જાગરણ સ્પેશિયલઃ કૌશિક ભરવાડ એક સમયે અમદાવાદમાં ઉજાલાથી ગોતા રિક્ષાના ફેરાં કરતા, સિંગર બન્યા બાદ આજે જીવે છે વૈભવી લાઈફસ્ટાઈલ

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Mon, 09 Sep 2024 08:36 AM (IST)Updated: Mon, 09 Sep 2024 10:49 AM (IST)
gujarati-singer-kaushik-bharwad-interview-on-gujarati-jagran

Kaushik Bharwad Interview: છેલ્લાં કેટલાક દિવસથી સોશિયલ મીડિયામાં લોકો 'મારે કપડાં મેચિંગ કરવા છે…' પર અઢળક રીલ્સ બનાવી રહ્યા છે. આ ગીત બાળકોથી યંગસ્ટર્સ સુધીના લોકોને પસંદ આવી રહ્યું છે. ત્યારે આ ગીત ગાનારા કૌશિક ભરવાડની સંઘર્ષથી સફળતા વિશે જણાવીએ. મહત્ત્વનું છે કે, દૈનિક જાગરણના ડિજિટલ વિંગ ગુજરાતી જાગરણને આજે એટલે કે, 9 સપ્ટેમ્બરે બે વર્ષ પૂર્ણ થતાં અને ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ વખતે કૌશિક ભરવાડે ગુજરાતી જાગરણ સાથે ખાસ વાતચીત કરી છે અહીં એમના શબ્દશઃ રજૂ કરી રહ્યા છીએ.

સવાલઃ મૂળ ક્યાં ગામના વતની છો, પરિવારમાં કોણ-કોણ છે અને ક્યાં સુધી અભ્યાસ કર્યો છે?
કૌશિક ભરવાડઃ
મારું મૂળ વતન સાણંદ તાલુકાનું દરણ ગામ છે. જોકે, હું ચાચરાવાડી વાસણા અને બાવળામાં વધારે રહ્યો છું. હું ભરવાડ સમાજમાંથી છું એટલે અમારે પશુપાલન અને ખેતીનો ધંધો છે. હું ચોથું ધોરણ નાપાસ છું પણ મારા પિતાએ મને સારા સંસ્કાર આપ્યા છે. ઘણા સંઘર્ષવાળી પરિસ્થિતિ હોવાથી એ મુજબનું ભણતર થયું. મેં ઘણાં વર્ષ સુધી રિક્ષા પણ ચલાવી છે. એવું કહેવાય છે કે, દિવસ પછી રાત છે અને રાત પછી દિવસ છે. જીવનમાં તકલીફ હશે તો કંઈક નવું કરીને આગળ આવી શકશો. મારા ફાધર વેલ સેટ હોત તો મેં આટલી સ્ટ્રગલ કરી ના હોત અને આજે હું સિંગર ના હોત કેમ કે, કાંઈ જરૂર પણ ના હોત. કોઈ પણ માણસ ટોચ પર પહોંચે તેની સંઘર્ષની લાઈફ ખૂબ જ હોય છે. મને ગાવાનો શોખ ખૂબ હતો અને લોકો આ રીતે સ્વીકારશે એવી અપેક્ષા પણ નહોતી.

