ગુજરાતી ડિશમાં હાંડવો એક ફેમસ વાનગી છે. તેને તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. ઘરમાં નાના બાળકોથી લઇને મોટા..એમ દરેકને હાંડવો ભાવતો હોય છે. પરંતુ હાંડવો બનાવવાની પણ એક કારીગરી હોય છે. હાંડવાના ખીરાને તમે કઈ રીતે તૈયાર કરો છો એ મહત્વનું છે. તો આજે અમે તમને હાંડવાની એક રીત જણાવીશું. તમે આ રીતથી હાંડવો બનાવશો તો ટેસ્ટી બનશે અને સાથે એટલો સોફ્ટ બનશે કે ખાવાની મજા પડી જશે.
હાંડવો બનાવવા માટે સામગ્રી
ચોખા 1 કપ, ચણાની દાળ 1/2 કપ, તુવેર દાળ 1/4 કપ, દહીં 1/2 કપ, અડદની દાળ 2 ચમચી, કોબી છીણેલી 1/2 કપ, ગાજર છીણેલું 1/4 કપ, દૂધી છીણેલી 1 કપ, આદુની પેસ્ટ 1/2 ચમચી, લીલા મરચા સમારેલા 1, હળદર 1/4 ચમચી, રાઈ 3/4 ચમચી, જીરું 1/2 ચમચી, તલ 1 ચમચી, હીંગ 1 ચપટી, તેલ 4 ચમચી, લીલા ધાણા 2-3 ચમચી, લાલ મરચું પાવડર 1/4 ચમચી, ખાવાનો સોડા, સ્વાદ અનુસાર મીઠું
હાંડવો બનાવવાની રીત
સૌથી પહેલા ચણાની દાળ, ચોખા, અડદની દાળ અને તુવેરની દાળને સારી રીતે સાફ કરી લો. આ પછી પાણીથી ધોઈને સાફ કરો. હવે તેને પલાળવા માટે એક વાસણમાં પાણી મૂકીને રાખી દો. લગભગ 4 કલાક સુધી પલાળીને રાખો. ત્યારબાદ તેમાંથી પાણી કાઢી લો. તેને મિક્સર જારમાં નાંખો અને તેની પેસ્ટ તૈયાર કરો.
હવે આમાં છીણેલું ગાજર, છીણેલી દૂધી, લીલા ધાણા, આદુ મરચાની પેસ્ટ, લીલા મરચા, હળદર, લાલ મરચુ પાવડર નાખીને આ મિશ્રણને બરાબર મિક્સ કરો.
બરોબર મિક્સ થઈ ગયા બાદ મિશ્રણના બેથી ત્રણ ભાગ કરી લો, જેથી તમે તેમાંથી મીડિયમ જાડો હાંડવો તૈયાર કરી શકો હવે જે મિશ્રણમાં વધાર કરવો છે, તેમાં એક ચમચી જેટલો ખાવાનો સોડા નાખીને બરોબર મિક્સ કરો..
હવે વઘાર માટે કડાઈમાં બધી બાજુ ફેલાવીને 2થી 3 ચમચી તેલ નાખીને ગરમ કરી લો. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ નાખો, ત્યાર બાદ આખા સૂકા ધાણા, જીરું, તલ નાખી તતડાવો. વઘાર તતડી જાય એટલે તેમાં તૈયાર મિશ્રણ નાખી દો.
મિશ્રણ નાખ્યા બાદ તેને કડાઈમાં બરોબર ફેલાવી ધીમા તાપે આઠથી દસ મિનિટ ઢાંકણ ઢાંકી ચડાવો નીચેથી હાંડવો ગોલ્ડન થઈ જાય ત્યાર બાદ હાંડવાને ઉથલાવી બીજી બાજુ પણ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો. તૈયાર છે હાંડવો. ગરમ ગરમ સર્વ કરો.
