Vantara: જામનગરમાં આવેલા રિલાયન્સ ફાઉન્ડેશનનું 'વનતારા' (Vantara) હાલમાં સોશિયલ મીડિયા પર ભારે ટ્રેન્ડ કરી રહ્યું છે. ખાસ કરીને વિશ્વપ્રસિદ્ધ ફૂટબોલર લિયોનેલ મેસ્સીના વનતારાની મુલાકાતના ફોટા અને વિડીયો વાયરલ થયા બાદ લોકોમાં આ સ્થળ જોવા માટે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સાથે મેસ્સીને વન્યજીવો વચ્ચે સમય વિતાવતા જોઈને સામાન્ય નાગરિકો પણ ટિકિટના ભાવ અને ત્યાં પહોંચવાની રીત વિશે સર્ચ કરી રહ્યા છે.
શું સામાન્ય લોકો વંતારાની મુલાકાત લઈ શકે છે?
જો તમે પણ મેસ્સીના વિડીયો જોઈને વનતારા જવાનું આયોજન કરી રહ્યા હોવ, તો તમારે વિચારવાની જરૂર છે. હાલમાં, વનતારા સામાન્ય જનતા કે પ્રવાસીઓ માટે ખુલ્લું નથી. આ એક ખાનગી વન્યજીવન સંરક્ષણ અને પુનર્વસન કેન્દ્ર છે, કોઈ વ્યવસાયિક પર્યટન સ્થળ કે પ્રાણીસંગ્રહાલય નથી. અહીં માત્ર એવા લોકોને જ પ્રવેશ મળે છે જેઓ આ પ્રોજેક્ટ સાથે સીધા જોડાયેલા છે અથવા જેમને અંબાણી પરિવાર દ્વારા વિશેષ આમંત્રણ (VIP મહેમાનો) આપવામાં આવ્યું હોય.
આ પણ વાંચો
જાહેર જનતા માટે કેમ પ્રવેશ નથી?
વનતારાનો મુખ્ય ઉદ્દેશ ઘાયલ, બીમાર અને ત્યજી દેવાયેલા પ્રાણીઓની સેવા અને સંભાળ કરવાનો છે. આ એક 'રેસ્ક્યુ સેન્ટર' હોવાથી અહીં શાંતિ જાળવવી અનિવાર્ય છે.
પ્રાણીઓની સુખાકારી: ભીડ અને માનવીય ઘોંઘાટથી બચાવેલા પ્રાણીઓ તણાવમાં આવી શકે છે.
તબીબી સારવાર: અહીં પ્રાણીઓની જટીલ સર્જરી અને સારવાર ચાલતી હોય છે, જેમાં ખલેલ પહોંચી શકે છે.
સંરક્ષણ: આ કોઈ મનોરંજનનું સાધન નથી, પરંતુ સંરક્ષણ માટેનું કેન્દ્ર છે.
વનતારામાં કોણ મુલાકાત લઈ શકે છે?
વનતારા સંસ્થા સાથે સંકળાયેલા લોકોને જ મુલાકાત લેવાની મંજૂરી છે. વધુમાં, વનતારા સંસ્થા દ્વારા અધિકૃત VIP મહેમાનોને મુલાકાત લેવાની મંજૂરી છે. હાલમાં, કોઈ ટિકિટ કે પાસ ઉપલબ્ધ નથી.
ભવિષ્યની યોજના
અનંત અંબાણીએ સંકેત આપ્યો છે કે ભવિષ્યમાં આ કેન્દ્રના અમુક હિસ્સાને શૈક્ષણિક હેતુ અને જાગૃતિ લાવવા માટે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવી શકે છે. જોકે, તેની ચોક્કસ તારીખ કે વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી.
