parenting tips: જમવાનો સ્વાદ વધારવા માટે મીઠું અને ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આ બંનેનું જો અતિશય સેવન કરવામાં આવે, તો તેના કારણે પુખ્ત વયના લોકો અને બાળકોને સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ પુખ્ત વયના લોકોએ મીઠાનું સેવન દરરોજ ¾ અને એક ચમચી સુધી મર્યાદિત કરવું જોઈએ. ખાંડનું સેવન એક દિવસમાં 6 ચમચી સુધી મર્યાદિત હોવું જોઈએ. બાળકોને મીઠું અને ખાંડ વધારે ન આપવી જોઈએ. કારણ કે તેનું વધુ પડતું સેવન હાનિકારક હોય છે અને તેનાથી કિડનીની કાર્યક્ષમતામાં ઘટાડો, દાંતમાં સડો, રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે.
ઉંમર પ્રમાણે કેટલું મીઠું ખાવું જોઈએ?
નેશનલ હેલ્થ સર્વિસ મુજબ 1થી 3 વર્ષ સુધીના બાળકોએ એક દિવસમાં 2 ગ્રામથી વધુ મીઠુ ન ખાવું જોઈએ. 4થી 6 વર્ષ સુધીના બાળકોએ એક દિવસમાં 3 ગ્રામથી વધુ મીઠું ન ખાવું જોઈએ અને 7થી 10 વર્ષ સુધીનાં બાળકોએ એક દિવસમાં 5 ગ્રામથી વધુ મીઠું ન ખાવું જોઈએ. 11 વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકોએ દિવસમાં 6 ગ્રામથી વધુ મીઠું ન ખાવું જોઈએ.1 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને એક દિવસમાં 1 ગ્રામથી ઓછું મીઠું આપવું જોઈએ.
ખાંડ કેટલી ખાવી જોઈએ?
એક રિપોર્ટ અનુસાર બાળકો માટે દૂધ અને ફળોમાં રહેલ નેચરલ શુગર કોઈ સમસ્યા ઉભી નથી કરતી. આ ઉપરાંત તમારે તેમના આહારમાં વધારાની ખાંડ ઉમેરવાની જરૂર નથી. પુખ્ત વયના લોકો માટે દરરોજ 6 થી 12 ચમચી ખાંડ, 3 થી 4 વર્ષના બાળકો માટે 2 થી 8 ચમચી બરાબર રહે છે.
વધારે મીઠું અને ખાંડ આપવાથી શું થઈ શકે છે?
વધારે મીઠું આપવાથી બાળકની કિડનીને તેની પ્રક્રિયા કરવામાં મુશ્કેલી થઈ શકે છે. જેના કારણે આગળ બાળકને કિડની સંબંધિત બિમારીઓ ઘેરી શકે છે. મીઠાનું વધારે સેવન કરવાથી શરીર પેશાબમાં વધુ કેલ્શિયમનું ઉત્સર્જન કરી શકે છે. આ કેલ્શિયમ કિડનીમાં પથરી બનાવી શકે છે.
ડાયાબિટીસનું પણ જોખમ વધારે
આ ઉપરાંત બાળકોના આહારમાં નાની ઉંમરથી જ વધુ ખાંડનો ઉપયોગ કરવાથી તેમનામાં ડાયાબિટીસનું જોખમ પણ વધી શકે છે. એટલા માટે વધુ સારું રહેશે કે તમે બાળકને આહારમાં નાની ઉંમરથી જ મીઠું અને ખાંડ ઓછી આપો.