સવાલઃ નાના હતા ત્યારથી તમને ગાવાનો શોખ હતો ત્યારે તમને કયા સિંગર તમને સાંભળવા ગમતા?
કૌશિક ભરવાડઃ
હું નાનો હતો ત્યારે ગુજરાતી સિંગરોમાં ઘણાં સિંગરોને સાંભળ્યા છે. મારી શરૂઆત થઈ ત્યારે ટોપ 10 કલાકારોમાંથી ઉત્તર ગુજરાતના ઘણાં કલાકારો હતાં. ગુજરાતના તમામ કલાકારોને સાંભળીને હું શીખ્યો છું અને હું કંઈક છું એવું રાખતો નથી. કારણ કે, હું પણું આવી જાય એટલે માણસને અભિમાન આવી જાય. અત્યારે સોશિયલ મીડિયામાં જેના ગીત સારા ચાલતા હોય તે સાંભળીને તૈયારીઓ કરું છું. પબ્લિક સામે હંમેશા નવું આપવાનો પ્રયત્ન કરું છું. મારે આ લાઈનમાં 10 વર્ષ થઈ ગયા છે. મને સતત ગરબા અને DJના પ્રોગ્રામ મળવાનું કારણ છે કે, હું સમય સાથે અપડેટ રહું છું. લોકોની દરેક ફરમાઈશ હું પૂરી કરું છું.

સવાલઃ તમને સ્ટેજ મળ્યું ત્યાં સુધી કયું ગીત તમને સૌથી વધુ ગમતું હતું?
કૌશિક ભરવાડઃ
નાનો હતો ત્યારે ઘણાં ગીતો હતા પણ, અમારા ભરવાડ સમાજમાં વિરેન પ્રજાપતિએ ગાયેલું ગીત ચાલતું હતું. થરા અમારા સમસ્ત ભરવાડ સમાજનો ગુરુદ્વારો છે. વિરેનભાએ ગાયેલું ઝાલાવાડી ઢોલ રૂડા વાગે ગોવાળિયા… આ ગીત મને ખૂબ જ ગમતું હતું. મારા સમાજમાં વનાભાઈ અને ખીમજીભાઈ સહિતના અત્યારે ઘણાં સિંગર છે. જેનો મને પણ ગર્વ છે.

સવાલઃ તમારા બાળપણથી અત્યારસુધીની તમને યાદ હોય એવી મોમેન્ટ કઈ હતી?
કૌશિક ભરવાડઃ
તે વખતે મારે ગાયો ચરાવવા જવાનું થતું, હું એસ. જી. હાઈવે પર ઉજાલા, સરખેજથી ગોતા સુધી રિક્ષા ચલાવતો હતો. કોઈપણ નવા ગીતો આવે તો એના રાગ પરથી લાઈનો લખી નાંખતો અને ગાતો હતો. આ સાંભળી મારા મિત્રો અને લોકો કહેતા કે જબરદસ્ત ગાય છે. આ પછી મારા મિત્ર છે ભરતભાઈએ મારો આલ્બમ ઠાકર કરે ઈ ઠીક બનાવી હતી. રાજુભાઈ છે તેમણે DJ દ્વારકાવાળો, દોસ્ત મારો જિગરજાન લાખોમાં એક આ બધા ગીતો મારા ખૂબ ચાલ્યા હતાં. એ વખતે હું શોખથી ગાતો હતો અને મોટો સિંગર બનીશ એવું વિચાર્યું નહોતું. કોઈપણ સ્ટેજ પર આપણે ગયા હોય ત્યારે ચાર કલાકારો આપણાથી મોટા હોય એટલે એમનું પતે પછી છેલ્લે આપણો વારો આવે. પણ મનથી ક્યારેય હાર્યો નથી, કારણ કે, લોકો સામે તમારું ટેલેન્ટ બતાવવાનું હોય છે.

સવાલઃ કેવો સંઘર્ષ કર્યા પછી પહેલીવાર સ્ટેજ પર ગાવાની તક મળી?
કૌશિક ભરવાડઃ
પહેલાં બેન્ડનો જમાનો હતો ત્યારે કોઈના લગ્ન પ્રસંગમાં ગીત ગાતો હતો. 2011-12માં બાવળા સમુહ લગન હતા. અમારા સમાજના સિંગરોનો ડાયરો હતો. ત્યારે મારા સમાજના ઘણાં આગેવાનોએ મને મોકો આપ્યો હતો. મેં સ્ટેજ પર અમારા ભરવાડ સમાજના ટાટમ્બરી બાપુ ગોકુળ-મથુરામાં છે તેમના માટે ગીત ગાયું હતું. એ ત્યાં હાજર પબ્લિકને ખૂબ ગમ્યું હતું. આ ગીતના શબ્દો હતા કે, મુંધવા કુળમાં જન્મ્યા એનું ટાટમ્બરી છે નામ…

