જાગરણ સ્પેશિયલઃ કહેવાય છે કે જો કોઈ વ્યક્તિમાં કંઈક કરવાની ઈચ્છા હોય તો સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓ પણ તેને રોકી શકતી નથી. આ કહેવત આપણે બધાએ પુસ્તકોમાં વાંચી હશે, પરંતુ જ્યારે કોઈ વાસ્તવિક જીવનમાં આવું ઉદાહરણ રજૂ કરે છે, ત્યારે સમાજને વાસ્તવિક પાઠ મળે છે. IRS ઓફિસર કુલદીપ દ્વિવેદીએ આ કહેવત સાચી સાબિત કરીને બતાવી છે. તેમણે કપરા સંજોગોમાં મહેનત કરીને આ સ્થાન હાંસલ કર્યું છે. તેમણે 2015ની સિવિલ સર્વિસ પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં 242મો રેન્ક મળ્યો હતો. તેઓ હાલ એક IRS અધિકારી છે.
ઘરની આર્થિક સ્થિતિ હતી નબળી
વાસ્તવમાં કુલદીપ દ્વિવેદી ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે. બાળપણમાં તેમના ઘરની આર્થિક સ્થિતિ પણ નબળી હતી. જેના કારણે તેમના પિતા સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતા હતા, સાથે જ ખેતરોમાં પણ કામ કરતા હતા. તે સમયે તેમના પિતાનો પગાર માત્ર 1100 રૂપિયા હતો.
અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી કર્યું ગ્રેજ્યુએશન
ચાર ભાઈ-બહેનોમાં કુલદીપ દ્વિવેદી સૌથી નાના છે. તેમણે 2009માં અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યા પછી ત્યાં જ 2011માં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. આ પછી તેઓ તૈયારીઓમાં લાગી ગયા. તેઓ અલ્હાબાદમાં રહીને અભ્યાસ કરતા હતા અને સિલેબસનું રિવીઝન પણ કરતા હતા. કુલદીપ દ્વિવેદીના જણાવ્યા અનુસાર યુપીએસસીની સિવિલ સર્વિસની પરીક્ષાને પાસ કરવા માટે ઉમેદવારોએ સિલિબસને સમજવો જરુરી છે. કારણ કે તેને સમજ્યા વગર તૈયારી થઈ શકતી નથી. સાથે જ તેમણે ઉમેદવારોને સમયાંતરે સિલેબસ રિવીઝન કરવાની પણ વાત કહી છે.
મોબાઇલ પણ નહોતા ખરીદી શક્યા
કુલદીપ દ્વિવેદીના પરિવારની આર્થિક સ્થિતિ બહુ સારી ન હતી. આ જ કારણ હતું કે પરિવારના સભ્યો તેમને માત્ર અભ્યાસના જ પૈસા આપી શકતા હતા. ઘરેથી વધુ પૈસા ન મળવાને કારણે અલ્હાબાદમાં તૈયારી કરતી વખતે કુલદીપ દ્વિવેદી મોબાઈલ પણ ન ખરીદી શક્યા. પરિવારના સભ્યો સાથે વાત કરવા માટે PCOમાં જતા હતા. અન્ય સાથીદારોની પણ મદદ લેતા હતા.
કોચિંગ વગર પ્રથમ પ્રયાસમાં જ પાસ કરી પરીક્ષા
કુલદીપ દ્વિવેદીએ કોઈપણ કોચિંગ ક્લાસ વગર જાતે જ અભ્યાસ કરીને UPSCની તૈયારી કરી હતી. તેઓ અન્ય પરીક્ષાર્થીઓ પાસેથી પુસ્તકો લઈને સેલ્ફ સ્ટડી કરતા હતા. વર્ષ 2015માં તેમને UPSCની પરીક્ષા આપી હતી. પ્રથમ પ્રયાસમાં જ 242મા રેન્ક મેળવી સફળ રહ્યા હતા. તેમની તાલીમ ઓગસ્ટ 2016માં નાગપુરમાં શરૂ થઈ હતી. આજે તેઓ IRS ઓફિસર છે.