ઘરમાં ખુશીનું વાતાવરણ હોય કે મહેમાનોને જમવા માટે ઘરે બોલાવવાના હોય ત્યારે કંઈક તો મીઠાઈ હોવી અનિવાર્ય છે. મીઠાઈમાં આપણે રવાનો હલવો અને ગાજરનો હલવો તો બનાવતા જ હોઈએ છીએ. હલવો એ ફૂડ મેનૂનો એક જરૂરી ભાગ હોય છે. તમે આજ સુધી ઘણા પ્રકારના હલવાનો સ્વાદ ચાખ્યો હશે પરંતુ સફજનના હલવાનો સ્વાદ ખૂબ જ લાજવાબ હોય છે. માત્ર સ્વાદિષ્ટ જ નહીં, પણ આ સફરજનનો હલવો પ્રોટીનથી પણ ભરપૂર હોય છે. તો ફટાફટ નોંધી લો તેની રેસીપી…
સફરજનનો હલવો બનાવવા માટેની સામગ્રીઃ
પાંચ સફરજન, બે મોટી ચમચી ઘી, પાંચ ચમચી ખાંડ, એક કપ ફુલ ક્રીમ દૂધ, અડધી ચમચી તજ પાવડર, બે ચમચી નારિયેળનો પાવડર, ડ્રાયફ્રૂટ્સ, એલચી પાવડર.
સફરજનનો હલવો બનાવવાની રીત
સફરજનનો હલવો બનાવવા માટે સૌથી પહેલા સફરજનની છાલ કાઢી લો. હવે સફરજનના નાના-નાના ટુકડા કરી લો.
એક કડાઈમાં ઘી ગરમ કરો. હવે તેમાં બદામ નાખી આછા સોનેરી થાય ત્યાં સુધી સેકી બાજુ પર રાખો. આ જ કડાઈમાં ટુકડા કરેલા સફરજન નાખીને મધ્યમ તાપ પર પાંચ મિનિટ સુધી પકાવો.
કડાઈમાં દૂધ નાખો અને ધીમી આંચ પર 15 મિનિટ સુધી પકાવો. આ દરમિયાન મિશ્રણને હલાવતા રહો. દૂધમાં સફરજનના ટુકડાને હલાવતા રહો. હવે ખાંડ નાખો. થોડી મિનિટો પછી તજ પાવડર, નારિયેળ પાવડર અને ડ્રાય ફ્રુટ્સને ઉમેરો.
જ્યારે મિશ્રણ સારી રીતે ઘટ્ટ થાય ત્યાં સુધી શેકાઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો. એક વાટકીમાં હલવાને સર્વ કરો, ઉપરથી શેકેલી બદામથી ગાર્નિશ કરો. સ્વાદિષ્ટ સફરજનનો હલવો તૈયાર છે