સવાલઃ જાહેર પ્રોગ્રામ તમને કેવી રીતે મળતા થયા?
કૌશિક ભરવાડઃ
પહેલાં હું પૈસા માટે ગાતો નહોતો એટલે નાના મોટા ફંક્શનમાં મને મોકો મળતો હતો ત્યારે બે-ચાર ગીતો ગાતો હતો. આ લોકોને ગમતાં મારું મનોબળ વધ્યું અને મેં તૈયારીઓ ચાલું કરી હતી. અમદાવાદનું ખેલૈયા સાઉન્ડ વિજય ચૌધરી તેમણે મને સ્ટેજ પર કેવી રીતે પર્ફોમ કરવું સહિતની વસ્તુ શીખવાડી હતી. આમ અમારા ગ્રુપે મને ખૂબ જ સપોર્ટ કર્યો છે.

સવાલઃ તમારો પહેલો આલ્બમ કેવી રીતે બન્યો?
કૌશિક ભરવાડઃ
મારી પહેલો આલ્બમ બન્યો એની આખી ઘટના એવી છે કે, હું એસ. જી. હાઈવે પર ઉજાલા-સરખેજથી ગોતા સુધી રિક્ષાના ફેરા કરતો હતો અને ગાતો પણ હતો. મારા મિત્ર છે બળદેવભાઈ તેમણે મને હેબતપુરમાં બાદલભાઈના લગ્નમાં બોલાવ્યો હતો. ત્યાં મેં બે-ચાર ગીતો ગાયા અને લોકોને ખૂબ મજા આવી હતી. બીજા દિવસે મને કહ્યું કે, તમે સાંજે સારું ગાયું હતું અને ટાઈમ હોય તો દિવસે ફરી આવજો. આ પછી મારા મિત્ર ભરતભાઈ હતા. જે થોડાક સમય પહેલાં દેવલોક પામ્યા છે. તેમણે મને એ વખતે એવું કહ્યું હતું કે, મારે તમારો આલ્બમ બનાવવો છે. મેં કહ્યું કે, પણ મારી પાસે તો કંઈ છે નહીં હું તો 500 રૂપિયા કમાઉ છું અને એમાં ખુશ છું. પણ એમને કહ્યું કે, તમારામાં ટેલેન્ટ છે એ લોકો સામે લાવવું છે અને જે ખર્ચો થાય એ હું કરીશ અને તારી લાઇફ બનતી હોય તો મારે 50 હજાર કે લાખ રૂપિયા બગડે.

આ પછી તેમણે મારો પહેલો આલ્બમ બનાવ્યો ઠાકર કરે ઈ ઠીક. અમે CNG રિક્ષા પાછળ લખેલું હતું અને મેં ટાઈટલનું નામ આપ્યું અને અમારું ગીત પણ ઠાકર કરે ઠીક મને કોઈની નથી બીક. આ પછી મારા મિત્ર રાજુભાઈ DJ દ્વારકાવાળઓ આલ્બમ બનાવ્યો. અનિલભાઈ મીરે ફાઈવસ્ટાર આલ્બમ બનાવ્યો. કેતનભાઈએ દોસ્ત મરો જિગરજાન આલ્બમ બનાવ્યો આ બધા મિત્રોના આશીર્વાદથી આજે હું અહીં છું. મારો ગમે એવો સમય આવે પણ એ લોકો મારા દિલમાં આજે પણ છે. હું ક્યારેય કોઈને ભૂલ્યો નથી. એ મારો સમય ભૂલ્યો નથી. કેમ કે આ દરેક મિત્રોએ સંઘર્ષમાં સાથ આપ્યો છે.

