આપણે ભલે ગુજરાતી હોઈએ પણ દરેક ઘરમાં લોકોને પંજાબી, સાઉથ ઇંડિયન, અને મેક્સિકન ફૂડનો ટેસ્ટ પણ દાઢે વળગેલો જ હોય છે. તેમાં જમવામાં તો ગુજરાતીને કોઈ પોહોંચી જ ન શકે. તેથી જ બાળકોથી લઈને મોટેરાઓને પણ અલગ અલગ વાનગીઓ જમવાનો ખૂબ જ શોખ હોય છે. ત્યારે આજે અમે તમારા માટે એક ખાસ વાનગીની રેસીપી લઇને આવ્યા છીએ. જેનું નામ છે ‘મસાલેદાર વેજ બિરયાની’, આમ તો આ ડિશ શાકાહારી છે પણ નૉનવેજ ખાનારા પણ તેને ચટકારા સાથે ખાશે. આ બિરયાની સ્વાદિષ્ટ તો છે જ સાથે-સાથે હેલ્ધી પણ છે. તો ફટાફટ નોંધી લો વેજ બિરયાનીની રેસીપી
વેજ બિરયાની બનાવવા માટેની સામગ્રી
બાફેલા ચોખા - 2 કપ
મિક્સ વેજીટેબલ - 3 કપ
ઝીણી સમારેલી ડુંગળી - 1/4 કપ
લીલા મરચા - 1-2
આદુ ઝીણું સમારેલું - 1 ચમચી
લસણ સમારેલું - 5-6 કળી
લીલા ધાણા - 2-3 ચમચી
જીરું - 1 ચમચી
હળદર - 1/2 ચમચી
ધાણા પાવડર - 2 ચમચી
લાલ મરચું પાવડર - 1/2 ચમચી
ગરમ મસાલો - 1/2 ચમચી
લીંબુનો રસ - 1 ચમચી
બિરયાની મસાલો - 1 ચમચી
તેલ - જરૂર મુજબ
મીઠું - સ્વાદ મુજબ
વેજ બિરયાની બનાવવાની રીત
સ્વાદથી ભરપૂર વેજ બિરયાનીને બનાવવા માટે સૌથી પહેલા ચોખાને બાફી લો. આ પછી લીલા શાકભાજી લઈને તેના ટુકડા કરી લો. પછી ડુંગળી, લસણ, લીલા મરચાં અને લીલા ધાણા પણ બારીક સમારી લો. હવે એક કડાઈમાં તેલ મૂકી મધ્યમ આંચ પર ગરમ કરો. તેલ ગરમ થાય પછી તેમાં જીરું નાખો, જ્યારે જીરું તડતડ થવા લાગે ત્યારે તેમાં ઝીણી સમારેલી ડુંગળી, લસણ ઉમેરી થોડીવાર ધીમી આંચ પર સાંતળો. પછી તેમાં સમારેલા શાકભાજી નાખીને થોડીવાર સાંતળો.
શાકભાજીને એક-બે મિનિટ સુધી સાંતળ્ય પછી તેમાં હળદર, ધાણાજીરું પાવડર, લાલ મરચું પાવડર સહિત અન્ય સૂકા મસાલા નાખી દો અને સારી રીતે મિક્સ કરી થોડી વાર માટે શેકો. હવે શાકભાજીના તૈયાર મિશ્રણમાંથી થોડું મિશ્રણ એક બાઉલમાં કાઢીને અલગ રાખી દો. બાકીના વધેલ મિશ્રણમાં અડધા બાફેલા ચોખા નાખી દો. તેની ઉપર બાઉલમાં રાખેલ શાકભાજીનું મિશ્રણ નાખી દો. પછી ઉપરથી બાકીના ચોખાને નાખીને લેયર તૈયાર કરી લો.
મિશ્રણનું લેયર તૈયાર થઈ જાય પછી કડાઈને ઢાંકી દો અને બિરયાનીને 5-7 મિનિટ સુધી પાકવા દો. આ પછી તેમાં લીંબુનો રસ નાખીને મિક્સ કરો અને લીલા ધાણાથી ગાર્નિશ કરી દો. તૈયાર છે સ્વાદિષ્ટ વેજ બિરયાની. તેને લંચ કે ડિનરમાં સર્વ કરો.