Sabudana Chilla Recipe: આ વર્ષે મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર 15 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવી રહ્યો છે. ભોલેનાથના ભક્તો આ દિવસે શ્રદ્ધાપૂર્વક ઉપવાસ કરે છે. ઉપવાસ દરમિયાન ઉર્જા જાળવી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ જો તમે વારંવાર એક જ સાબુદાણા ખીચડી ખાવાથી કંટાળી ગયા છો, તો આ લેખમાં, અમે તમને આ અદ્ભુત સાબુદાણા ચીલા કેવી રીતે બનાવવી તે શીખવી રહ્યા છીએ, જેમાં વધુ મહેનતની જરૂર નથી.
જરૂરી સામગ્રી
- સાબુદાણા: 1 કપ (પલાળેલા)
- બાફેલા બટાકા: 2 નંગ (મધ્યમ કદના)
- સીંગદાણાનો ભૂકો: 1/2 કપ (શેકીને અધકચરો પીસેલો)
- લીલા મરચાની પેસ્ટ: 1 મોટી ચમચી (તમારા સ્વાદ મુજબ)
- છીણેલું આદુ: 1 ચમચી
- લીલા ધાણા: 1/4 કપ (ઝીણા સમારેલા)
- જીરું: 1 ચમચી
- સિંધાલૂણ (ફરાળી મીઠું): સ્વાદ મુજબ
- તેલ અથવા ઘી: શેકવા માટે
બનાવવાની રીત
સાબુદાણાની તૈયારી
સૌ પ્રથમ સાબુદાણાને 2-3 વાર પાણીથી ધોઈ લો અને તેને 4 થી 5 કલાક માટે પલાળી રાખો. સાબુદાણા એવા પલળવા જોઈએ કે તમે તેને આંગળીથી દબાવો તો તે આસાનીથી મેશ થઈ જાય.
મિશ્રણ તૈયાર કરવું
એક મોટા વાસણમાં પલાળેલા સાબુદાણા લો. તેમાં બાફેલા બટાકાને છીણીને ઉમેરો (છીણવાથી ગઠ્ઠા નહીં રહે). હવે તેમાં સીંગદાણાનો ભૂકો, લીલા મરચા, આદુ, જીરું, સિંધાલૂણ અને સમારેલા લીલા ધાણા ઉમેરો.
લોટ બાંધવો
આ બધી સામગ્રીને બરાબર મિક્સ કરી લો. બટાકાના ભેજને કારણે આ એક લોટ જેવું મિશ્રણ બની જશે. જો મિશ્રણ બહુ કોરું લાગે તો 1-2 ચમચી પાણી છાંટી શકાય, પણ તે ઢીલું ન થઈ જાય તેનું ધ્યાન રાખવું.
ચીલા વણવા અથવા થાપવા
એક પ્લાસ્ટિકની થેલી અથવા બટર પેપર લો. તેના પર થોડું તેલ લગાવો. હવે મિશ્રણમાંથી એક લુવો લો અને તેને પેપર પર મૂકી હાથની મદદથી ગોળ થાપો. તમે તેને બહુ પાતળા કે બહુ જાડા ન રાખતા, મીડિયમ રાખવા.
શેકવાની રીત
એક નોન-સ્ટિક તવાને ગરમ કરો અને તેના પર થોડું ઘી કે તેલ લગાવો. તૈયાર કરેલા ચીલાને સાવચેતીથી તવા પર મૂકો. મધ્યમ આંચ પર ચીલાને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો.
પીરસવાની રીત
ગરમાગરમ સાબુદાણાના ચીલાને દહીં, ફરાળી લીલી ચટણી અથવા મગફળીની ચટણી સાથે સર્વ કરો.
ખાસ ટિપ્સ
જો તમારે ચીલા વધુ ક્રિસ્પી બનાવવા હોય, તો તેમાં 1-2 ચમચી રાજગરાનો લોટ અથવા શિંગોડાનો લોટ ઉમેરી શકાય છે.
