How To Peel Garlic: ગૃહિણીઓ માટે રસોડામાં સૌથી કંટાળાજનક અને સમય માંગી લેતું કામ લસણ ફોલવાનું હોય છે. ઘણીવાર શાક કે રસોઈ બનાવતી વખતે લસણ ફોલવામાં ઘણો સમય વેડફાઈ જાય છે. આ સમસ્યાના ઉકેલનું સમાધાન ગુજરાતી જાગરણ તમારી માટે લાવ્યું છે. લસણ ફોલવાની 3 અત્યંત સરળ અને નવી ટિપ્સ શેર કરવામાં આવી છે. જેના દ્વારા તમે માત્ર 2 મિનિટમાં 1 કિલો જેટલું લસણ સરળતાથી સાફ કરી શકો છો.
1). નવશેકું પાણી અને ખાવાના સોડાનો
આ પદ્ધતિમાં સૌ પ્રથમ લસણની બધી જ કળીઓને અલગ કરી લેવી. ત્યારબાદ એક બાઉલમાં થોડું નવશેકું ગરમ પાણી લેવું. ધ્યાનમાં રાખવું કે પાણી બહુ વધારે ગરમ ન હોવું જોઈએ. આ પાણીમાં અડધી ચમચી ખાવાનો સોડા (બેકિંગ સોડા) ઉમેરી તેને બરાબર ઓગાળી લેવો. હવે લસણની કળીઓને આ પાણીમાં 20 મિનિટ માટે પલાળી રાખવી. 20 મિનિટ બાદ લસણને પાણીમાં જ હાથેથી મસળવાથી તેની છાલ એકદમ સરળતાથી અલગ થઈ જશે. આ લસણને નેપકિનથી કોરું કરી, પંખા નીચે 15 મિનિટ સૂકવીને એરટાઈટ ડબ્બામાં ભરી 15 થી 20 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે.
2). ગરમ કરીને ફોલવાની રીત
જો તમારે પાણીનો ઉપયોગ ન કરવો હોય, તો લસણને ગરમ કરીને પણ ફોલી શકાય છે. આ માટે એક કડાઈને ગરમ કરવા મૂકવી અને તેમાં લસણની કળીઓ ઉમેરવી. ગેસની ફ્લેમ મીડિયમ રાખીને લસણને 2 થી 3 મિનિટ માટે શેકવું. લસણ શેકાઈ જાય એટલે તેને એક પ્લેટમાં કાઢી 5 થી 7 મિનિટ ઠંડુ થવા દેવું. ત્યારબાદ લસણને હથેળીઓ વચ્ચે રાખીને હળવા હાથે મસળવાથી તેની છાલ તરત જ ઉતરી જશે. આ રીત ખૂબ જ ઝડપી છે અને તેનાથી લસણ જલ્દી સાફ થઈ જાય છે.
3). ફ્રીઝર ટેકનિક
આ ત્રીજી રીત પણ ખૂબ જ અસરકારક છે. આ માટે આખા લસણના ગાંઠિયાને એક વાટકીમાં મૂકીને 10 મિનિટ માટે ફ્રીઝરમાં રાખી દેવા. 10 મિનિટ પછી લસણને બહાર કાઢી, તેના ઉપરના ભાગને (ડિટિયા પાસેનો ભાગ) ચપ્પુની મદદથી કાપી લેવો. ઉપરનો ભાગ કપાઈ ગયા પછી લસણની કળીઓ અલગ કરશો એટલે તેની છાલ આપોઆપ ઉતરી જશે. જેમના નખ નાના હોય અથવા હાથથી લસણ ફોલવામાં તકલીફ પડતી હોય તેમના માટે આ રીત સૌથી શ્રેષ્ઠ છે.
સ્ટોરેજ ટિપ્સ:
ઉપરોક્ત કોઈપણ રીતે સાફ કરેલા લસણને જો તમે એરટાઈટ ડબ્બામાં ભરીને ફ્રીજમાં રાખશો, તો તે 15 થી 20 દિવસ સુધી બગડશે નહીં અને એકદમ ફ્રેશ રહેશે. આ ટિપ્સ અપનાવવાથી ગૃહિણીઓનો રસોડામાં ઘણો સમય બચી શકે છે.
