Chapdi Tavo: અસલ કાઠિયાવાડી સ્ટાઈલ તીખા-તમતમતા તાવો અને ચાપડી બનાવવાની રેસીપી

રાજકોટનું ફેમસ ફૂડ એવું 'તાવો ચાપડી' શિયાળાની ઠંડીમાં ઘરમાં બને તો મજા પડી જાય. પરંતુ ઘણા લોકોને મુંજવણ હોય છે કે આ ટેસ્ટ ઘરે કેવી રીતે લાવવો.

By: Hariom SharmaEdited By: Hariom Sharma Publish Date: Wed 31 Dec 2025 06:26 PM (IST)Updated: Wed 31 Dec 2025 06:26 PM (IST)
how-to-make-chapdi-tavo-gujarati-racipe-665628

Chapdi Tavo Recipe: રાજકોટનું ફેમસ ફૂડ એવું 'તાવો ચાપડી' શિયાળાની ઠંડીમાં ઘરમાં બને તો મજા પડી જાય. પરંતુ ઘણા લોકોને મુંજવણ હોય છે કે આ ટેસ્ટ ઘરે કેવી રીતે લાવવો. તો આજે ગુજરાતી જાગરણ તમને આ તાવો ચાપડી ઘરે કેવી રીતે બનાવવી તેની રેસિપી જણાવશે.

ચાપડી માટેની સામગ્રી અને રીત

  • ચાપડી બનાવવા માટે 6 કપ જેટલો કરકરો ઘઉંનો લોટ એક વાસણમાં લેવો.
  • તેમાં 1 ટેબલસ્પૂન આખું જીરું હાથેથી મસળીને, 1 ટેબલસ્પૂન સફેદ તલ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરવું.
  • મોણ માટે તેમાં 8 થી 9 ટેબલસ્પૂન જેટલું તેલ અથવા ઘી નાખીને બરાબર મિક્સ કરવું.
  • લોટ બાંધવા માટે 2 કપ જેટલું દૂધ ગરમ કરવું અને જરૂર મુજબ થોડું પાણી વાપરવું, જેથી ચાપડી એકદમ સોફ્ટ અને ફરસી તૈયાર થાય.
  • ભાખરી જેવો કઠણ લોટ બાંધી તેને તેલથી કેળવી લેવો અને મીડીયમ સાઈઝના વડા જેવા ચપટા લુવા બનાવી લેવા.
  • કડાઈમાં સીંગતેલ ગરમ કરી ધીમા થી મધ્યમ ગેસ પર ચાપડીને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવી.

તાવો (રસાવાળું શાક) માટેની સામગ્રી:

  • શાકભાજીમાં 8 થી 10 નાના રીંગણ, 2 બટાકા, 1 નાની દૂધી અને 1 કપ લીલી વાલોળ ઝીણી સમારી લેવી.
  • દાણાવાળા શાકમાં 1/4 કપ જેટલા લીલા વાલ, ચોળા, તુવેર, વટાણા, પાપડી અને લીલા ચણા તૈયાર રાખવા.
  • ગ્રેવી માટે 3 ટામેટા, 2 ડુંગળી, 1/2 કપ લસણ, 1/4 કપ આદુ અને 7 થી 8 તીખા મરચાંની પેસ્ટ બનાવી લેવી.

તાવો બનાવવાની રીત:

  • મોટા કુકરમાં 7 થી 8 ટેબલસ્પૂન સીંગતેલ ગરમ કરી તેમાં અડધી ચમચી મેથી, અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું અને 1 ચમચી હિંગનો વઘાર કરવો.
  • વઘારમાં આદુ-મરચા-લસણની પેસ્ટ સાંતળી તેમાં સમારેલા ટામેટા, ડુંગળી અને બધા જ લીલા દાણા ઉમેરી દેવા.
  • મસાલામાં 1.5 ટીસ્પૂન હળદર, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી તીખું લાલ મરચું અને 4 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીને બધું મિક્સ કરવું.
  • ત્યારબાદ તેમાં દૂધી, રીંગણ, બટાકા અને વાલોળ ઉમેરી 5 થી 7 મિનિટ સુધી તેલમાં સાંતળવું.
  • શાકમાં 1 ટેબલસ્પૂન ખાંડ અને 3.5 થી 4 ગ્લાસ જેટલું પાણી ઉમેરી કુકરનું ઢાંકણ બંધ કરવું.
  • મધ્યમ ગેસ પર કુકરમાં 7 થી 8 સીટી થવા દેવી જેથી શાકભાજી એકદમ સરસ ગળી જાય.
  • શાક ચડી જાય એટલે છેલ્લે 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1.5 ટેબલસ્પૂન ધાણાજીરું પાવડર, 1 લીંબુનો રસ અને ભરપૂર લીલી કોથમીર ઉમેરવી.

ગરમાગરમ ચાપડીને હાથેથી ચોળીને તેના પર આ રસાવાળો તાવો નાખીને ડુંગળી, મરચા અને છાસ સાથે સર્વ કરવાથી ખાવાની ખૂબ મજા આવે છે.