IAS Success Story: UPSCની તૈયારી માટે વિદ્યાર્થીઓ અનેક વર્ષો સુધી તૈયારી કરતા હોય છે અને આ માટે કોચિંગ ક્લાસ પણ જોઈન કરે છે. પરંતુ પંજાબના ગુરુદાસપુરના રૂકમણી રિયારે કોઈ પણ કોચિંગ વગર યુપીએસસી પરીક્ષાની તૈયારી કરી અને પહેલા જ પ્રયાસમાં ઓલ ઈન્ડિયામાં બીજો ક્રમ મેળવી IAS ઓફિસર બનવાનું સપનું પૂરું કર્યું.
છઠ્ઠા ધોરણમાં થયા હતા નાપાસ
રૂકમણી રિયાર શરૂઆતથી અભ્યાસમાં બહુ ખાસ નહતા. તેઓ જ્યારે છઠ્ઠા ધોરણમાં ભણતા હતા ત્યારે નાપાસ થયા હતા. નાપાસ થયા બાદ પરિવારના લોકો અને શિક્ષકો પાસે જવાની હિંમત જ ન થઈ અને એમ વિચારીને શરમ આવતી હતી કે બાકી લોકો તેમના વિશે શું વિચારશે. નાપાસ થયા બાદ રૂકમણિ ટેન્શનમાં રહેવા લાગ્યા હતા અને ડિપ્રેશનનો ભોગ બન્યા. અનેક મહિનાઓ સુધી ટેન્શનમાં રહ્યા બાદ તેમણે પોતાને તેમાંથી બહાર કાઢ્યા અને પોતાના ડરને પ્રેરણા બનાવી લીધો.
મુંબઇથી મેળવી માસ્ટર ડિગ્રી
રૂકમણી રિયારનું પ્રાથમિક શિક્ષણ ગુરદાસપુરથી થયું છે. આ પછી તેમણે ચોથા ધોરણમાં ડેલહાઉસીની સેક્રેડ હાર્ટ સ્કૂલમાં એડમિશન લીધું. ધોરણ 12 પછી, તેમણે અમૃતસરમાં ગુરુ નાનક દેવ યુનિવર્સિટીથી સામાજિક વિજ્ઞાનમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. જે બાદ તેઓએ મુંબઈની ટાટા ઈન્સ્ટિટ્યૂટમાંથી સામાજિક વિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રી મેળવી અને ગોલ્ડ મેડલિસ્ટ બની ગયા.
ઇન્ટર્નશિપ કર્યા બાદ તૈયારી શરૂ કરી
પોસ્ટ-ગ્રેજ્યુએશન પછી રૂક્મણી રિયારે યોજના આયોગ સિવાય વધુમાં મૈસૂરમાં અશોદયા અને મુંબઈમાં અન્નપૂર્ણા મહિલા મંડલ જેવી બિન સરકારી સંસ્થામાં ઇન્ટર્નશિપ કરી. આ દરમિયાન રૂકમણી રિયાર સિવિલ સેવાની તરફ આકર્ષિત થયા.
પહેલા જ પ્રયાસમાં UPSCમાં સફળતા
ઇન્ટર્નશિપ પછી તેમણે સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી અને ખૂબ મહેનતથી પ્રથમ જ પ્રયાસમાં સફળતા પ્રાપ્ત કરી લીધી. તેમણે UPSC પરીક્ષાની તૈયારી માટે કોઈ પણ કોચિંગમાં એડમિશન નહોતું લીધું, તેઓએ સેલ્ફ સ્ટડી પર ભરોસો કર્યો અને સખત મહેનત કરી. રૂકમણી રિયારે 2011માં UPSCમાં AIR 2 મેળવ્યો અને IAS અધિકારી બનીને પોતાનું સપનું પુરૂં કર્યું.