Hardest Countries to Get Citizenship: ભારતમાંથી દર વર્ષે લાખો લોકો પોતાની નાગરિકતા છોડીને વિદેશમાં સ્થાયી થતા હોય છે, જેમાં મોટાભાગે અમીર લોકોનો સમાવેશ થાય છે. ઘણા લોકો માટે બીજા દેશની નાગરિકતા મેળવવી એ માત્ર પાસપોર્ટ કે રોકાણની વાત હોઈ શકે છે, પરંતુ દુનિયામાં એવા કેટલાક દેશો પણ છે જ્યાં નાગરિક બનવું લગભગ અશક્ય છે. આ દેશોમાં નાગરિકતા પ્રાપ્ત કરવા માટે અત્યંત કડક નિયમો અને લાંબી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે.
વેટિકન સિટી
નાગરિકતા મેળવવાના મામલે વેટિકન સિટીને વિશ્વનો સૌથી મુશ્કેલ દેશ માનવામાં આવે છે. અહીંની નાગરિકતા કાયમી હોતી નથી. તે માત્ર કાર્ડિનલ્સ, પાદરીઓ અથવા હોલી સીમાં કાર્યરત અધિકારીઓને જ આપવામાં આવે છે. નોંધપાત્ર વાત એ છે કે, જેવો તેમનો કાર્યકાળ પૂરો થાય છે, તેમની નાગરિકતા પણ આપોઆપ સમાપ્ત થઈ જાય છે. અહીં ‘જન્મથી નાગરિક’ હોવાની કોઈ જોગવાઈ જ નથી.
ઉત્તર કોરિયા
જો કોઈ ઉત્તર કોરિયામાં જઈને વસવાટ કરવાનું વિચારતું હોય, તો તે લગભગ અશક્ય છે. તાનાશાહ કિમ જોંગ ઉનના આ દેશમાં નાગરિકતા મેળવવા માટે કોઈ પારદર્શક પ્રક્રિયા નથી અને વિદેશીઓ માટે અરજી કરવાનો વિકલ્પ પણ હોતો નથી. માત્ર રાજકીય અથવા લશ્કરી સંજોગોમાં જ નાગરિકતા આપવામાં આવે છે. આ દેશ બાહ્ય લોકો પર સખત દેખરેખ રાખવા માટે જાણીતો છે.
કતાર
કતારમાં નાગરિકતા મેળવવા માટે વ્યક્તિએ ઓછામાં ઓછા 25 વર્ષ સુધી સતત ત્યાં રહેવું પડે છે. આ ઉપરાંત, અરબી ભાષામાં નિપુણતા અને આર્થિક રીતે મજબૂત હોવા પુરાવા પણ આપવા પડે છે. જોકે આ તમામ શરતો પૂરી કર્યા પછી પણ નાગરિકતા મળશે જ તેની કોઈ ખાતરી નથી, કારણ કે અંતિમ નિર્ણય સંપૂર્ણપણે ત્યાંની સરકાર પર નિર્ભર હોય છે.
સાઉદી અરેબિયા
સાઉદી અરેબિયામાં નાગરિકતા મળવી એ ખૂબ જ દુર્લભ બાબત છે. અહીં રહેવાનો લઘુત્તમ સમયગાળો 10 વર્ષનો છે, પરંતુ તેની સાથે અરબી ભાષામાં નિપુણતા અને સ્થાનિક સંસ્કૃતિ સાથે જોડાણ હોવું અનિવાર્ય છે. આ દેશમાં નાગરિકતા માટે ઇસ્લામ ધર્મનું પાલન અહમ ભૂમિકા ભજવે છે, જેના કારણે બિન-મુસ્લિમો માટે નાગરિકતા મેળવવી લગભગ અશક્ય ગણાય છે.
કુવૈત
કુવૈત પણ નાગરિકતાના કાયદાઓમાં અત્યંત કડક છે. અહીં બિન-મુસ્લિમોને નાગરિકતા માટે અરજી કરવાની પરવાનગી જ નથી, જ્યારે મુસ્લિમ અરજદારોએ ઓછામાં ઓછા 20 વર્ષ ત્યાં રહેવું પડે છે. આટલા લાંબા સમય સુધી વસવાટ કર્યા પછી પણ મોટાભાગની અરજીઓ સરકાર દ્વારા રદ કરી દેવામાં આવતી હોય છે.
સ્વિટ્ઝર્લેન્ડ
સ્વિટ્ઝર્લેન્ડની પ્રક્રિયા અન્ય દેશો કરતા અલગ છે, જ્યાં ધર્મ કરતા સ્થાનિક સંકલન પર વધુ ભાર મૂકવામાં આવે છે. નાગરિકતા મેળવવા ઈચ્છતી વ્યક્તિએ ત્યાં 10 વર્ષ સુધી રહેવું પડે છે અને સ્થાનિક સમાજ, ભાષા તેમજ સંસ્કૃતિમાં સંપૂર્ણપણે ભળી જવું પડે છે. આટલું જ નહીં, અંતે નાગરિકતા ટેસ્ટ પાસ કર્યા પછી જ ત્યાંની મંજૂરી મળે છે.
