OPEN IN APP

Abdel Fattah El Sisi: પહેલી વખત કોઈ મુસ્લિમ દેશના રાષ્ટ્રપતિને PM મોદીએ ગણતંત્ર દિવસ પર બનાવ્યા ચીફ ગેસ્ટ, જાણો ઈજિપ્તના રાષ્ટ્રપતિ અંગે

By: Jignesh Trivedi   |   Updated: Fri 27 Jan 2023 09:42 AM (IST)
know-about-republic-day-guest-abdel-fattah-el-sisi-how-he-become-egypt-president-82756

Abdel Fattah El Sisi: ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ સીસી (Abdel Fattah El Sisi) ભારતની મુલાકાત અંતર્ગત નવી દિલ્હી પહોંચી ગયા છે. અલ સીસી ગણતંત્ર દિવસના ભારતના મુખ્ય અતિથિ છે. આ પહેલી વખત છે કે ઈજિપ્તના રાષ્ટ્રપતિ ભારતના ગણતંત્ર દિવસ પર ચીફ ગેસ્ટ બનીને આવ્યા છે. જે સમયમાં ઈજિપ્તના રાષ્ટ્રપતિને ભારતે ચીફ ગેસ્ટ તરીકે બોલાવ્યા છે તે પણ ખાસ છે. ઈજિપ્ત હાલ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે અને અનેક આરબ દેશની મદદથી પણ સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. હાલમાં જ ભારતે જ્યારે ઘઉં પર નિકાસ પ્રતિબંધ મૂક્યો હતો ત્યારે ઈજિપ્તને (Abdel Fattah El Sisi) ઘઉંના અનેક ટનની ખેપ મોકલવામાં આવી હતી.તો ચાલો જાણીએ ભારતના મહેમાન બનીને આવેલા અલ સીસી અંગે….

અલ સીસીનું શરૂઆતનું જીવન
અલ સીસી ઈજિપ્તમાં એક પ્રભાવશાળી નેતા ગણાય છે,જેમણે દેશમાં રાજકીય સ્થિરતા ઊભી કરી છે. કહેવાય છે કે ઈજિપ્તની સત્તા પર અલ સીસીની પકડ મજબૂત છે. રાષ્ટ્રપતિ બન્યા તે પહેલા અલ સીસી ઈજિપ્તની સેનાના પ્રમુખ હતા, જેમણે જુલાઈ 2013માં રાષ્ટ્રપતિ મોહમ્મદ મોર્સીને સત્તા પરથી ઉખેડી ફેંક્યા હતા. તેના એક વર્ષ બાદ તેઓએ ઈજિપ્તનું સુકાન પોતાના હાથમાં લઈ લીધું હતું.

અલ સીસીનો જન્મ 1954માં કાહિરાના ગમલેયા વિસ્તારમાં થયો હતો. સીસીનો પરિવાર ઈસ્લામને માનનારો એક ધાર્મિક પરિવાર હતો. તેમના પિતા ફર્નીચરનું કામ કરતા હતા અને પરિવારનું ભરણપોષણ કરી શકે તેટલું કમાઈ લેતા હતા. સીસી ભણવામાં ઘણાં સારા હતા અને નાનપણથી જ તેમનો ઝુકાવ સેના તરફ હતો.

1977માં સીસીએ ઈજિપ્તની સૈન્ય એકેડમીમાંથી સ્નાતક સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો અને તે બાદ તેઓ આર્મીમાં જોઈન થઈ ગયા. આ દરમિયાન તેમણે એક મશીનીકૃત ડિવિઝનની કમાન સંભાળી. સીસી ઘણાં જ શાર્પ માઈન્ડના હતા અને જોતજોતમાં તેઓ સેનાના ઉચ્ચ પદે પહોંચી ગયા. તેઓ સાઉદી આરબમાં રાજનાયિક સૈન્ય ચીફ ઓફ સ્ટાફ તરીકે નિયુક્ત થયા અને પછી ઈજિપ્તની ઉત્તરી મિલિટ્રી ઝોનના કમાન્ડર તરીકે સેવા આપી.

તેમના ઉમદા કામને જોતા તેઓ ટૂંક સમયમાં જ ઈજિપ્તની મિલિટ્રી ઈન્ટેલિજન્સના પ્રમુખ બની ગયા. સેનામાં ઉચ્ચ પદે આગળ વધતાની સાથે સાથે તેઓએ પોતાનો અભ્યાસ યથાવત રાખ્યો. બ્રિટનની સ્ટાફ કોલેજમાં તેમણે અભ્યાસ કર્યો અને વર્ષ 2005માં પેન્સિલવેનિયાની આર્મી કોલેજમાંથી તેમણે માસ્ટર્સ ડિગ્રી મેળવી.

અલ સીસીની રાજકીય સફર
બીબીસીના એક રિપોર્ટ મુજબ અલ સીસીની રાજકીય સફર વર્ષ 2011થી શરૂ થવા લાગી. જ્યારે તેમણે સેનામાં જનરલ પદે હતા ત્યારે સશસ્ત્ર દળની સર્વોચ્ચ પરિષદ (SCAF)ના સભ્ય બનાવવામાં આવ્યા. તે જ વર્ષે આરબ સ્પ્રિંગનું આંદોલન પણ ઈજિપ્તમાં શરૂ થયું અને લોકો તત્કાલિન રાષ્ટ્રપતિ હોસ્ની મુબારક વિરૂદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા. મુબારકને રાજીનામું આપવું પડ્યું અને SCAFએ શાસન કરવાનું શરૂ કરી દીધું. સત્તારુઢ સૈન્ય પરિષદ પહેલાથી વધુ અધિકાર પોતાના હાથમાં લઈ લીધા. ઈજિપ્તમાં તે દરમિયાન મુસ્લિમ બ્રધરહુડનો પ્રભાવ ઘણો જ વધી ગયો હતો. બ્રધરહુડની રાજકીય પકડ પણ મજબૂત હતી.

જનરલ અલ સીસી એક કટ્ટર મુસ્લિમ હતા અને આ કારણે જ સેનાએ તેમનો ઉપયોગ મુસ્લિમ બ્રધરહુડ સાથે સંપર્ક રાખવા માટે કર્યો. મુસ્લિમ બ્રધરહુડ ઈજિપ્તમાં ઈસ્લામિક આંદોલનને પ્રોત્સાહન આપનારું સંગઠન હતું, જેને હવે પ્રતિબંધિત કરી દેવાયું છે. જૂન 2012માં મુસ્લિમ બ્રધરહુડના પ્રમુખ મોહમ્મદ મોર્સી ઈજિપ્તના રાષ્ટ્રપતિ બન્યા.

મોર્સી અને સીસીના સંબંધ
અબ્દેલ ફતેહ અલ સીસી કોલેજના દિવસોથી જ ઈસ્લામ પ્રત્યે વધુ આસ્થા રાખતા હતા. આ દરમિયાન તેમણે મધ્ય પૂર્વમાં લોકતંત્ર નામના એક શોધપત્ર લખ્યું. પોતાના શોધપત્રમાં તર્ક આપ્યો કે ઈજિપ્તમાં લોકતંત્રમાં ધાર્મિકતા જોવા મળવી જોઈએ. તેમણે કહ્યું હતું કે લોકતાંત્રિક સરકારે ધર્મનિરપેક્ષતાનું પાલન નથી કરતી જેનાથી વસતિના મોટા ભાગના લોકો પોતે છેતરાયા હોવાનું અનુભવે છે.

મુસ્લિમ બ્રધરહુડ જેઓ ઈજિપ્તમાં ઈસ્લામિક શાસનની તરફેણ કરતા હતા, સીસીના વિચારોથી પ્રભાવિત હતા. સીસીના શરૂઆતના વિચારોને કારણે તત્કાલીન રાષ્ટ્રપતિ મોર્સી તેમની ઘણી નજીક રહ્યાં. તેમણે સીસીને તાત્કાલિક સેનાના પ્રમુખ અને રક્ષા મંત્રી બનાવી દીધા. આ પક્ષપાતને કારણે લોકો તેમણે મોર્સીના માણસ કહેવા લાગ્યા.

ઈજિપ્તમાં સેનાએ કર્યો સત્તાપલટો
ઈજિપ્તની સેના હંમેશાથી મુસ્લિમ બ્રધરહુડને શંકાની નજરેથી જોતી હતી અને સીસીનું આખું જીવન સેનામાં જ વિત્યું હતું. તેઓ ભલે જ કટ્ટર મુસ્લિમ હતા પરંતુ મનમાં કયાંકને કયાંક મુસ્લિમ બ્રધરહુડ પ્રત્યે નફરત પણ હતી. બીજા જ વર્ષે મુસ્લિમ બ્રધરહુડની સરકાર વિરૂદ્ધ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો શરૂ થયા.

લોકો ક્રૂર શરિયા શાસન અને નબળી આર્થિક સ્થિતિને લઈને રસ્તા પર ઉતરી આવ્યા અને મોર્સીના રાજીનામાની માગ કરવા લાગ્યા. જૂન 2013ના અંતમાં પ્રદર્શન વધુ ઉગ્ર બન્યા, જેને જોતા જનરલ સીસીએ ચેતવણી આપી કે જો સરકારે લોકોની ઈચ્છાને માન ન આપ્યું તો સેના હસ્તક્ષેપ કરશે.

3 જુલાઈ 2013નાં રોજ જનરલ સીસીએ પોતાના એક ટેલીવિઝન ભાષણમાં જાહેરાત કરી કે રાષ્ટ્રપતિ મોર્સીને પદ પરથી હટાવી દેવામાં આવ્યા અને બંધારણને રદ ગણાવી દીધું. ઈજિપ્તમાં એક ઈન્ટરિમ સરકારની સ્થાપના કરવામાં આવી. આ સમાચારથી ઈજિપ્તના લોકો ઘણાં ખુશ થયા અને લોકોએ કહેવાનું શરૂ કર્યું કે ઈજિપ્તના લોકો અને તેની સેના એકસાથે છે. મોર્સીએ આ ઘટનાને સૈન્ય દ્વારા સત્તાપલટો ગણાવ્યો. જે બાદ સેનાએ મુસ્લિમ બ્રધરહુડ પર પ્રતિબંધ મૂકી દીધા અને કેટલાંક નેતાઓને જેલમાં મોકલી દીધા.

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઉતર્યા સીસી
જાન્યુઆરી 2014માં સીસીને ફીલ્ડ માર્શલ બનાવવામાં આવ્યા. આ પદ ઈજિપ્તની સેનાનું સર્વોચ્ચ પદ છે. જેના બે મહિના પછી જ સીસીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું અને ચૂંટણી લડવાની તૈયારીમાં લાગી ગયા. સીસી 97% મતની સાથે મે 2014માં ઈજિપ્તના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. તેમને રાષ્ટ્રપતિ બનાવવામાં સેનાની મોટી ભૂમિકા છે.

સીસીના શાસનમાં ઈજિપ્તની સ્થિતિ
સીસી ઈજિપ્તાના લોકોને શિક્ષણ, રોજગારી, ઘર જેવા સપનાંઓ દેખાડીને સત્તા પર આવ્યા પરંતુ થોડાં વર્ષોમાં જ લોકોના સપનાં તૂટી ગયા. સત્તામાં આવ્યા બાદ સીસી સેના પર વધુ ધ્યાન આપવા લાગ્યા. તેમણે ઈજિપ્તની સેનાને મજબૂત બનાવી અને તેમના પર દેશનું ધન ખર્ચ કર્યું. ઈજિપ્તના અમીર વધુ અમીર અને મધ્યમ વર્ગ ગરીબ બનતો ગયો.

સીસીએ રાજધાની કાહિરાની પાસે જ અબજો ડોલરના ખર્ચે એક નવી આર્થિક રાજધાની બનાવી. તેમણે 23 અબજ ડોલરનો ખર્ચ કરીને દુનિયાની સૌથી લાંબી ચાલક રહિત મોનોરેલની શરૂઆત કરી. સીસીએ અનેક રાષ્ટ્રીય મેગા પ્રોજેક્ટ પર અબજોનો ખર્ચ કર્યો. તેનાથી સામાન્ય લોકોને કોઈ જ લાભ ન થયો.

સીસીની આર્થિક નિષ્ફળતાથી દેશની અર્થવ્યવસ્થાને મોટો ધક્કો લાગ્યો અને તેમણે વર્ષ 2016માં IMFની પાસે જવું પડ્યું. IMFએ કડક શરતોની સાથે ઈજિપ્તને લોન આપી. ઈજિપ્ત 2016 પછી ત્રણ વખત IMFની પાસેથી લોન લીધી છે. IMFએ કડક શરતોના આધારે ઈજિપ્તને લોન આપી રહ્યું છે. IMPની શરતોને કારણે ઈજિપ્તની મુદ્રા પાઉન્ડમાં ભારે ઘટાડો આવ્યો અને તેનાથી મોંઘવારી આસમાને સ્પર્શી ગઈ.

