Relationship
મિડ-એજમાં ફર્ટિલિટી વધારવા મહિલાઓ કરી શકે છે આ ઘરેલુ ઉપાય, ગર્ભાવસ્થામાં નહીં નડે મુશ્કેલી
ગર્ભાવસ્થા ખરેખર બહુ પડકારરૂપ હોય છે. જોકે એ વાત પણ સાચી છે કે, માતા-પિતા બનવું એ જીવનની સૌથી મોટી ખુશી છે. પરંતુ આજકાલના સમયમાં દંપતિને સૌથી મોટી સમસ્યા ફર્ટિલિટી બાબતે નડે છે. કેટલાક લોકો બાળકો જોઈએ છે કે નહીં એ વિચારવામાં જ બહુ સમય લઈ લે છે અને જ્યારે તેનો નિર્ણય લે છે ત્યારે તેમને ઈન્ફર્ટિલિટીની સમસ્યામાંથી પસાર થવું પડે છે. ફર્ટિલિટી ઘણાં કારણોથી પ્રભાવિત થાય છે. ઉંમર વધવાથી મહિલાઓની પ્રજનન ક્ષમતા પ્રભાવિત થાય છે, પરંતુ ઘણી મહિલાઓને મિડલ એજમાં પણ હેલ્ધી પ્રેગનેન્સી રહે છે. જોકે આ માટે લાઈફસ્ટાઈલમાં સકારાત્મક બદલાવ લાવવાની જરૂર પડે છે.
આ સત્ય છે કે, જેમ-જેમ ઉંમર વધે છે, તેમ-તેમ ગર્ભધારણમાં મુશ્કેલીઓ વધતી જાય છે. 25-30 વર્ષની યુવતીઓની તુલનામાં 30+ની યુવતીઓમાં ગર્ભધારણમાં વધારે મુશ્કેલીઓ આવે છે. લાઈફસ્ટાઈલના યોગ્ય વિકલ્પોને પસંદ કરી મહિલાઓ ફર્ટિલિટી અને સ્વસ્થ શિશુને જન્મ આપવાની શક્યતાઓને ગાઢ બનાવી શકે છે. 30 વર્ષની ઉંમર બાદ પ્રેગનેન્સી પ્લાન કરી રહેલ મહિલાઓએ ફર્ટિલિટી વધારવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેના વિશે અમે અપોલો ફર્ટિલિટીના આઈવીએફ એન્ડ ઈન્ફર્ટિલિટી વિભાગની સીનિયર કંસલ્ટન્ટ ડૉ. શિવલી સાથે વાત કરી. ડૉ. શિવલીને આ ક્ષેત્રમાં 10 વર્ષ કરતાં પણ વધુનો અનુભવ છે. આજે તેઓ અહીં જણાવી રહ્યાં મિડ એજમાં ફર્ટિલિટી વધારવાના ઉપાય.
મિડ-એજ મહિલાઓ માટે ફર્ટિલિટી વધારવાના કેટલાક ઉપયોગી નૂસખા
પૌષ્ટિક ભોજન લો
મિડ એજમાં મહિલા હોય કે પુરૂષ, ખાનપાન માટે પૌષ્ટિક આહાર લેવો ખૂબજ જરૂરી છે. ખાસ કરીને મહિલાઓ માટે વજન વધારે હોય તો, ગર્ભધારણ કરવું મુશ્કેલ બની જાય છે. આ માટે પૌષ્ટિક ભોજન લેવું, જેમાં ફળ અને શાકભાજીની માત્રા વધારે હોય અને પ્રોસેસ્ડ ફૂડ ઓછું હોય તે ખૂબજ જરૂરી છે. મહિલાઓએ પણ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, તેમનો બૉડી ઈન્ડેક્સ 30 કરતાં વધારે ન હોય, કારણકે આમ કરવાથી ગર્ભધારણમાં મુશ્કેલી આવી શકે છે અને તેનાથી ભ્રૂણના સ્વાસ્થ્ય ઓઅર પણ પ્રતિકૂળ અસર પડે છે. આ માટે જ વજન એટલું જ યોગ્ય છે, જે તમારા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ યોગ્ય હોય.
આલ્કોહોલનું સેવન બંધ કરવું
મિડલ એજમાં પહોંચતાં જ આલ્કોહોલનું સેવન બંધ કરવું જોઈએ, અથવા ઓછું કરવું જોઈએ. જો કોઈ ગર્ભધારણા કરવા ઈચ્છતું હોય તો, સામાન્ય રીતે દારૂને સંપૂર્ણ રીતે બંધ કરવાની સલાહ આપવામાં આવે છે. વધારે દારૂના સેવનથી પુરૂષોમાં શુક્રાણુઓની ગતિશીલતા પર પણ અસર પડે છે અને આમ થવાથી મહિલાઓના ગર્ભધારણની મુશ્કેલીઓ વધવા લાગે છે. જો તમે પ્રેગનેન્સીનું વિચારી રહ્યા હોવ તો મિડલ-એજમાં પહોંચો ત્યારે દારૂનું સેવન એકદમ ઓછું કરી દેવું જોઈએ.
