Vitamin D Deficiency in Summer: છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન ઝડપથી વધી રહ્યું છે. ગરમીથી બચવા માટે મોટાભાગના લોકો ACથી ઘેરાયેલા ઘરની અંદર, ઓફિસમાં કે કારમાં સમય વિતાવવાનું વધુ પસંદ કરે છે. આ ઉપરાંત, આજકાલ લોકો સવારે વહેલા ઊઠીને તડકામાં બેસવાને બદલે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવામાં કે ઘરના કામકાજમાં વ્યસ્ત રહે છે.
પરંતુ શું તમે જાણો છો કે ઉનાળાના મહિનાઓમાં સૂર્યપ્રકાશને સંપૂર્ણપણે ટાળવો તમારા સ્વાસ્થ્ય માટે ભારે પડી શકે છે? આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સૂર્યપ્રકાશથી લાંબા સમય સુધી દૂર રહેવાથી શરીરમાં વિટામિન ડીની ભારે ઉણપ સર્જાય છે, જે હાડકાંને નબળા અને પોચા બનાવી દે છે.
વિટામિન ડી અને હાડકાંનો સંબંધ
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ (NIH) ના રિપોર્ટ અનુસાર, જ્યારે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ-બી કિરણો આપણી ત્વચા પર પડે છે, ત્યારે શરીર જાતે જ વિટામિન ડીનું ઉત્પાદન શરૂ કરે છે. વિટામિન ડી શરીરને ખોરાકમાંથી કેલ્શિયમ અને ફોસ્ફરસ શોષવામાં મદદ કરે છે; જો શરીરમાં વિટામિન ડી ઓછું હોય, તો કેલ્શિયમ યોગ્ય રીતે શોષાતું નથી. પરિણામે હાડકાં અને દાંત ધીમે-ધીમે નબળા પડવા લાગે છે.
ઉણપથી થતા મુખ્ય રોગો અને જોખમો
NCBI ના અહેવાલો અનુસાર, વિટામિન ડીની લાંબા ગાળાની ઉણપથી નીચે મુજબની ગંભીર સમસ્યાઓ થઈ શકે છે; શરીરમાં વિટામિન ડી ઘટવાથી હાડકાં અને સાંધામાં અસહ્ય દુખાવો તેમજ નબળાઈ શરૂ થાય છે. તેમજ વધતી ઉંમર સાથે આ સમસ્યા વધુ વકરે છે. ખાસ કરીને વૃદ્ધો અને મહિલાઓમાં ઓસ્ટીયોપોરોસિસનું જોખમ વધી જાય છે અને સ્નાયુઓ કમજોર થવાને કારણે શરીરમાં અસંતુલન પેદા થાય છે, જેનાથી અચાનક પડી જવાની કે ઈજા થવાની શક્યતા વધી જાય છે.
તડકામાં બેસવાનો સાચો સમય અને મર્યાદા
હાડકાની મજબૂતી જાળવી રાખવા માટે સૂર્યપ્રકાશ ખૂબ જ જરૂરી છે. અભ્યાસો સૂચવે છે કે વિટામિન D3 ના યોગ્ય સંશ્લેષણ માટે સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો કે, દિવસ દરમિયાન તીવ્ર UV કિરણો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે, તેથી તડકામાં બેસવાનો સમય માત્ર 15 થી 20 મિનિટ સુધી જ મર્યાદિત રાખવો જોઈએ. તમે સવારના કે સાંજના હળવા તડકાનો લાભ પણ લઈ શકો છો.
બચાવ અને ઉપાયો
જો તમને સતત થાક કે હાડકાનો દુખાવો રહેતો હોય, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરી વિટામિન ડી નો ટેસ્ટ કરાવો. આ ઉણપને પૂરી કરવા માટે નીચેના પગલાં ભરો:
ઇંડાની જરદી, મશરૂમ, ચરબીયુક્ત માછલી અને ડેરી ઉત્પાદનો દૂધ, દહીં, પનીર જેવા વિટામિન ડી યુક્ત ખોરાકનું સેવન કરો.
જો વિટામિન ડી નું સ્તર ખૂબ જ ઓછું હોય, તો ડૉક્ટરની સલાહ મુજબ વિટામિન ડી ના સપ્લીમેન્ટ્સ અથવા દવાઓ લો.
ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને નાના બાળકોએ સવાર-સાંજ ચાલવાની આદત પાડવી જોઈએ જેથી શરીરને કુદરતી પ્રકાશ મળી રહે.
