મુંબઈના ટ્રાફિક અને એરપોર્ટની ભીડથી રાહત મળવાની આશા, હવે નવી મુંબઈથી ઉડાન ભરશે એર ઇન્ડિયા અને ઇન્ડિગોની ફ્લાઇટ્સ

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એર ઇન્ડિયા અને ઇન્ડિગોની કેટલીક ફ્લાઇટ્સ હવે નવી મુંબઈ એરપોર્ટ પર શિફ્ટ થશે. જાણો ક્યારે શરૂ થશે નવી ફ્લાઇટ્સ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 25 Oct 2026 10:25 PM (IST)Updated: Sun, 25 Oct 2026 10:25 PM (IST)
air-india-indigo-shift-flights-to-navi-mumbai-airport

Navi Mumbai Airport: મુંબઈના એવિએશન સેક્ટર અને હવાઈ સફર કરતા મુસાફરો માટે એક ખુબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. મુંબઈના મુખ્ય એરપોર્ટ પર મુસાફરોનો વધતો બોજ ઘટાડવા માટે ભારતની બે સૌથી મોટી એરલાઈન્સ—એર ઈન્ડિયા ગ્રુપ (Air India) અને ઈન્ડિગો (Indigo)—પોતાની કેટલીક ફ્લાઈટ્સ નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (NMIA) ખાતે શિફ્ટ કરવા માટે સંમત થઈ ગઈ છે.

કેમ લેવાયો આ મોટો નિર્ણય?

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA)ના 'ટર્મિનલ 1'ના રીડેવલપમેન્ટ અને આધુનિકીકરણનું કામ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. આ રીડેવલપમેન્ટ દરમિયાન એરપોર્ટની સુરક્ષા વધુ મજબૂત કરવા, પેસેન્જર સુવિધાઓ વધારવા અને એરપોર્ટ પર થતી ભારે ભીડને નિયંત્રિત કરવા માટે ફ્લાઈટ્સનો બોજ અન્યત્ર ખસેડવો અનિવાર્ય બન્યો હતો.

એર ઈન્ડિયાનું નવું શિડ્યુલ અને ઈન્ટરનેશનલ પ્લાન

એર ઈન્ડિયા ગ્રુપ આવતા ડિસેમ્બર મહિનાથી નવી મુંબઈ એરપોર્ટ પરથી પોતાનું ઓપરેશન શરૂ કરશે-

ડોમેસ્ટિક ફ્લાઈટ્સ: એર ઈન્ડિયા એક્સપ્રેસ ડિસેમ્બર 2026થી નવી મુંબઈથી 4 દૈનિક સ્થાનિક ફ્લાઈટ્સ ચાલુ કરશે.

ઈન્ટરનેશનલ રૂટ્સ: જાન્યુઆરી 2027થી કુવૈત અને ઓમાન માટેની સેવાઓ શરૂ થશે. ત્યારબાદ તબક્કાવાર રીતે જેદ્દાહ, રિયાધ, દમ્મામ, દોહા, મસ્કત અને શારજાહ જેવી પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ)ની ફ્લાઈટ્સને પણ નવી મુંબઈ ખાતે શિફ્ટ કરવામાં આવશે.

ઈન્ડિગોની 12 આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ થશે શિફ્ટ

ઈન્ડિગો એરલાઈન્સે પણ પોતાના મોટો વિસ્તાર પ્લાન જાહેર કર્યો છે. ફેબ્રુઆરી 2027થી જુલાઈ 2027 વચ્ચે ઈન્ડિગો CSMIA થી પોતાની 12 દૈનિક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ નવી મુંબઈ એરપોર્ટ પર શિફ્ટ કરશે. જેમાં બહેરીન, રિયાધ, દમ્મામ, જેદ્દાહ, મદીના, કુવૈત, રાસ અલ ખેમાહ, ફુજૈરાહ, મસ્કત, ઢાકા અને જકાર્તાનો સમાવેશ થાય છે.

આ સિવાય, કાઠમંડુ (નેપાળ) માટે પણ એક નવી દૈનિક ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. મુસાફરોને કનેક્ટિંગ ફ્લાઈટ્સમાં કોઈ તકલીફ ન પડે તે માટે ઈન્ડિગો પોતાની ડોમેસ્ટિક કનેક્ટિવિટી પણ તે જ મુજબ એડજસ્ટ કરશે.

અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ (AAHL)ની ભૂમિકા અને 50 લાખ મુસાફરોની અવરજવર

અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડના જણાવ્યા અનુસાર, આ ફેરફારના પ્રથમ તબક્કામાં લગભગ 30 લાખથી 50 લાખ મુસાફરોની અવરજવર નવી મુંબઈ એરપોર્ટ તરફ ડાયવર્ટ થશે. આનાથી CSMIAના ટર્મિનલ-1ના આધુનિકીકરણ માટે પૂરતી જગ્યા મળશે અને મુસાફરોને વર્લ્ડ-ક્લાસ સુવિધાઓ મળી શકશે.

મુંબઈને મળશે 'ડ્યુઅલ-એરપોર્ટ સિસ્ટમ'નો લાભ

આ નિર્ણય સાથે જ મુંબઈ હવે લંડન કે ન્યૂયોર્ક જેવા વિશ્વના મોટા શહેરોની જેમ 'ડ્યુઅલ-એરપોર્ટ સિસ્ટમ' ધરાવતું શહેર બની જશે. નવી મુંબઈ એરપોર્ટ એક ગ્લોબલ ઈન્ટરનેશનલ હબ તરીકે ઉભરી આવશે, જેનાથી મુસાફરોને ટ્રાફિક અને એરપોર્ટની લાંબી લાઈનોમાંથી મુક્તિ મળશે.