નાના બાળકના વિકાસમાં આયર્ન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કારણ કે તે શરીરના ઘણા ભાગોને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે. બાળકો જેમ જેમ મોટા થતા જાય છે તેમ તેમ તેમની પોષણની જરૂરિયાત પણ વધતી જાય છે. શરીરની અંદર હિમોગ્લોબિનમાં આયર્ન જોવા મળે છે અને જો બાળકને પૂરતું આયર્ન ન મળે તો બાળકને એનિમિયાની બીમારી થઈ શકે છે. તમે તમારા 6 મહિનાથી વધુ ઉંમરના બાળકને ખોરાક દ્વારા પૂરતા પ્રમાણમાં આયર્ન આપી શકો છો. કેટલાક ફળોમાં ભરપૂર માત્રામાં આર્યન હોય છે. જેમ કે આમળા. આમળાનો જ્યુસ લોહીની ઉણપને દૂર કરવા માટે બાળકોને પિવડાવી શકાય છે. જાણો તેના ફાયદા અને બાળકોના સ્વાસ્થ્ય પર અસર.
આયર્નની ઉણપ માટે આમળાનો જ્યુસ
આમળામાં વિટામિન C અને આયર્ન જેવા અનેક પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. ખાસ કરીને એનિમિયા થવા પર વ્યક્તિને આમળા ખાવાની સલાહ આપવામાં આવે છે. આમળાના જ્યુસ વિશે વાત કરીએ તો તે બાળકોને તેને દિવસમાં એકવાર મર્યાદિત માત્રામાં આપી શકાય છે.
શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ થશે મજબૂત
આમળા બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદરૂપ છે. તેમાં ઘણા એન્ટીઑકિસડન્ટ અને વિટામિન C જોવા મળે છે, જેને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઓળખવામાં આવે છે. આમળાના જ્યુસનો સ્વાદ વધારવા માટે તમે તેમાં થોડો ગોળ અને કાળું મીઠું નાખી શકો છો. આ સિવાય આમળાનો જામ પણ બાળકોને ખવડાવી શકાય છે.
આ જ્યુસ પણ છે સારા
- બાળકોમાં આયર્નની ઉણપને દૂર કરવા માટે આમળા સિવાય પણ ઘણા ફળો અને શાકભાજી છે જેના જ્યુસ પિવડાવી શકાય છે.
- પાલક અને અનાનસને સાથે ભેળવીને બનાવેલ જ્યુસ પણ શરીરમાં આયર્નની ઉણપને દૂર કરી શકે છે.
- બીટમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. માત્ર બીટનો જ્યુસ પણ બાળકને આપી શકાય છે અને બીટમાં નારંગી ભેળવીને આ બંનેને મિક્સ કરીને સાથે પીવાથી શરીરને આયર્નની સાથે વિટામિન C પણ ભરપૂર માત્રામાં મળે છે.
- સફરજનમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે અને તેમાં ઘણા અનુકૂળ તત્વો પણ જોવા મળે છે. બીટમાં ફોલિક એસિડની સાથે પોટેશિયમ અને ફાઈબર પણ વધુ માત્રામાં હોય છે. સફરજન અને બીટ મિક્સ કરીને જ્યુસ બનાવો અને બાળકને આપો. તમે તેમાં મધ પણ ઉમેરી શકો છો.
- દાડમ એક સુપર ફ્રુટ છે અને તેના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. દાડમમાં ફાઈબર, કાર્બોહાઈડ્રેટ્સ, ચરબી, પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. તેમાં કેલ્શિયમ અને આયર્ન પણ હોય છે. તે હિમોગ્લોબીનની માત્રામાં વધારો કરે છે અને રક્ત પરિભ્રમણને યોગ્ય રાખે છે. બાળકને ખાલી પેટે દાડમનો જ્યુસ આપો.
નોંધ- આ લેખ તમારી સામાન્ય જાણકારી માટે શેર કરવામાં આવ્યો છે. બાળકને કોઈપણ વસ્તુ આપતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લો.