ધુમ્રપાન ન કરવું
આમ તો દરેક વ્યક્તિને ધુમ્રપાન ન કરવાની સલાહ આપવામાં આવે છે. તાજેતરનાં કેટલાંક રિસર્ચમાં એ સંકેત મળ્યા છે કે, તમાકુના સેવનથી જન્મ દર પર અસર થાય છે. ખાસ કરીને એ વાતનું ધ્યાન રાખવું ખૂબજ જરૂરી છે કે, જે મહિલાઓ ધુમ્રપાન કરે છે, તેમને ધુમ્રપાન ન કરતી મહિલાઓની સરખામણીમાં બે વર્ષ વહેલો મેનોપોઝ આવે છે. આગળ જતાં તેનાથી ગર્ભધારણની શક્યતાઓ પણ પ્રભાવિત થાય છે. એટલે જો તમે ગર્ભધારણનું વિચારી રહ્યા હોવ તો, શક્ય એટલું જલદી ધુમ્રપાન બંધ કરવું જોઈએ.
બહુ વધારે કસરત ન કરવી
મિડ-એજમાં ગર્ભવતી બનવા ઈચ્છતી મહિલાઓએ વધારે કસરત ન કરવી જોઈએ. વધારે પડતી કસરત કરવાથી ગર્ભધારણમાં બાધા આવે છે, કારણકે તેના કારણે ઘણીવાર ડિંબસ્ત્રાવ નથી થતો અથવા ઈંપ્લાન્ટેશનમાં બાધા આવે છે. જોકે બિલકુલ કસરત ન કરવાથી પણ ઈન્ફર્ટિલિટી વધે છે. એટલે જ તમારે તમારા ડૉક્ટરની સલાહ અનુસાર જ વર્કઆઉટનું રૂટીન બનાવવું જોઈએ અને એક સંતુલિત વ્યાયામ શૈલી અપનાવવી જોઈએ.
કેફિનનું સેવન ઘટાડો
શું તમને એવી આદત છે કે, સવારે ઊઠીને તમને સૌથી પહેલાં ચા-કૉફી જ જોઈએ છે? જો હા, તો તમારે આ આદત પર ફરીથી વિચાર કરવો જોઈએ, નહીંતર આગળ જતાં ફેમિલી પ્લાનિંગ પર અસર થઈ શકે છે. એવું જોવા મળે છે કે, વધારે માત્રામાં ચા-કૉફીના સેવનથી ફર્ટિલિટીમાં બાધા ઉત્પન્ન થઈ શકે છે. એટલે તેનું સેવન શક્ય એટલું ઓછું જ કરવું જોઈએ. તેની જગ્યાએ દૂધ પીવું જોઈએ, જેનાથી ભ્રૂણ માટે ચમત્કારિક ફાયદા મળે છે.
આરામ કરો
ગર્ભધારણમાં સફળતા ન મળતી હોય તો તણાવ થાય એ સ્વાભાવિક છે. સામાન્ય રીતે મોટી ઉંમરે ગર્ભધારણ અંગે વિચારતા હોવ તો, તમારો તણાવ વધી શકે છે. જેમ-જેમ તણાવ વધે છે, તેમ-તેમ ગર્ભધારણની શક્યતા ઘટતી જાય છે. આવું હોર્મોનલ કારણોથી થાય છે અને તણાવ વધે છે. આ માટે સેલ્ફ કેર એક્ટિવિટી પર ધ્યાન આપો, જેમ કે, યોગ અને મેડિટેશન કરો, જેથી તમે આરામદાયક અનુભવી શકો.
જો તમે ઉંમરના યોગ્ય પડાવ બાદ ગર્ભધારણ અંગે વિચારી રહ્યા હોવ તો તમારે કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે. તમે જેટલું ગર્ભધારણ અંગે વિચારો એટલું જ તે જટિલ બનતું જાય છે. પરંતુ હેલ્ધી લાઈફસ્ટાઇલ તમારું કામ સરળ બનાવી શકે છે. આ માટે પૌષ્ટિક આહાર લો, શરાબ અને ધુમ્રપાન છોડી દો, હળવી કસરત કરો, કેફિનનું સેવન ઘટાડી દો અને સેલ્ફ કેર માટે કઈંક ને કઈંક ચોક્કસથી કરો. મિડ એજમાં મહિલાઓએ તેમના રૂટિનમાં આ આદતોનો સમાવેશ ચોક્કસથી કરવો જોઈએ, જેથી ફર્ટિલિટી વધે છે અને સ્વસ્થ શિશુને જન્મ આપવાની શક્યતાઓ વધે છે.
DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે, compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.