સવારના નાસ્તાને ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે, મોટાભાગે લોકો સવારે હળવો અને હેલ્ધી નાસ્તો કરવાનું પસંદ કરે છે. આ લોકો માટે પૌવા બેસ્ટ ઓપ્શન છે. ખાસ કરીને ગુજરાતીઓ પૌવા ખાવાના ખાસ શોખિન હોય છે. પૌવા એક એવો નાસ્તો છે જે સમગ્ર ભારતમાં ખૂબ જ ખવાય છે. જે લોકો ડાયટિંગ કરે છે એમના માટે પણ પૌવા સવારે નાસ્તામાં ખૂબ જ ફાયદાકારક છે. પૌવામાં વિટામીન મિનરલ અને એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે. આજે અમે તમારા માટે બટેટા પૌવા બનાવવાની એકદમ સરળ રેસીપી લઈને આવ્યા છીએ. જેનો સ્વાદ દરેક ઉંમરના લોકોને ખૂબ જ પસંદ આવશે. તો ફટાફટ નોંધી લો બટાકા પૌવાની એકદમ સરળ રેસીપી.
પૌવા બનાવવા માટે જરૂરી સામગ્રી
પૌવા - 2 કપ, ડુંગળી - 1 ઝીણી સમારેલી, લીલા મરચા - 1 થી 2 ઝીણા સમારેલા, ખાંડ - 1 નાની ચમચી, રાઈ - 1/2 નાની ચમચી, વરિયાળી - 1/2 નાની ચમચી, જીરું - 1/2 નાની ચમચી, વટાણા - 1/2 વાટકી, કેપ્સીકમ - 1 નાના ટુકડામાં કાપો, બટાકું - 1 ઝીણું સમારેલ, મીઠો લીમડો, તેલ - 2 ચમચી, હળદર પાવડર - 1/4 નાની ચમચી, મીઠું - સ્વાદ મુજબ, લીંબુનો રસ - 1 ચમચી
પૌવા બનાવવાની રીત
પૌવાને એક મોટી ચાળણીમાં લો અને તેને નળની નીચે રાખીને એક-બે વાર ધોઈ લો. પછી એક ગ્લાસ પાણી રાખો અને તે જ સમયે પૌવામાં એક નાની ચમચી મીઠું અને ખાંડ ઉમેરી દો.
એક કડાઈમાં તેલ ગરમ કરો, જ્યારે તેલ ગરમ થઈ જાય, ત્યારે તેમાં મીઠા લીમડાના પાન, રાઈ, જીરું અને વરિયાળી નાખીને તડતડ થાય ત્યાં સુધી સાંતળો. આ પછી ઝીણી સમારેલી ડુંગળી આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળો.
હવે તેમાં ઝીણા સમારેલા બટેકા, કેપ્સીકમ અને લીલા મરચા અને મીઠું ઉમેરો. હવે આ તમામ શાકભાજીને ઢાંકીને 4થી 5 મિનિટ સુધી ચઢવા દો, તે કડાઈ પર ચોંટે નહીં તે માટે વચ્ચે વચ્ચે હલાવતા રહો.
જ્યારે શાકભાજી રંધાઈ જાય ત્યારે તેમાં હળદર મિક્સ કરીને એક મિનિટ સુધી રાખો. હવે પલાળેલા પૌવાને તેમાં સારી રીતે મિક્સ કરો અને સાથે જ લીંબુનો રસ નાખી ગેસ બંધ કરી દો. હવે આ પૌવા બનીને પીરસવા માટે તૈયાર છે. તમે પોહાને ગરમાગરમ ચા અથવા જલેબીની સાથે સર્વ કરો.