Jagran Special
Success Story: 39 વખત અસફળતાઓ બાદ પણ ન માની હાર અને મેળવી ગૂગલમાં નોકરી, જાણો ટાયલર કોહેનીની સંઘર્ષની કહાની
કહેવાય છે કે કદમ ડગમગતા હોય તેને રસ્તો કદી જડતો નથી અને અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી આ ઉક્તિને સાર્થક કરી છે અમેરિકાના ટાયલર કોહેને. જેમણે પોતાના સપનાને પૂર્ણ માટે ખૂબ મહેનત કરી. અમેરિકાના કેલિફોર્નિયાના રહેવાસી ટાયલર કોહેને પોતાના 40માં પ્રયાસમાં ગૂગલમાં નોકરી કરવાનું સપનું સાકાર કરી બતાવ્યું છે. ટાયલર કોહેન (Taylor Cohen)નું ગૂગલમાં કામ કરવાનું સપનું હતું. આ માટે તેઓ 39 વખત અસફળ થયા. જોકે, તેઓએ પોતાના 40માં પ્રયાસમાં સપનું સાકાર કરી બતાવ્યું. હવે સોશિયલ મીડિયા પર તેમની આ સફળતાની કહાની વાયરલ થઈ રહી છે.
2019થી ગૂગલમાં કરી રહ્યા હતા અરજી
પોતાની સફળતાના કિસ્સાને સોશિયલ મીડિયા પર શેર કરતા ટાયલરે લખ્યું કે જીદ અને પાગલપણમાં ખૂબ જ ઓછો તફાવત હોય છે. ટાયલરે વધુમાં કહ્યું કે તેઓ હજુ પણ નથી સમજી શક્યા કે તેમની અંદર શું છે. ટાયલર અગાઉ DoorDash નામની કંપનીમાં Strategy & Opsના એસોસિયેટ મેનેજર તરીકે કામ કરી રહ્યા હતા. તેમના દ્વારા શેર કરવામાં આવેલા સ્ક્રીનશૉટ્સ અનુસાર તેઓ 2019થી જ ગૂગલમાં નોકરી માટે અરજી કરી રહ્યા હતા.
સોશિયલ મીડિયા પર શેર કર્યો અનુભવ
ટાયલર કોહેને પોતાની આ સફળતાનો કિસ્સો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ LinkedIn પર શેર કર્યો હતા. તેમની આ પોસ્ટ પર ગૂગલના હેન્ડલ પરથી પણ પ્રતિક્રિયા આવી છે. કંપની દ્વારા લખવામાં આવ્યું કે આ સફર કેટલી અદ્ભુત છે, ટાયલર! ચોક્કસપણે હવે સમય આવી ગયો છે. તો LinkedInએ પણ અનુભવ શેર કરવા બદલ ટાયલરનો આભાર માન્યો છે.
યુઝરે લખ્યું- મને તો 52 રિજેક્શન મળ્યા
ટાયલર દ્વારા શેર કરવામાં આવેલા તેમના અનુભવ પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે અને તેમને નોકરી મેળવવા બદલ અભિનંદન પણ આપી રહ્યા છે. ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયા આપતા પોતાના અનુભવો પણ શેર કર્યા છે. એક યુઝરે લખ્યું- મેં 83 વખત અરજી કરી છે. 52 રિજેક્શન મળ્યા છે અને હજુ પણ ફાઈનલ રાઉન્ડની રાહ જોઈ રહ્યો છું.