ભારતની સભ્યતા અને સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. દેશમાં અનેક મંદિરો છે, જે તેની પૌરાણિક માન્યતા માટે પ્રખ્યાત છે. આવા મંદિરોમાં દર વર્ષે લાખો ભક્તો દૂર-દૂરથી દર્શન કરવા પહોંચે છે. ગુજરાતીઓ પણ ફરવાના શોખીન હોય છે અને એમાંય જો તમે દેશના પ્રસિદ્ધ તીર્થ સ્થળની મુલાકાત લેવા માંગતા હોય, તો IRCTC તમારા માટે Dev Darshan Yatra નામે એક આકર્ષક ટૂર પેકેજ લઈને આવ્યું છે.
આ ટૂર પેકેજ અંતર્ગત ભારતીય રેલવે આગામી 28 જૂનથી સુપર લક્ઝરી ટ્રેન દોડાવશે. જેમાં બદ્રીનાથ, જોશીમઠ, રામેશ્વરમ, દ્વારકા, નાસિકના જગવિખ્યાત મંદિરોના દર્શન કરાવવામાં આવશે.
16 રાત અને 17 દિવસના આ ટૂર પેકેજની શરૂઆત 28 જૂનથી થશે. જ્યારે આ લક્ઝરી ટ્રેનમાં AC-2 અને AC-3 ક્લાસ કોચની સાથે AC-1 કૂપ અને કેબિન હશે. ટ્રેમાં ઓનબોર્ડ રેસ્ટોરન્ટ હશે. AC-1 અને AC-2 ના યાત્રાળુઓ રેસ્ટોરન્ટમાં બેસીને સવાર-સાંજ નાસ્તો, ભોજન, ચા અને કોફીનો આનંદ માણી શકશે. જ્યારે AC-3ના શિવભક્તોને તેમના બર્થ પર ભોજન, ચા, નાસ્તો વગેરે આપવામાં આવશે.
આ દેવ દર્શન લક્ઝરી ટ્રેન દિલ્હીના સફદરજંગથી ઉપડશે. આ ટ્રેનની યાત્રા જોશીમઠ, બદ્રીનાથ, ઋષિકેશ, વારાણસી, કાંચીપુરમ, રામેશ્વર, પૂણે, નાસિક, દ્વારકાધીશ કવર કરીને છેલ્લે દિલ્હીમાં સમાપ્ત થશે. 17 દિવસની યાત્રા દરમિયાન ડિકલ્ક કેટેગરીની હોટલોમાં રાત્રિ રોકાણ કરાવવામાં આવશે અને જ્યોતિર્લિંગ સહિતના મંદિરોની મુલાકાત લેવામાં આવશે.
IRCTCના આ ટૂર પેકેજનું ભાડુ અલગ-અલગ રાખવામાં આવ્યું છે. જેમાં AC-1નું ભાડુ 1,55, 740થી 1,80, 440 રુપિયા સુધી રહેશે. જ્યારે AC-2નું ભાડુ 1,44,325થી 1,67,725 સુધી રહી શકે છે. આ ઉપરાંત AC-3નું ભાડુ 83,970થી 95,520 રૂપિયા રહેશે. ખાસ વાત એ છે કે, આ ટ્રેનના દરેક કોચમાં સુરક્ષા ગાર્ડ ઉપરાંત ઈલેક્ટ્રોનિક લૉકર અને CCTV સુવિધાથી સજ્જ હશે. IRCTCનું આ ટૂર પેકેજ મુસાફરો સત્તાવાર વેબસાઈટ પર જઈને બુક કરાવી શકે છે.
