Low BP Symptoms: લો બ્લડ પ્રેશરને કેવી રીતે ઓળખવું? જાણો તેના 7 ચેતવણીરૂપ લક્ષણો

હાઈ બ્લડ પ્રેશરની જેમ, લો બ્લડ પ્રેશર પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તો, બ્લડ પ્રેશર ઘટવા પર દેખાતા લક્ષણો વિશે જાણો.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Wed, 21 Jan 2026 07:51 AM (IST)Updated: Wed, 21 Jan 2026 07:51 AM (IST)
low-blood-pressure-symptoms-signs-causes-when-to-seek-help

Low Blood Pressure Symptoms: હાઈ બ્લડ પ્રેશરની જેમ જ લો બ્લડ પ્રેશર પણ સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. જ્યારે ધમનીઓમાં લોહીના પ્રવાહનું દબાણ સામાન્ય કરતા ઓછું થઈ જાય, ત્યારે તેને લો બ્લડ પ્રેશર અથવા 'હાઇપોટેન્શન' કહેવામાં આવે છે. સામાન્ય રીતે જો બ્લડ પ્રેશરનું માપ 90/60 mm Hg થી ઓછું હોય, તો તેને લો બ્લડ પ્રેશર ગણવામાં આવે છે.

લો બ્લડ પ્રેશરના મુખ્ય 7 લક્ષણો

ઘણીવાર લોકો આ લક્ષણોને સામાન્ય થાક સમજીને અવગણતા હોય છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે:

ઝાંખી દ્રષ્ટિ: જો આંખે અચાનક અંધારા આવતા હોય કે ધૂંધળું દેખાવા લાગે.

ચક્કર અને બેહોશી: અચાનક માથું ભારે લાગવું, ચક્કર આવવા અથવા વ્યક્તિ અચાનક બેહોશ થઈ જવી.

એકાગ્રતાનો અભાવ: કોઈપણ કામમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડવી અને માનસિક મૂંઝવણ અનુભવવી.

શારીરિક ફેરફાર: ત્વચા ઠંડી પડી જવી, શરીર નિસ્તેજ અથવા પીળું દેખાવું.

નબળી નાડી: હૃદયના ધબકારા અનિયમિત થવા અથવા નાડી ખૂબ જ ધીમી અને નબળી પડી જવી.

પેટમાં દુખાવો અને ઉબકા: પાચન સંબંધિત અગવડતા અને સતત નબળાઈ લાગવી.

શ્વાસ લેવામાં તકલીફ: ગંભીર કિસ્સાઓમાં ઝડપી અને ટૂંકા શ્વાસ લેવા પડતા હોય છે.

લો બ્લડ પ્રેશર થવા પાછળના કારણો

શરીરમાં લો બ્લડ પ્રેશર માટે અનેક પરિબળો જવાબદાર હોઈ શકે છે:

ગર્ભાવસ્થા: સગર્ભા સ્ત્રીઓમાં રુધિરાભિસરણ તંત્રના વિસ્તરણને કારણે બ્લડ પ્રેશર ઘટી શકે છે.

હૃદયની બીમારીઓ: હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યોર કે વાલ્વની સમસ્યા લોહીના પંપીંગને અસર કરે છે.

ડિહાઇડ્રેશન: શરીરમાં પાણીની ઉણપ, તાવ, ઉલટી કે ઝાડાને કારણે બ્લડ પ્રેશર ઘટી જાય છે.

પોષણની ઉણપ: વિટામિન B12, ફોલેટ અને આયર્નની ઉણપથી એનિમિયા થાય છે, જે લો બ્લડ પ્રેશર નોંતરે છે.

હોર્મોનલ સમસ્યાઓ: લો બ્લડ સુગર (હાઈપોગ્લાયકેમિઆ) અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની સમસ્યાઓ પણ જવાબદાર છે.

કોને વધુ જોખમ છે?

સામાન્ય રીતે 65 વર્ષથી વધુ ઉંમરના વડીલોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. આ ઉપરાંત, જે લોકો ચોક્કસ પ્રકારની દવાઓ લેતા હોય અથવા વધુ પડતા દારૂનું સેવન કરતા હોય, તેમને લો બ્લડ પ્રેશરનું જોખમ વધારે રહે છે. જો તમને આવા લક્ષણો વારંવાર દેખાય, તો તરત જ તબીબી સલાહ લેવી અનિવાર્ય છે.