દરેક ગુજરાતીઓના રસોડામાં બટાકાં જોવા મળે છે. કારણ કે બટાકાંનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવે છે. ઉપવાસ હોય કે સવારે જલ્દી કંઈક બનાવવું હોય, આપણે ઘણીવાર બટાકાંની વાનગી બનાવવાનું વિચારીએ છીએ. જે ઝડપથી અને સરળતાથી તૈયાર થઈ જાય છે. વડીલોથી લઈને નાના બાળકો સુધી તમામને બટાકાંની વાનગીઓ ખૂબ જ પસંદ આવે છે. આજે અમે તમારી માટે દહીં આલુ ચાટની રેસીપી લઈને આવ્યા છીએ. જ્યારે તમને કંઈક મસાલેદાર ખાવાનું મન થાય ત્યારે તમે આ રેસીપી ટ્રાય કરી શકો છે. તે સરળતાથી બની જાય છે. ચાલો જાણીએ દહીં આલુ ચાટની રેસીપી…
દહીં આલુ ચાટ બનાવવા માટે સામગ્રી
4 બાફેલા બટાકાં, 100 ગ્રામ દહીં, 5 ચમચી આમલી, 2 પાપડ, 1 પેકેટ સેવ, 2 ચમચી લીલી ચટણી, 1 ચમચી ધાણા પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી શેકેલું જીરું, ચપટી કાળા મરી, સ્વાદ અનુસાર મીઠું, 1 સમારેલી ડુંગળી, 1 ચમચી સમારેલી કોથમીર.
દહીં આલુ ચાટ બનાવવાની રીત
સૌથી પહેલા બાફેલા બટાકાંને છોલીને નાના-નાના ટુકડા કરી લો. આ પછી બટાકાંને કાપીને એક પ્લેટ અથવા બાઉલમાં રાખી દો. બટાકાંની ઉપર એક ચમચી લાલ મરચું, એક ચમચી ધાણા પાવડર, એક ચમચી શેકેલું જીરું, એક ચપટી કાળા મરીનો પાવડર અને સ્વાદ મુજબ મીઠું પણ નાખીને બરાબર મિક્ષ કરી લો.
આમલીનું પાણી બનાવવા માટે 100 ગ્રામ આમલીને પાણીમાં પલાળી રાખી દો. આ પછી બટાકાંમાં ડુંગળીના નાના ટુકડાઓ કરીને ઉમેરો. તેમાં 3 ચમચી આમલીનું પાણી, દહીં અને ફુદીનાની ચટણી પણ ઉમેરી દો. ઉપરથી 1 પેકેટ સેવ નાખી અને ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરો. આ રીતે બટાકાંની ચાટ તૈયાર થઈ જશે, તમે તેને સર્વ કરી શકો છો.
