Jagran Special
Success Story: પિતા કરતા હતા મારુતિ ફેક્ટરીમાં કામ, દીકરીએ ખૂબ મહેનત કરીને પાસ કરી UPSC Exam, વાંચો મોહિતા શર્માની સંઘર્ષની કહાની
UPSC સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરવી સરળ નથી અને વિદ્યાર્થીઓએ સખત મહેનત કરવી પડે છે. આ માટે ઘણા વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી જ કહાની હિમાચલ પ્રદેશના કાંગડાના રહેવાસી મોહિતા શર્માની છે, જેઓ 2017 બેચના IPS અધિકારી છે. જોકે, મોહિતા શર્મા માટે UPSC પરીક્ષા પાસ કરવી એટલી સરળ નહોતી, કારણ કે તેમના પરિવારની આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી.
પિતા કરતા હતા મારુતિ કંપનીમાં નોકરી
મોહિતા શર્મા હિમાચલના કાંગડાના રહેવાસી છે, પરંતુ બાદમાં તેમનો પરિવાર દિલ્હી રહેવા ગયો હતો. તેમના પિતા મારુતિ કંપનીમાં નોકરી કરતા હતા અને માતા ગ્રૃહીણી છે. મોહિતા શર્માના પરિવારની આર્થિક સ્થિતિ એટલી સારી ન હતી, પરંતુ તેમના પિતાએ તેમના અભ્યાસમાં કોઈ કમી આવવા દીધી ન હતી. મોહિતા શર્માએ સખત મહેનત કરી અને UPSC પરીક્ષા પાસ કરી અને IPS ઓફિસર બની ગયા.
દિલ્હીમાં કર્યો અન્જિનિયરિંગનો અભ્યાસ
મોહિતા શર્માએ દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS) દ્વારકામાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો. આ પછી તેમણે ભારતીય વિદ્યાપીઠ કોલેજમાંથી ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગ કર્યું. બીટેક કર્યા પછી તેમણે વર્ષ 2012થી યુપીએસસીની તૈયારી શરૂ કરી, પરંતુ સાચી માહિતી આપનાર કોઈ નહોતું અને તેના કારણે તેઓને સતત ચાર વખત અસફળતા મળી.
4 વખત મળી અસફળતા
UPSC પરીક્ષાની તૈયારી માટે મોહિતા શર્માને માર્ગદર્શન આપનાર કોઈ નહોતું અને તેના કારણે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. દરેક વખતે તેમણે પરીક્ષામાં પોતાની ભૂલોમાંથી શીખ મેળવી અને તેના પર કામ કર્યું. પછી સખત મહેનત અને સમર્પણ પછી તેઓ તેમના પાંચમા પ્રયાસમાં પરીક્ષા પાસ કરવામાં સફળ રહ્યા.
પરીક્ષા માટે ઇન્ટરનેટમાંથી કરી તૈયારી
UPSC પરીક્ષાની તૈયારી કરતા મોટાભાગના લોકો ઇન્ટરનેટ અને મોબાઇલથી અંતર રાખે છે, પરંતુ મોહિતા શર્માએ યુપીએસસીની તૈયારી માટે ઇન્ટરનેટની વધુ મદદ લીધી.
KBCમાં જીતી ચૂક્યા છે 1 કરોડ રૂપિયા
કૌન બનેગા કરોડપતિ (KBC 12)ની 12મી સીઝનમાં મોહિતા શર્મા 1 કરોડ રૂપિયા જીત્યા, જોકે તેઓ સોળમા પ્રશ્ન પર 7 કરોડ રૂપિયામાં અટવાઈ ગયા અને જવાબમાં તેઓ ખૂબ જ મૂંઝવણમાં હતા. આ કારણે તેમણે અધવચ્ચે જ ગેમને ક્વિટ કરી દીધી હતી.
IFS અધિકારી સાથે કર્યા લગ્ન
મોહિતા શર્માએ ઓક્ટોબર 2019માં IFS ઓફિસર રૂશલ ગર્ગ સાથે લગ્ન કર્યા હતા. મોહિતા શર્મા જણાવે છે કે, ‘તેમણે ક્યારેય કેબીસી પર જવાનું વિચાર્યું નહોતું, પરંતુ તેમના પતિ રૂશલ ગર્ગ આ શૉમાં જવા માટે 20 વર્ષથી પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેમને ક્યારેય તક મળી નથી. મેં તેમના કહેવા પર રજીસ્ટ્રેશન કરાવ્યું અને મને પહેલીવાર આ શોમાં આવવાનો મોકો મળ્યો.’