Ringan No Olo Recipe: શિયાળાની ઋતુમાં બજારમાં તાજાં અને મોટા રીંગણ સરળતાથી મળી જાય છે. આ ઋતુમાં ગુજરાતી ઘરોમાં રીંગણનો ઓળો ખાસ પસંદ કરવામાં આવે છે. ધીમા તાપે શેકેલા રીંગણની સુગંધ અને તેમાં ઉમેરેલા લસણ, લીલાં મરચાં તથા મસાલાનો સ્વાદ આ વાનગીને ખાસ બનાવે છે. ગરમાગરમ બાજરીના રોટલા, ગોળ અને છાશ સાથે રીંગણનો ઓળો પીરસવામાં આવે તો જમવાની મજા બમણી થઈ જાય છે. તો ચાલો જાણીએ ઘરે પરંપરાગત ગુજરાતી સ્ટાઇલમાં રીંગણનો ઓળો બનાવવાની રીત.
રીંગણનો ઓળો બનાવવા માટેની સામગ્રી
- મોટા રીંગણ – 1 નંગ
- ઝીણી સમારેલી ડુંગળી – 2 નંગ
- ટામેટાં – 2 નંગ
- લીલાં મરચાં – 2 થી 3 નંગ
- લસણની કળીઓ – 7 થી 8
- આદુ – 1 નાનો ટુકડો
- લીલી કોથમીર – અડધી વાટકી
- તેલ – 3 થી 4 ચમચી
- રાઈ – અડધી ચમચી
- જીરું – અડધી ચમચી
- હળદર – ચપટી
- લાલ મરચું પાઉડર – 1 ચમચી
- ધાણાજીરું પાઉડર – 1 ચમચી
- ગરમ મસાલો – અડધી ચમચી
- મીઠું – સ્વાદ અનુસાર
રીંગણનો ઓળો બનાવવાની રીત
સૌપ્રથમ રીંગણને પાણીથી સારી રીતે ધોઈને સાફ કરી લો. હવે રીંગણમાં વચ્ચે એકાદ કાપો મૂકો અને તેમાં લસણની કળીઓ તથા લીલાં મરચાં ભરી દો. ત્યારબાદ રીંગણ પર થોડું તેલ લગાવીને ગેસની ધીમી આંચ પર બધી બાજુથી બરાબર શેકો. રીંગણને વચ્ચે-વચ્ચે ફેરવતા રહો જેથી તે અંદરથી પણ સારી રીતે ચડી જાય. તેની છાલ કાળી થઈ જાય અને રીંગણ નરમ પડી જાય એટલે ગેસ બંધ કરી દો.
શેકાઈ ગયેલા રીંગણને થોડીવાર ઠંડું થવા દો. ત્યારબાદ તેની બળેલી છાલ કાઢી લો અને અંદરનો ગર કાઢીને એક વાસણમાં મૂકો. તેમાં શેકેલા લસણ અને લીલાં મરચાંને મેશ કરીને બરાબર મિક્સ કરી લો. જો રીંગણમાં બીજ વધારે હોય તો તેને અલગ કરી શકો છો. હવે રીંગણના ગરને મેશર અથવા ચમચીની મદદથી બરાબર મસળી લો, જેથી ઓળો એકરસ બને.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું ઉમેરો. બંને તતડે એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખીને હળવી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ તેમાં આદુની પેસ્ટ અને જરૂર મુજબ લસણ ઉમેરીને થોડીવાર સાંતળો. હવે તેમાં ઝીણાં સમારેલાં ટામેટાં ઉમેરીને બરાબર પકાવો. ટામેટાં નરમ થઈ જાય અને તેલ છૂટવા લાગે ત્યાં સુધી તેને હલાવતા રહો.
ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને મસાલાને બરાબર મિક્સ કરો. હવે તૈયાર કરેલો મેશ કરેલો રીંગણનો ગર કડાઈમાં નાખો. ધીમા તાપે બધી સામગ્રીને સારી રીતે હલાવીને મિક્સ કરો, જેથી મસાલો રીંગણમાં બરાબર ભળી જાય. તેને લગભગ 5થી 7 મિનિટ સુધી ચડવા દો. વચ્ચે-વચ્ચે હલાવતા રહો જેથી ઓળો કડાઈમાં ચોંટે નહીં.
છેલ્લે તેમાં ગરમ મસાલો અને ઝીણી સમારેલી લીલી કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરો. બે મિનિટ સુધી ધીમા તાપે પકવીને ગેસ બંધ કરી દો. તૈયાર છે ગરમાગરમ અને સ્વાદિષ્ટ ગુજરાતી રીંગણનો ઓળો. તેને બાજરીના ગરમ રોટલા, ગોળ, સફેદ માખણ અને છાશ સાથે પીરસો. શિયાળાની સાંજે આ પરંપરાગત ગુજરાતી ભોજનનો સ્વાદ ચોક્કસ માણવા જેવો છે.