સવાલઃ તમારા સંઘર્ષ દરમિયાનની કઈ વાત તમે ભૂલી શક્યા નથી?
કૌશિક ભરવાડઃ
હું જ્યારે એસ. જી. હાઈવે પર ઉજાલા-સરખેજથી ગોતા સુધી રિક્ષા ચલાવતો ત્યારે છ-સાત મિત્રો મારી સૌથી નજીક હતા. ત્યારે મારો પહેલો આલ્બમ ઠાકર કરે ઠીક…ની કેસેટ અમે કંકોત્રી લોકોને આપતા હોય તેમ આપવા જતાં હતાં. તે વખતે નવું નવું હતું ત્યારે લોકો જલદી સ્વીકારતા નહોતા. પણ ધીમે-ધીમે લોકોને મારો અવાજ ગમ્યો હતો. અત્યારે આ દરેક ફ્રેન્ડ મને ફોન કરે અને કહે કે, પહેલાં આપણે કેવી રીતે કેસેટ વેચતા હતા. આજે હું આજે લેવલે છું તે મારા સંઘર્ષમાં સાથ આપનારા મિત્રોને લીધે જ છું. મારા ઘણાં મિત્રોએ હું આગળ આવું એ માટે બાધા પણ રાખી છે. મારી સફળતામાં મારા ભગવાન-માતાજી, માતા-પિતા અને મિત્રોનો આશીર્વાદ છે.

સવાલઃ તમને કપડાં મેચિંગ કરનારી મળી ગઈ છે અને ક્યાં છે?
કૌશિક ભરવાડઃ
મારે સમાજની રીત-રિવાજ પ્રમાણે લગ્ન થઈ ગયા છે. મારે 12 વર્ષનો એક છોકરો છે અને 9 વર્ષની એક છોકરી છે. મારા માટે દિલનો ધબકારો ગણું કે, મીઠુંડી ગણું એ મારી પત્ની જ છે.

સવાલઃ તમારું ગીત વાઈરલ થયા બાદ ફિલ્મમાં સોંગ માટે ઓફર આવી કે નહીં?
કૌશિક ભરવાડઃ
કપડાં મેચિંગ થયાં પછી મને પાંચ-છ પ્રોડ્યુસરના ગીત અને ફિલ્મ કરવા માટે ઓફર આવી છે. પણ, મારે અર્બન મૂવી કરવી છે કારણ કે, ગુજરાતમાં ચાલે છે. અત્યારે મૂવી કરવાનો સમય નથી સમય આવશે ત્યારે ચોક્કસ મૂવી પણ કરીશ. અત્યારે હું સોંગમાં ખૂબ ધ્યાન આપું છું.

સવાલઃ તમારા ગીતમાં રૂરલ અને અર્બન ઓડિયન્સ કેટલો અંતર છે?
કૌશિક ભરવાડઃ
ગુજરાતમાં એવો કોઈ અંતર નથી કેમ કે, તમારું કન્ટેન્ટ સારું હોવું જોઈએ. આ પહેલાં મેં ઘણાં ગીત ગાયા છે પણ નોંધ નથી લેવાઈ. કપડાં મેચિંગ કરવા છે એની આખા ગુજરાતે નોંધ લીધી છે. ગુજરાત એક જ છે. આખા ગુજરાતમાં રૂરલ અને અર્બન ફિલ્મમાં ફેર છે તેમ તમારા કન્ટેન્ટ પરનું મહત્ત્વ છે.

સવાલઃ આગામી સમયમાં આપના કયા આલ્બમ રિલીઝ થશે?
કૌશિક ભરવાડઃ
અત્યાર સુધી મારા 100થી વધુ આલ્બમ આવી ગયા છે. આગામી સમયમાં જશવંત ગાંગાણીએ મારા 40 જેટલા સોંગ રેકોર્ડ કર્યા છે. એમાંથી 5 સોંગ દિવાળી પછી રિલીઝ થશે. ટોટલ 50-60 જેટલા સોંગ પેન્ડિંગ પડ્યા છે. વચ્ચે જ્યારે મારો સમય થોડોક ખરાબ થયો ત્યારે જશવંતભાઈ ગાંગાણીએ મને સપોર્ટ કર્યો છે. મારી ઈચ્છા છે કે, જ્યારે પણ ફિલ્મ કરું ત્યારે જશવંતભાઈ ગાંગાણી સાથે કરું.

સવાલઃ નવરાત્રીમાં આ વખતે તમે ક્યાં-ક્યાં પર્ફોમ કરશો?
કૌશિક ભરવાડઃ
નવરાત્રીમાં મારા ત્રણ-ચાર પ્રોગ્રામ છે. જેમાં દયાવાન, બસેરા,વિરમગામ IPS સ્કૂલ, ગાંધીનગરમાં અને બીજા ત્રણ-ચાર પ્રોગ્રામ ગામડાઓમાં છે. ટૂંકમાં 10 દિવસ પ્રોગ્રામ છે. આ પછી દેવ દિવાળી સુધી પ્રોગ્રામ છે.

સવાલઃ નવરાત્રીમાં આ વખતે તમને નવરાત્રી માટે ઓફર આવી છે?
કૌશિક ભરવાડઃ
વિદેશમાં નવરાત્રી માટે મને UK, કેનેડા અને અમેરિકાથી મને નવરાત્રી માટે ફોન આવ્યા છે. જવાનું હજુ ફાઈનલ થયું નથી. વિદેશમાં ગરબા માટે પર્ફોમ કરવાની મારી ઈચ્છા છે.

સવાલઃ એક સોંગ પછી આટલી સફળતા મળી છે, તેને ટકાવી રાખવા શું-શું ધ્યાન રાખી રહ્યા છો?
કૌશિક ભરવાડઃ
દરેક માણસના વિચાર અલગ-અલગ હોય છે. અમે સતત ટ્રેન્ડિંગમાં રહેવા માટે મહેનત કરીએ છીએ. તો પબ્લિક તમને હીરો બનાવે છે. મારો શૉ હોય કે, હું ક્યાં નીકળ્યો હોય ત્યારે લોકો મારી પાસે આવે અને સેલ્ફી પડાવે રીલ બનાવે તો હું ક્યારેય કોઈને ના પાડતો નથી અને બધા સાથે સારો વ્યવહાર કરું છું. કારણ કે, પબ્લિક છે તો આપણે છીએ. એટલે એક ગીત ચાલવાથી એવું નથી હોતું કે, મારે હવામાં ઉડવાનું. હવામાં ઉડીએ તો સ્વભાવિક છે કે, ગમે ત્યારે પડીએ. સતત મહેનત કરવી જરૂરી છે. પબ્લિક સાથે હળીમળીને રહવામાં મજા છે. અભિમાન આવે એટલે ત્યાંથી તમારી પડતીનાં એંધાણ છે એટલે ઓવર કોન્ફિડન્સ રાખવો નહીં. એટલે પબ્લિકને દિલથી આદર અને માનસન્માન આપું છું.

સવાલઃ એક કલાકાર તરીકે હવે તમારું ફ્યૂચર ગોલ શું છે અને પરિવારનો કેવો સપોર્ટ રહેશે?
કૌશિક ભરવાડઃ
મારા પરિવારે મને બધી રીતે સપોર્ટ કર્યો છે. મારા માતા-પિતાએ કહ્યું છે કે, જીવનમાં કોઈનું ખોટું કરવાનું નહીં. કર્મ સારું હશે તો સફળ થશો. અત્યારે છું એવોને એવો જ રહીશ હંમેશા માટે. મારા શ્રોતાઓ માટે કૌશિક ભરવાડ જે છે એ જ રહેશે.