સાવધાન! જમતી વખતે મોબાઈલમાં રીલ્સ જોવાની આદત પડી શકે છે ભારે, ચોંકાવનારો ખુલાસો

ભોજન દરમિયાન સ્ક્રીન ટાઈમ વધવાને કારણે માત્ર મેદસ્વીતા જ નહીં, પરંતુ ટાઈપ-2 ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને કિડની સંબંધિત સમસ્યાઓનું જોખમ પણ વધી જાય છે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Tue 30 Dec 2025 03:51 PM (IST)Updated: Tue 30 Dec 2025 03:51 PM (IST)
watching-reels-while-eating-increase-your-risk-of-complication-664743

Reels Scrollimg While Eathing: આજના સમયમાં મોબાઈલ માનવ જીવનનો એક અભિન્ન ભાગ બની ગયો છે અને આપણે ભાગ્યે જ કોઈ કામ મોબાઈલ વગર કરીએ છીએ. ખાસ કરીને યુવા વર્ગ એકલા જમતી વખતે અથવા અન્ય કોઈ કામ કરતી વખતે મોબાઈલ પર રીલ્સ જોવાનું પસંદ કરે છે, જે હવે એક સામાન્ય આદત બની ગઈ છે. જોકે સામાન્ય લાગતી આ આદત સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.

બેઇજિંગ યુનિવર્સિટીનું નવું સંશોધન
હેલ્થલાઇનના અહેવાલ મુજબ બેઇજિંગ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા એક સંશોધનમાં સામે આવ્યું છે કે જમતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી કે ટીવી જોવાથી શરીર પર નકારાત્મક અસરો પડે છે. આ સંશોધન મુજબ આવી આદત ધરાવતા લોકોમાં પેટની ચરબી ખૂબ જ ઝડપથી વધી શકે છે, જે ડાયાબિટીસ અને હાઈપરટેન્શન જેવી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.

મગજ અને ભૂખના હોર્મોન્સ પર અસર
જ્યારે આપણે જમતી વખતે મોબાઈલ કે ટીવી જોઈએ છીએ, ત્યારે આપણું ધ્યાન ખોરાક પર હોતું નથી અને મગજને ખોરાકનો સંતોષ મળતો નથી. આ કારણોસર પેટ ભરાઈ ગયું હોવાનો સંકેત આપતા હોર્મોન્સ શરીરમાં યોગ્ય રીતે રીલીઝ થઈ શકતા નથી. પરિણામે વ્યક્તિને ભૂખ સંતોષાયાનો અનુભવ થતો નથી અને તે જરૂરિયાત કરતાં વધુ ખોરાક લેવા લાગે છે.

સ્વાદ અને ખોરાકની પસંદગીમાં ફેરફાર
જમતી વખતે ધ્યાન ભટકવાને કારણે ખોરાકની સુગંધ અને સ્વાદ પ્રત્યેની જાગૃતિ ઓછી થઈ જાય છે, જેનાથી ભોજનનો આનંદ ઘટતો જાય છે. આના કારણે લોકો ધીમે-ધીમે પ્રોસેસ્ડ અને બહારના ખોરાક તરફ વધુ આકર્ષાય છે. લાંબા ગાળે આ સ્થિતિ વ્યક્તિના મેટાબોલિઝમ (ચયાપચય) પર પ્રતિકૂળ અસર કરે છે, જે મેદસ્વીતાનું જોખમ વધારે છે.

ભોજન દરમિયાન સ્ક્રીન ટાઈમ વધવાને કારણે માત્ર મેદસ્વીતા જ નહીં, પરંતુ ટાઈપ-2 ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને કિડની સંબંધિત સમસ્યાઓનું જોખમ પણ વધી જાય છે. ખોરાક પર ધ્યાન ન હોવાને કારણે લોકો કાં તો ખૂબ ઝડપથી ખાય છે અથવા ખૂબ ધીમેથી જે એકંદરે જીવનશૈલી અને સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.