75 Rupees Coin: કેન્દ્રીય નાણા મંત્રાલયે ગુરુવારે સંસદ ભવનની નવી ઇમારતના ઉદ્ઘાટન પ્રસંગે 75 રૂપિયાનો સિક્કો બહાર પાડવાની જાહેરાત કરી હતી. આ સિક્કા પર નવા સંસદ ભવન સંકુલનું ચિત્ર છાપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવા સંસદ ભવન સંકુલનું ઉદ્ઘાટન કરશે.
આ ધાતુઓમાંથી સિક્કા બનાવવામાં આવશે
નાણા મંત્રાલયની સૂચના અનુસાર, નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પ્રસંગે 75 રૂપિયાનો સિક્કો (Rs 75 Coin) લોન્ચ કરવામાં આવશે. આ સિક્કાનું વજન 35 ગ્રામ હશે. તેમાં 50 ટકા ચાંદી અને 40 ટકા તાંબાનું મિશ્રણ હશે. 5-5 ટકા નિકલ અને ઝીંક મેટલ્સ હશે.
સિક્કાની ડિઝાઈન
સિક્કા પર સત્યમેવ જયતે લખેલું હશે અને સિક્કા પર અશોક સ્તંભ પણ કોતરવામાં આવશે. સિક્કાની ડાબી બાજુએ દેવનાગરી ભાષામાં ભારત અને અંગ્રેજીમાં ભારત લખેલું હશે. એ જ રીતે સિક્કાની ઉપરની બાજુએ દેવનાગરી ભાષામાં સંસદ ભવન લખેલું હશે અને તેની નીચે સંસદ ભવન સંકુલનું ચિત્ર પણ છાપવામાં આવશે. સિક્કાની ડિઝાઈન બંધારણની પ્રથમ સૂચિ મુજબ કરવામાં આવી છે.
કોલકાતા ટંકશાળમાં બનશે સિક્કો
આ સિક્કો ભારત સરકારની કોલકાતા ટંકશાળમાં બનાવવામાં આવી રહ્યો છે. નવા સંસદભવનના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન પીએમ મોદી દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવશે. નાણા મંત્રાલયે કહ્યું છે કે, આ સિક્કાને ફર્સ્ટ શેડ્યૂલના નિયમોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે.
નોંધનીય છે કે, 10 ડિસેમ્બર 2020ના રોજ નવા સંસદ ભવનનાં નિર્માણ માટે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. સંસદ ભવનના નવા સંકુલના નિર્માણ માટે 861 કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો પરંતુ બાદમાં તેનો ખર્ચ 1200 કરોડ રૂપિયા થયો હતો.