નવી દિલ્હી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવા સંસદભવનના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરનારા વિપક્ષ પર આકરા પ્રહાર કર્યાં છે. PM મોદીનું અપમાન કરનારા લોકોને આગામી 2024ની લોકસભા ચૂંટણીમાં કિંમત ચૂકવવી પડશે.
કોંગ્રેસને પડકાર ફેંકતા અમિત શાહે જણાવ્યું કે, તમારા બહિષ્કાર કરવાથી કશું જ નહીં થાય. દેશની જનતાનો આશીર્વાદ નરેન્દ્ર મોદીની સાથે છે. કોંગ્રેસ જે કરી રહી છે, તે દેશની 130 કરોડ જનતા જોઈ રહી છે અને આગામી ચૂંટણીમાં જનતા તેનો જડબાતોડ જવાબ આપશે.
વધુમાં અમિત શાહે કહ્યું કે, હજુ તો માત્ર વિપક્ષનો દરજ્જો જ છીનવાયો છે. આગામી લોકસભા ચૂંટણીમાં આટલી સીટો પણ નહીં આવે. જ્યારે નરેન્દ્ર મોદી 2024માં 300થી વધુ બેઠકો સાથે ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યાં છે.
આ એક લોકતંત્ર છે અને ભારતના લોકોએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનવા માટે વોટ આપ્યો હતો. જો કે કોંગ્રેસ અને ગાંધી પરિવાર 9 વર્ષ થવા આવ્યા હોવા છતાં હજુ પણ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે સ્વીકારવા માટે તૈયાર નથી. આગામી 28મીં મેના રોજ PM મોદી નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાના છે. જો કે કોંગ્રેસ એવું બહાનું બનાવીને તેનો બહિષ્કાર કરીને રાજનીતિ કરી રહી છે કે, રાષ્ટ્રપતિએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવું જોઈએ.
કોંગ્રેસનો સાથ આપનારી વિપક્ષી પાર્ટીઓને પણ ચેતવણીના સુરમાં અમિત શાહે જણાવ્યું કે, કોંગ્રેસના રસ્તે ચાલશો, તો તમારી હાલત પણ કોંગ્રેસ જેવી થઈ જશે. જનાદેશનું સમ્માન નહીં કરવાના કારણે કોંગ્રેસની જે દશા થઈ છે, તે તમારી પણ થશે.