સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરવાનું ઘણા લોકોનું સપનું હોય છે. પરંતુ આ સપનાને અમુક લોકો જ સાકાર કરી શકે છે. આમાંથી એક છે નમ્રતા જૈન. સિવિલ સર્વિસમાં જોડાવાનું નમ્રતા જૈનનું હંમેશા સપનું હતું. જેના માટે તેમણે ખૂબ જ મહેનત કરી અને બીજા જ પ્રયાસમાં યુપીએસસીની પરીક્ષા પાસ કરી. તેમણે IPS ઓફિસર બન્યા પછી પણ તૈયારી ચાલુ રાખી. તેમને વર્ષ 2018માં સફળતા મળી અને IAS અધિકારી બની ગયા.
છત્તીસગઢના રહેવાસી છે નમ્રતા જૈન
IAS નમ્રતા જૈન છત્તીસગઢના દંતેવાડાના ગીદમ નગરના રહેવાસી છે. આ નક્સલ પ્રભાવિત વિસ્તાર છે, અહીં સાક્ષરતા દર ઘણો ઓછો છે. 2G ઈન્ટરનેટ ધરાવતા વિસ્તારમાં રહેતા નમ્રતા જૈને IAS ઓફિસર બનવા સુધીની સફર ઘણી મુશ્કેલીઓ સાથે પૂરી કરી. તેમણે પોતાનો અભ્યાસ પૂરો કરવા માટે ખૂબ જ મહેનત કરી છે. જેનું પરિણામ સૌની સામે છે.
અભ્યાસ માટે દૂર મોકલવાનો પરિવારે કર્યો ઇનકાર
IAS નમ્રતા જૈને પ્રારંભિક અભ્યાસ દંતેવાડાની કાર્લી સ્થિત નિર્મલ નિકેતન સ્કૂલમાંથી કર્યો છે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી તેમના માટે થોડી મુશ્કેલી આવી ગઈ હતી કારણ કે તેમના પરિવારે તેમને અભ્યાસ માટે દૂર મોકલવાની ના પાડી દીધી હતી. જોકે, તેમની માતાએ તેમના પરિવારજનોને સમજાવ્યા અને તેમનું એડમિશન કેપીએસ ભિલાઈ સ્કૂલમાં કરવામાં આવ્યું હતું. ધોરણ 12ની પરીક્ષા ત્યાંથી આપ્યા પછી તેમણે ભિલાઈ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી બીટેક કર્યું હતું.
6 મહિનામાં બે કાકાના થયા હતા અવસાન
નમ્રતા જૈન જ્યારે ધોરણ 8મા હતા, ત્યારે તેમની શાળાના કોઈ કાર્યક્રમમાં કલેક્ટર આવ્યા હતા. ત્યારબાદ તેમના પિતાએ તેમને IAS અધિકારીની શક્તિઓ વિશે જણાવ્યું હતું. નમ્રતા જૈનની UPSC પરીક્ષાની તૈયારી દરમિયાન 6 મહિનાના અંતરાલમાં તેમના બે કાકાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. તેનાથી તેઓ ખૂબ ભાંગી પડ્યા હતા પરંતુ પછી કાકાના સપનાને પૂરુ કરવા માટે ડબલ મહેનતની સાથે તૈયારી શરૂ કરી દીધી.
IPS બન્યા બાદ પણ તૈયારી ચાલુ રાખી
નમ્રતા જૈને UPSC પરીક્ષાનો પહેલો પ્રયાસ 2015માં આપ્યો હતો, જેમાં તેઓ નિષ્ફળ થયા હતા. ત્યારબાદ 2016માં તે 99મો રેન્ક મેળવીને તેઓ મધ્યપ્રદેશ કેડરના IPS ઓફિસર બન્યા હતા. પરંતુ તેમણે તૈયારી ચાલુ રાખી. આખરે 2018માં તેમની મહેનત રંગ લાવી અને તેઓ 12મા રેન્ક સાથે વહીવટી સેવામાં જોડાવા માટે IAS અધિકારી બની ગયા.
2020માં IPS નિખિલ રાખેચા સાથે કર્યા હતા લગ્ન
IAS નમ્રતા જૈને 16 સપ્ટેમ્બર 2020ના રોજ છત્તીસગઢના મહાસમુંદ જિલ્લામાં તૈનાત IPS નિખિલ રાખેચા સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન સમારોહમાં જિલ્લાના અનેક અધિકારીઓએ આવ્યા હતા. એવું કહેવાય છે કે તેમની લવ સ્ટોરી વર્ષ 2019માં ટ્રેનિંગ દરમિયાન શરૂ થઈ હતી. છત્તીસગઢ કેડરના IAS નમ્રતા જૈન તેમની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે.