Gujarat Smart Village: કચરાના નિકાલથી લઈ ગ્રીન પ્રોજેક્ટ સુધી: જાણો કચ્છના સ્માર્ટ અને વિકાસશીલ ગામ- ભીમાસર વિશે

કચ્છના ભીમાસર ગામ સહિત અનેક ગામડાઓએ પણ શહેરો જેવી સુવિધા વિકસાવીને ગ્રામ વિકાસની નવી પરિભાષા ઘડી છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Wed 05 Nov 2025 06:29 PM (IST)Updated: Wed 05 Nov 2025 06:29 PM (IST)
kutchs-bhimasar-achieves-odf-model-status-wins-13-prestigious-awards-for-development-632938

Smart Village: કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં સ્થિત ગુજરાતનું એક સ્માર્ટ અને વિકાસશીલ ગામ એટલે ભીમાસર. આ ગામમાં વસવાટ કરતાં નાગરિકોના દ્રઢ મનોબળ અને વિવિધ સરકારી યોજનાઓની મદદથી તાજેતરમાં ‘સ્વચ્છ ભારત મિશન’ હેઠળ ભીમાસર ગામને ઓપન ડિફિકેશન્સ ફ્રી પ્લસ (ODF +) મોડેલ ગામનો દરજ્જો પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત અત્યારસુધીમાં ભીમાસર ગામને સમરસ ગ્રામ પંચાયત એવોર્ડ, નિર્મલ ગ્રામ પુરસ્કાર, સ્વર્ણિમ ગ્રામ પુરસ્કાર, શ્રેષ્ઠ ગ્રામ પંચાયત, મહિલા પાણી સમિતિ એવોર્ડ, સ્વચ્છ ગ્રામ પુરસ્કાર, સ્માર્ટ વિલેજ એવોર્ડ જેવા કુલ 13 પ્રતિષ્ઠિત એવોર્ડ પણ મળ્યા છે. વિશ્વ બેંકના પ્રતિનિધિઓ અને નેપાળના પ્રધાનમંત્રી જેવા મહાનુભાવોએ પણ ભીમાસાર ગામના વિકાસને નિહાળવા રૂબરૂ મુલાકાત લીધી હતી.

100 ટકા ઘરોમાં શૌચાલય અને નળ જોડાણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના ગામડાઓ આજે વિકાસના પંથે તેજ ગતિએ આગળ વધી રહ્યા છે, ત્યારે કચ્છના ભીમાસર ગામ સહિત અનેક ગામડાઓએ પણ શહેરો જેવી સુવિધા વિકસાવીને ગ્રામ વિકાસની નવી પરિભાષા ઘડી છે. ભીમાસર ગામના મહિલા સરપંચ દઇબેન એચ. હુંબલ કે જેમણે નારીશક્તિના દ્રઢ સંકલ્પ અને મહિલા સશક્તીકરણના શ્રેષ્ઠ ઉદાહરણ થકી ગામને એક આગવી ઓળખ આપવી છે. આ ગામમાં સ્વચ્છ ભારત મિશન અને જલ જીવન મિશન હેઠળ 100 ટકા ઘરોમાં શૌચાલય અને નળ જોડાણની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. વધુમાં, ગામમાં કચરાના નિકાલ માટે યોજનાબદ્ધ અમલ ઉપરાંત સ્વચ્છતા અંગે જાગૃતિ માટે ભિંત ચિત્રો, નાટકો અને રેલી જેવી પ્રવૃત્તિઓના આયોજન થકી ગામ સંપૂર્ણ સ્વચ્છ રાખવામાં આવે છે.

પ્રાથમિકથી લઈ માધ્યમિક શાળા સુધીની સુવિધાઓ

ભીમાસર ગામના મહિલા સરપંચ અને ગ્રામજનોએ પોતાના ગામને માત્ર સ્વચ્છ જ નહીં, પણ સમૃદ્ધ બનાવવાનું સ્વપ્ન સેવ્યું હતું. જેના પરિણામે ગામના દરેક ઘરમાં શૌચાલય, વેસ્ટ નિકાલ માટે આખા ગામમાં ગટર વ્યવસ્થા, ડોર-ટૂ-ડોર વેસ્ટ કલેક્શન, જાહેર પુસ્તકાલય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પોસ્ટ ઓફિસ, બેન્ક, ગૌશાળા તેમજ પ્રાથમિકથી લઈ માધ્યમિક શાળા સુધીની સુવિધાઓ મળી રહી છે.

ગ્રીન ભીમાસર પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો

આજે ગોલબલ વોર્મિંગ સમગ્ર વિશ્વ માટે એક મોટી સમસ્યા બની છે, ત્યારે વધુમાં વધુ વૃક્ષો વાવીને ગ્રીન કવર વધારવા માટે ગ્રામજનો દ્વારા પરિવાર દીઠ 10 વૃક્ષોનું વાવેતર થકી ગ્રીન ભીમાસર પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત ગામની 200 એકર ગૌચર જમીનમાં વ્રજ ભૂમિ ફાર્મ બનાવીને તળાવના પાણીના ઉપયોગથી તેમાં ગાયોને ચરવા માટે ઘાસ ઉગાડવામાં આવ્યું છે. જેનાથી ગામના પશુઓને ઘાસ તો મળે જ છે, પણ ગામના જ લોકોને રોજગારી પણ મળી રહી છે.

ગુજરાત માટે જ નહીં, પણ સમગ્ર દેશ માટે એક પ્રેરણાસ્ત્રોત

આ જમીન પર ભવિષ્યમાં દબાણ ન થાય તે માટે ફરતી બાજુ 10 હજાર વૃક્ષોનું વાવેતર કરીને આર.સી.સીના પિલર પણ ઊભા કરવામાં આવ્યા છે. વધુમાં, ગામમાં છેલ્લા ત્રણ વર્ષોમાં જાહેર-ખાનગી ભાગીદારી થકી છ નવા તળાવો બનાવવામાં આવ્યા છે, તેમજ ચાર તળાવોના ઊંડાણનું કાર્ય પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આમ ભીમાસર ગામ માત્ર ગુજરાત માટે જ નહીં, પણ સમગ્ર દેશ માટે એક પ્રેરણાસ્ત્રોત છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત@2047'ના વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ફાળો આપી રહ્યું છે.