Fake Weddings: ભારતમાં લગ્ન એટલે હજારો મહેમાનો, ભારે લહેંગા અને કલાકો સુધી ચાલતી ધાર્મિક વિધિ. પરંતુ 2025 ના વર્ષમાં આ પરંપરાગત છબીમાં એક અનોખો વળાંક આવ્યો છે. હવે યુવા પેઢી, ખાસ કરીને Gen Z લગ્ન કર્યા વગર જ લગ્નની મજા માણવા તરફ વળી છે. આ નવો ટ્રેન્ડ એટલે 'નકલી લગ્ન' (Fake Weddings) છે.
શું છે આ 'નકલી લગ્ન'નો ટ્રેન્ડ?
નામ પ્રમાણે જ આ લગ્ન નકલી હોય છે. તે એક એવી થીમ આધારિત પાર્ટી છે જ્યાં લગ્ન જેવું બધું જ હોય છે—ભવ્ય સજાવટ, ઢોલના ધબકારા, સંગીત અને લિજ્જતદાર ભોજન—પરંતુ સ્ટેજ પર ન તો વરરાજા હોય છે કે ન તો કન્યા. અહીં કોઈ સાત ફેરા નથી હોતા કે નથી હોતી વિદાયની પળો. આ ઇવેન્ટ્સ મોટી હોટલ કે ક્લબ દ્વારા આયોજિત કરવામાં આવે છે, જેમાં જોડાવા માટે કોઈ આમંત્રણની નહીં પરંતુ' ટિકિટ' ની જરૂર પડે છે.
આ પણ વાંચો
Gen Z કેમ આ પાછળ પાગલ છે?
પરંપરાગત ભારતીય લગ્નોમાં ઘણીવાર સામાજિક દબાણ અને કૌટુંબિક અપેક્ષાઓનું ભારણ હોય છે. Gen Z માટે 'બનાવટી લગ્ન' એ આ બધાથી મુક્ત થવાનો રસ્તો છે.
કોઈ જજમેન્ટ નહીં: અહીં કોઈ સંબંધી તમારા પહેરવેશ કે વજન વિશે ટીકા કરવા માટે હોતું નથી.
શુદ્ધ મનોરંજન: લોકો માત્ર તૈયાર થવા, નાચવા અને મિત્રો સાથે આનંદ માણવા માટે આ પાર્ટીમાં જાય છે.
સોશિયલ મીડિયા ફેક્ટર: આ ઇવેન્ટ્સ અત્યંત 'ઇન્સ્ટાગ્રામ-ફ્રેન્ડલી' હોય છે. સુંદર લાઇટિંગ અને ભવ્ય ડેકોરેશન યુવાનોને આકર્ષક રીલ્સ અને ફોટા બનાવવાની પૂરતી તક આપે છે.
માત્ર યુવાનો જ નહીં, દરેક માટે આકર્ષણ
દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ જેવા મેટ્રો શહેરોમાં આ ટ્રેન્ડ ઝડપથી ફેલાયો છે. નવાઈની વાત એ છે કે 2025 સુધીમાં માત્ર 20 વર્ષના યુવાનો જ નહીં, પણ 40થી વધુ વયના લોકો પણ આમાં રસ લઈ રહ્યા છે. દરેક વ્યક્તિ પરંપરાગત લગ્નોની ભાગદોડ વગર ફક્ત તે ભવ્ય માહોલનો આનંદ લેવા માંગે છે.
'નકલી લગ્ન' ક્યારેય પવિત્ર વિધિ સાથે થતા વાસ્તવિક લગ્નોનું સ્થાન નહીં લઈ શકે, પરંતુ તે મનોરંજનના એક સમાંતર વિકલ્પ તરીકે ઉભરી આવ્યા છે. 2025 એ સાબિત કર્યું છે કે આજના ભાગદોડ ભર્યા જીવનમાં લોકોને ક્યારેક ધાર્મિક વિધિઓ કરતા તણાવમુક્ત 'ઉજવણી' ની વધુ જરૂર હોય છે.
