Diabetes Treatment Research: સ્વિટ્ઝર્લેન્ડની ઝ્યુરિચ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ Type-2 ડાયાબિટીસની સારવાર માટે USB સ્ટિક જેવું એક અનોખું વાયરલેસ ઈમ્પ્લાન્ટ વિકસાવ્યું છે. 'Eco' નામનું ઉપકરણ ત્વચા નીચે મૂકવામાં આવે છે અને વીજળીની મદદથી લોહીમાં રહેલા વધારાના ગ્લુકોઝને રાસાયણિક પ્રક્રિયા દ્વારા ગ્લુકોનેટમાં ફેરવી નાખે છે.
પ્રોફેસર માર્ટિન ફુસૈનેગરની આગેવાની હેઠળ થયેલ આ સંશોધન 'સાયન્સ' જર્નલમાં પ્રકાશિત થયું છે. હાલની દવાઓ શરીરને ગ્લુકોઝ કાબૂમાં રાખવા દબાણ કરે છે, જ્યારે આ ઉપકરણ કોઈ દવા વગર સીધો ગ્લુકોઝ દૂર કરી શકે છે. શુગરનું વધુ પ્રમાણ અને સ્થૂળતા ધરાવતા ઉંદરો પર 6 અઠવાડિયા સુધી આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, પરંતુ હજુ માણસો પર તેનું પરીક્ષણ કરવાનું બાકી છે.
કેવી રીતે કામ કરશે વાયરલેસ ઈમ્પ્લાન્ટ?
આ અનોખું ઈમ્પ્લાન્ટ એક ચિપ જેવું છે, જેમાં ગ્રેફાઈટ, સોનું અને પ્લેટિનમના સૂક્ષ્મ કણો ઉત્પ્રેરક તરીકે કામ કરે છે. આ સિસ્ટમ સ્માર્ટફોન અને ગ્લુકોઝ મીટર સાથે સહેલાઈથી કામ કરી શકે છે. દર્દીના હાથ પર પહેરેલું ગ્લુકોઝ સેન્સર શુગરના સ્તર પર સતત નજર રાખે છે. ભોજન પછી જ્યારે સુગર વધે છે, ત્યારે સેન્સર સ્માર્ટફોન કે સ્માર્ટ વોચને સંકેત આપે છે. ત્યારબાદ ફોન ઓછી તીવ્રતાની રેડિયો ફ્રિક્વન્સી ઊર્જા મોકલે છે, જેને ઈમ્પ્લાન્ટ સ્થિર ઈલેક્ટ્રિસિટીમાં ફેરવીને પ્રક્રિયા શરૂ કરે છે. શુગર યોગ્ય સ્તરે પહોંચતા જ આ સિસ્ટમ આપમેળે બંધ થઈ જાય છે.
હાલમાં ડાયાબિટીસના દર્દીઓ ઈન્સ્યુલિન દવાનો ઉપયોગ કરે છે, પરંતુ તેની વિવિધ આડઅસરો છે અને ઘણીવાર નિશ્ચિત માત્રામાં દવા લેવી પડે છે. જ્યારે શરીરમાં શુગરનું સ્તર મૂડ, ઊંઘ અને ભોજન મુજબ સતત બદલાતું રહે છે. આ નવું ઈમ્પ્લાન્ટ ઈન્સ્યુલિનથી સાવ અલગ રીતે કામ કરીને દર્દીઓ માટે એક આશાસ્પદ વિકલ્પ બની શકે છે.
