Parenting
શું તમારું બાળક આખી રાત સૂવા નથી દેતું? આ રીતે પૂરી કરો ઊંઘ
જો તમે તાજેતરમાં જ માતા બન્યાં હશો તો, પૂરતી અને સારી ઊંઘનું મહત્વ તો તમે સૌ જાણતા જ હશો. ડિલીવરી બાદ મહિલાઓના જીવનમાં ઘણા બદલાવ આવે છે. પરંતુ બાળકના જન્મ બાદ જે વસ્તુમાં સૌથી મોટો બદલાવ આવે છે, તે છે માતાની ઊંઘ. મોટાભાગની મહિલાઓની ડિલીવરી બાદ ઊંઘ પૂરી થઈ શકતી જ નથી. એક રિસર્ચ અનુસાર, લગભગ 60 ટકા મહિલાઓને ગર્ભાવસ્થાના 32 મા અઠવાડિયામાં અને ડિલીવરી બાદ 8 અઠવાડિયાં સુધી અનિંદ્રાની સમસ્યા રહે છે. આખો દિવસ શિશુની દેખભાળ અને રાત્રે ઊઠી-ઊઠીને બાળકને દૂધ પીવડાવવું, ડાયપર બદલવાં વગેરેના કારણે મહિલાઓની ઊંઘ પૂરી થઈ શકતી નથી. ડિલીવરી બાદ પૂરતી ઊંઘ ન મળી શકવાના કારણે પણ પોસ્ટપાર્ટમ ડિપ્રેશન પણ થઈ શકે છે. એક સંશોધન અનુસાર, લગભગ 95% ભારતીય મહિલાઓને ડિલીવરી બાદ તેમની ઊંઘ સાથે સમાધાન કરવું પડે છે. ઊંઘ પૂરી ન થવાના કારણે મહિલાઓમાં નબળાઈ, સુસ્તી અને કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. આ સિવાય ઊંઘ પૂરી ન થવાના કારણે માનસિક સ્વાસ્થ્ય પર પણ તેની અસર થાય છે. આ સમસ્યાઓથી બચવા માટે નવી બનેલ માતાઓ પૂરતી ઊંઘ લે એ ખૂબજ જરૂરી છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ કેટલીક કારગર ટિપ્સ, જેની મદદથી નવી બનેલ માતાઓ તેમની ઊંઘ પૂરી કરી સકશે.
ડેલી રૂટીન બનાવો
જો તમે ડિલીવરી બાદ ઊંઘ પૂરી કરી શકતા ન હોવ તો તેની અસર તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર પડે છે. ઊંઘ પૂરી કરવા માટે સૌથી પહેલાં તો એક ડેલી રૂટિન બનાવો અને તેને ફોલો કરો. જો તમે આ રૂટિન ફોલો કરશો તો તમે આખા દિવસનાં કામ સરળતાથી પૂરાં કરી સકશો. તેનાથી તમને ઊંઘ પૂરી કરવા માટે પૂરતો સમય પણ મળી રહેશે.
વચ્ચે-વચ્ચે નાની-નાની ઝબકી લેવી
એક વયસ્કએ દિવસમાં 6 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ. મોટાભાગની નવી બનેલ માતાઓની ઊંઘ પૂરી થઈ શકતી નથી. એટલે તેમને દિવસ દરમિયાન જ્યારે પણ સમય મળે ત્યારે ઝબકી લઈ લેવી જોઈએ. જ્યારે પણ બાળક સૂવે ત્યારે દિવસનાં કામોમાં વ્યસ્ત થઈ જવાની જગ્યાએ આરામ કરવો જોઈએ. આ સમયે ઓરડાની લાઈટ બંધ કરી સૂવાનો પ્રયતન કરવો. જો તમારી પાસે મોબાઈલ હશે તો તેનાથી તમારી ઊંઘમાં વિક્ષેપ પડી શકે છે, એટલે ફોનને પાસે ન રાખવો જોઈએ.
નવશેકા પાણીથી સ્નાન કરો
રાત્રે સમયસર સૂવા માટે બેડ પર જતા રહેવું જોઈએ, જેથી ઊંઘ પૂરી થઈ શકે. જો તમને રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા હોય તો, સૂતાં પહેલાં નવશેકા પાણીથી સ્નાન કરવું જોઈએ. આ સિવાય તમે હર્બલ ચા પી શકો છો અથવા હળવું સંગીત સાંભળી શકો છો. તેનાથી તમારું મગજ શાંત રહેશે અને ઊંઘ સારી આવશે.
ખાનપાનની આદતો બદલો
જો તમે રાત્રે સરખી રીતે સૂઈ શકતા ન હોવ તો, તમારે તમારી ખાનપાનની આદતો બદલવી જોઈએ અને જીવનશૈલીમાં પણ બદલાવ કરવો જોઈએ. ડિલીવરી બાદ મહિલાઓનું શરીર બહુ નબળુ પડી જાય છે. એટલે નિયમિત પૌષ્ટિક આહાર લેવો અને પૂરતી માત્રામાં પાણી પીવું જોઈએ. શરીરમાં પાણીની ઉણપના કારણે શરીરમાં સુસ્તી અને નબળાઈ અનુભવાઈ શકે છે. આ સિવાય સૂતાં પહેલાં કેફીન પદાર્થનું કે પચવામાં ભારે ખોરાકનું સેવન કરવું ન જોઈએ, તેની સીધી અસર તમારી ઊંઘ પર પડે છે.
આરામ કરો
બાળકને જન્મ આપ્યા બાદ તમે 8 કલાકની ઊંઘ લઈ શકતા ન હોવ તો પણ શરીરને અન્ય રીતે આરામ આપો. ડિલીવરી બાદ વધારે લાંબા સમય સુધી ઊભા ન રહેવું અને જ્યારે પણ સમય મળે ત્યારે આરામ કરી લો. તેનાથી તમારા શરીરમાં થોડી એનર્જી રહેશે અને ઊંઘ પૂરી થઈ નહીં હોય તો પણ થાક નહીં અનુભવાય.
જો તમે પણ તાજેતરમાં જ બાળકને જન્મ આપ્યો હોય અને ઊંઘ પૂરી થઈ શકતી ન હોય તો આ ટિપ્સ તમને મદદરૂપ થઈ શકે છે. આ ટિપ્સની મદદથી તમે ડિલીવરી બાદ પણ ભરપૂર ઊંઘ લઈ શકો છો.
DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે, compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.