાબદારી કેમ ન નિભાવી? ઉંમર અને પારિવારિક વિગતોમાં રહેલી ત્રુટિઓને સુધારવી લોકશાહીની પારદર્શિતા માટે અનિવાર્ય છે.
આ જાહેર સભાના મંચ પર હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની, કેન્દ્રીય મંત્રી મનોહર લાલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડૉ. અર્ચના ગુપ્તા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સ્મૃતિ ઈરાની સહિત વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.