દેશમાંથી વિદેશી રોકાણ પણ ઘણું જ ઘટી ગયું છે કેમકે સીસીએ પોતાની ખોટી આર્થિક નીતિઓને કારણે ખાનગી ક્ષેત્રને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. ઈજિપ્તની અર્થવ્યવસ્થા પર સેના અને સરકારી કંપનીઓનું પ્રભુત્વ છે અને ખાનગી ક્ષેત્રનો દબદબો છે. ઈજિપ્ત પર હાલ 155 અબજ ડોલરથી વધુનું દેવું છે જેનું ઋણ ચુકવવામાં તેમની રાષ્ટ્રીય આવકનો એક તૃતિયાંશ ભાગ ખતમ થઈ જાય છે.

કોરોના મહામારી, રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ઈજિપ્તના પર્યટન ક્ષેત્રે પણ ખરાબ અસર પહોંચાડી છે. ઈજિપ્ત દુનિયામાં સૌથી મોટું ઘઉંનું આયાતકાર હતું જે રશિયા અને યુક્રેનમાંથી પોતાના માટે ઘઉં ખરીદતા હતા પરંતુ બંને દેશ વચ્ચે યુદ્ધના કારણે ઈજિપ્તને મોટો ઝાટકો લાગ્યો છે. ઈજિપ્તમાં ઘઉં સહિત તમામ ખાદ્યન્નોની મુશ્કેલી વધી ગઈ છે.

સીસી પર માનવાધિકારના ઉલ્લંઘનનો આરોપ
વધતી મોંઘવારી અને બેરોજગારીથી ઈજિપ્તના લોકોમાં સીસી પ્રત્યે ઘણો ગુસ્સો છે. લોકો પોતાની જરૂરિયાતનો સામાન નથી ખરીદી શકતા. ખાવા-પીવાની વસ્તુઓને ખરીદવામાં પણ લોકોને કાપ મુકવો પડી રહ્યો છે. પરંતુ લોકો સીસીની સરકાર વિરૂદ્ધ મોટી સંખ્યામાં પ્રદર્શન પણ નથી કરી શકતા. વર્ષ 2013માં જ એક કાયદો બનાવીને ગેરકાયદે પ્રદર્શન પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

જો કે વર્ષ 2016માં જ્યારે સીસીએ લાલ સાગરના બે દ્વીપની સંપ્રભુતા સાઉદી આરબને આપી હતી ત્યારે લોકોએ કાયદાનો ભય છોડીને રસ્તા પર ઉતરી આવ્યા હતા. સીસીની સરકારે પ્રદર્શનોને કડકપણે દબાવી દીધા હતા. સીસી પર માનવાધિકારના ઉલ્લંઘન અને ભ્રષ્ટાચારનો આરોપ છે જેનો તેઓ ઈનકાર કરે છે. સીસીએ દેશમાંથી વિપક્ષને પણ સમાપ્ત કરી દીધું છે અને ઘણાં વિપક્ષી નેતાઓને જેલમાં નાખી દીધા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે સીસીને ગણાવ્યા હતા સરમુખત્યાર
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કથિત રીતે સીસીને સરમુખત્યાર ગણાવ્યા હતા. ધ વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટ મુજબ વર્ષ 2019માં જ્યારે તત્કાલીન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સીસી સાથેની મુલાકાત માટે રાહ જોઈ રહ્યાં હતા ત્યારે તેમણે કહ્યું હતું- "ક્યાં છે મારા ફેવરીટ સરમુખત્યાર." જો કે વ્હાઈટ હાઉસે ધ વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટમાં સામેલ આ કોમેન્ટને ફગાવી દીધી હતી.

સીસી ઈજિપ્તની સત્તા પર વર્ષ 2030 સુધી યથાવત રહી શકે છે, જે માટે તેમણે બંધારણમાં ફેરફાર પણ કર્યા છે. વર્ષ 2024માં ઈજિપ્તમાં ચૂંટણી થવાની છે જેમાં પુરી શક્યતા છે કે સીસી જ ફરીથી રાષ્ટ્રપતિ પદે ચૂંટાશે.

ઝડપી અને વિશ્વનિય સમાચાર માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો

ટેલિગ્રામ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગુજરાતી જાગરણનું ગ્રુપ જોઈન કરો.

ફેસબુક પર ગુજરાતી જાગરણને ફોલો કરવા અહીં ક્લિક કરો.

ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો..

Related Reads
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.