વર્તમાન સમયમાં શિક્ષણનું મહત્વ ખૂબ જ વધી ગયું છે. આ સાથે જ હવે સ્કૂલોમાં એક્ઝામથી લઇને બીજા અનેક પ્રકારના પ્રોજેક્ટ્સ વિદ્યાર્થીઓને બનાવવા માટે આપવામાં આવતા હોય છે. જોકે, આજકાલ બાળકોનું મુલ્યાંકન પણ પરીક્ષામાં કેટલા ટકા આવ્યા એ પરથી થતું હોય છે, એવું કહીએ તો પણ એમાં કંઇ ખોટુ નથી. પરીક્ષા પૂરી થાય પછી રિઝલ્ટ આવે ત્યારે પાડોશીઓ પણ પૂછી લેતા હોય છે કે કેટલા ટકા આવ્યા. પરંતુ જીવનમાં એક ટકા જ મહત્વના નથી હોતા. આ માટે બીજુ ઘણું જીવનમાં મહત્વનું હોય છે. જો બાળકો સારા માર્ક્સ મેળવી શકતા નથી અથવા પરીક્ષામાં નાપાસ થાય છે, ત્યારે માતાપિતા બાળકો પર ગુસ્સે થઈ જાય છે, પરંતુ જો બાળક પરીક્ષામાં નાપાસ થયા હોય અથવા તો માર્ક્સ ઓછા આવ્યા હોય, તો માતા-પિતા તેને આ રીતે પ્રોત્સાહિત કરી શકે છે. ચાલો જાણીએ આ વિશે વિગતવાર…
ખુલીને કરો બાળક સાથે વાત
શરમ અનુભવવાને કારણે બાળકો તેમના માતા-પિતા સાથે ખુલીને વાત નથી કરી શકતા અને કોઈપણ પ્રકારની વાત કરવાથી ખચકાટ અનુભવે છે. પરંતુ એ જરૂરી છે કે માતા-પિતાએ બાળકોનો ખુલીને સાથ આપવો જોઈએ. બાળકને પ્રોત્સાહિત કરો અને તેમની ભૂલોમાંથી શીખ લો.
ડિપ્રેશનથી બચાવો
બાળકને તમે સાથ આપો અને તેને કોઈપણ પ્રકારના ડિપ્રેશનથી બચાવો. દરેક બાળક પોતાના માતા-પિતાને ખુશ જોવા માંગે છે આવી સ્થિતિમાં જ્યારે તેઓ પેપરમાં નાપાસ થઈ જાય અથવા ઓછા માર્ક્સ આવે છે, ત્યારે તેને ખૂબ ખરાબ લાગે છે, જેના કારણે તેઓ ડિપ્રેશનમાં આવી શકે છે. આવી સ્થિતિમાં સજા આપવાના બદલે બાળકોનો સાથ આપો.
સપોર્ટ કરો
બાળકો અને કિશોરોની સાથે આ સમસ્યા થાય છે કે તેઓ તેમના મુશ્કેલ સમયમાં માતા-પિતા પાસેથી કોઈપણ પ્રકારની મદદ નથી માંગતા. આવી સ્થિતિમાં તમે તેને સામેથી કહો કે જરાય ટેન્શન ન લેતો.
વધારે અપેક્ષા ન રાખો
ઘણી વખત માતા-પિતા બાળકો પાસેથી ઘણી જ અપેક્ષાઓ રાખે છે જેના કારણે પણ બાળકો દબાણમાં આવવા લાગે છે. જેના કારણે તેમનું પ્રદર્શન પણ બગડવા લાગે છે. જો તમારું બાળક પરીક્ષામાં નાપાસ થયું છે તો તેની સાથે બેસીને ગોલ નક્કી કરો અને બાળકના ગોલને પૂર્ણ કરવામાં તેની મદદ કરો. જેથી તે આગામી પેપરમાં નાપાસ ન થાય. તમારા બાળકની સરખામણી બીજા છોકરા સાથે ક્યારેય ન કરતા. આનાથી પણ તેમનો આત્મવિશ્વાસ ડગમગી શકે છે.