Jagran Special
UPSC Success Story: ઇન્ટરવ્યુ પહેલા પિતાનું મૃત્યુ, છતાં હિંમત ન હાર્યા દિવ્યાંશુ, આવી રીતે મેળવ્યો 44મો રેન્ક
સિવિલ સર્વિસ પરીક્ષામાં સફળ થવા માટે ઉમેદવારો દિવસ-રાત મહેનત કરે છે. તો કેટલાક લોકો એવા પણ હોય છે જેમને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સખત પરિશ્રમની સાથે જ સંયમ જાળવવો પડે છે. આવી જ એક કહાની છે દિવ્યાંશુ નિગમની, જેમણે UPSC ઈન્ટરવ્યુ પહેલા કોરોનાના કારણે પિતા ગુમાવ્યા હતા. આવી દુઃખની ઘડીમાં પણ તેમણે હિંમત હાર્યા વિના ઈન્ટરવ્યુ આપ્યું અને સફળતા હાંસલ કરી.
ઇન્ટરવ્યુ પહેલા પિતાનું નિધન
સિવિલ સર્વિસ પરીક્ષા 2020માં લખનઉના રહેવાસી 25 વર્ષીય દિવ્યાંશુ નિગમે 44મો રેન્ક મેળવ્યો હતો. તેમણે પોતાની સખત મહેનતના દમ પર IAS ઓફિસર બનવાના સપનાને સાકાર કરીને બતાવ્યું છે. દિવ્યાંશુની IAS બનવાની આ સફર એટલી પણ સરળ નહોતી. જ્યારે દિવ્યાંશુ તેમના UPSC ઇન્ટરવ્યુની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે તેમના પિતાનું અચાનક અવસાન થયું હતું.
કોરોનાના કારણે લથડી હતી પિતાની તબિયત
બિટ્સ પિલાનીના ગોવા કેમ્પસમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ થયેલા દિવ્યાંશુ નિગમ સિવિલ સર્વિસ પરીક્ષાના ઇન્ટરવ્યુ માટે તૈયારી કરી રહ્યા હતા. આ દરમિયાન કોરોના મહામારીના સંક્રમણના કારણે તેમના પિતા એસ.કે નિગમની તબિયત બગડી હતી. તેમને લખનઉની SGPI હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પિતાની બગડતી તબિયતના કારણે દિવ્યાંશુની તૈયારી પર પણ અસર થઈ અને તેમના ઇન્ટરવ્યુની તૈયારી અટકી ગઈ હતી. થોડા દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા પછી તેમના પિતા ફરી ક્યારેય હોસ્પિટલમાંથી પાછા જ આવી ન શક્યા. જૂન 2020માં તેમના પિતાનું અવસાન થયું.
હિંમત ન હારી
આ દુ:ખદ બનાવ પછી દિવ્યાંશુ માટે પોતાની જાતને સંભાળવી સરળ ન હતી, છતાં પણ તેમણે હિંમત ન હારી. તેમણે ફરીથી તેમના ઇન્ટરવ્યુની તૈયારી શરૂ કરી. કદાચ આ દિવ્યાંશુની અથાક પરિશ્રમ અને ખરાબ સમયમાં પણ ક્યારેય હાર ન માનવાની જીદ્દ જ હતી કે તેમણે તેમનું ઇન્ટરવ્યુ શ્રેષ્ઠ રીતે આપ્યું અને પરીક્ષામાં જીતનો પરચમ લેહરાવ્યો.
2 પ્રયાસમાં મુખ્ય પરીક્ષામાં મળી હતી અસફળતા
આ પહેલા દિવ્યાંશુ નિગમે સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા બે વખત પાસ કરી હતી પરંતુ મુખ્ય પરીક્ષામાં નાપાસ થયા હતા. જ્યારે ત્રીજી વખત તેમનો પ્રયાસ સફળ થયો ત્યારે તેમના પિતા ખુશ થયા હતા. પરંતુ દિવ્યાંશુ IAS બને તે પહેલા જ દુનિયાથી ચાલ્યા ગયા હતા. જોકે, પોતાની મહેનતના આધારે તેમણે ત્રીજા પ્રયાસમાં આ પરીક્ષા પાસ કરી અને સમગ્ર દેશમાં 44મો રેન્ક મેળવ્યો.