Morning habits for weight loss: આજની આધુનિક અને બેઠાડુ જીવનશૈલીમાં વજન વધવું એ એક ગંભીર સમસ્યા બની ગઈ છે. ઓફિસમાં કલાકો સુધી બેસી રહેવું, જંક ફૂડનું સેવન અને અનિયમિત ઊંઘ સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર કરે છે. જોકે, ફિટનેસ નિષ્ણાતો માને છે કે જો સવારની શરૂઆત યોગ્ય રીતે કરવામાં આવે, તો વજન પર નિયંત્રણ મેળવવું સરળ બની જાય છે. ચાલો આપણે વજન ઘટાડવા માટે ફાયદાકારક ત્રણ આદતો વિશે જાણીશું
ફિટ રહેવા માટે સવારે આ ત્રણ ફેરફાર કરવા અત્યંત જરૂરી છે:
પ્રોટીનયુક્ત નાસ્તો કરો
વજન ઘટાડવાના પ્રવાસમાં નાસ્તો એ દિવસનું સૌથી મહત્વનું ભોજન છે. ઇંડા, દહીં, પનીર અથવા ઓટ્સ જેવા પ્રોટીનથી ભરપૂર ખોરાક લેવાથી ચયાપચયની પ્રક્રિયા ઝડપી બને છે. પ્રોટીન લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે, જેનાથી બિનજરૂરી 'સ્નેકિંગ' કે ગળી વસ્તુઓ ખાવાની ઈચ્છા ઓછી થાય છે. તે સ્નાયુઓ જાળવી રાખીને ચરબી ઘટાડવામાં મદદ કરે છે.
10 મિનિટ સ્ટ્રેચિંગ કરો
સવારે ઉઠતાની સાથે જ માત્ર 10 મિનિટનું હળવું સ્ટ્રેચિંગ આખા દિવસની ઉર્જા નક્કી કરે છે. તે શરીરમાં રક્ત પરિભ્રમણ વધારે છે અને સ્નાયુઓને લવચીક બનાવે છે, સ્ટ્રેચિંગ કેલરી બર્ન કરવાની પ્રક્રિયાને સક્રિય કરે છે અને તણાવ ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.
મોર્નિંગ વોક
સવારે 20 થી 30 મિનિટની ઝડપી ચાલ ચરબી બર્ન કરવા માટે રામબાણ ઈલાજ છે. કુદરતી પ્રકાશમાં ચાલવાથી શરીરને વિટામિન D મળે છે, જે હાડકાં અને રોગપ્રતિકારક શક્તિ માટે અનિવાર્ય છે. આ આદત હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે અને દિવસભર તમને માનસિક રીતે ફ્રેશ રાખે છે.
