કિશન પ્રજાપતિ, અમદાવાદ.
US President Donald Trump Invitation: અમેરિકામાં ટ્રમ્પ ફરી સત્તામાં આવ્યા બાદ એક પછી એક મોટા નિર્ણયો કરી રહ્યા છે. જેમાં ગેરકાયદે રહેતાં ભારતીયો ઉપરાંત અનેક દેશના નાગરિકોને છેલ્લા બે મહિનાથી ડિપોર્ટ પણ કર્યા છે. આ સિવાય અમેરિકા દ્વારા ટેરિફ પણ લાગૂ કરવામાં આવશે. આ બધાની વચ્ચે દરેક ગુજરાતી અને ભારતીયની છાતી ફુલી જાય એવી ઘટના થવા જઈ રહી છે. મૂળ થરાદના અને હાલ અમદાવાદમાં રહેતા તથા અયોધ્યા રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાનું 84 સેકન્ડનું અભિજિત મૂહુર્ત આપનારા વિશ્વ વોરાને ટ્રમ્પ ફેમિલીએ ઓફિશિયલ પ્રેસિડેન્શિયલ આમંત્રણ આપી અમેરિકા બોલાવ્યા છે. આ માટે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આગામી ટૂંક જ સમયમાં ટ્રમ્પ ફેમિલીને મળશે અને અન્ય કાર્યક્રમોમાં સામેલ થશે.
અમેરિકાના પ્રેસિડેન્શિયલ આમંત્રણ અંગે વિગતવાર વિશ્વ વોરાએ ગુજરાતી જાગરણ સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે 4 દિવસ કયા કાર્યક્રમોમાં સામેલ થશે તે સહિત તેમને કેમ ટ્રમ્પ પરિવારે આમંત્રિત કર્યા તે વિશે જણાવ્યું હતું.
આ પણ વાંચો
ઓફિશિયલ પ્રેસિડેન્શિયલ આમંત્રણ આપીને મને અમેરિકા વિઝિટ માટે બોલાવ્યો
વિશ્વ વોરાએ તેમના અમેરિકા પ્રવાસ વિશે કહ્યું કે, ગત વર્ષે અમેરિકામાં પ્રેસિડેન્શિયલ ચૂંટણી યોજાઈ હતી. એ પહેલાં ભારતના જાણિતા બિલિનિયરને મળવાનું થયું. આ દરમિયાન ટ્રમ્પ સાથે એમના સારા સંબંધ હોવાથી અને તથા ટ્રમ્પનો પોલિટિકલી અને પર્સનલી નબળો સમય ચાલતો હતો. મિ્ત્ર માટે સારું વિચારીને તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની એક્સક્લુઝિવ કુંડળીનો અભ્યાસ કરવા મને આપ્યો હતો. ત્યારબાદ તેનો ફળાદેશ ઈવાંકા ટ્રમ્પને પર્સનલી શેર કર્યો હતો. તે વખતે ફળાદેશમાં જણાવ્યા મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પ પર એક મોટી ઘાત આવી શકે છે અને ટ્રમ્પ ફરી સત્તામાં આવશે જ. જોકે, તે વખતે આ અશક્ય લાગતું હતું. પણ, ફળાદેશ મુજબ બધું થતા ટ્રમ્પ ચૂંટણી જીત્યા અને ફરી અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા. એના કેટલાક મહિના પછી હવે ઔપચારિક મુલાકાત માટે ટ્રમ્પ પરિવાર દ્વારા ઓફિશિયલ પ્રેસિડેન્શિયલ આમંત્રણ આપીને મને અમેરિકા વિઝિટ માટે બોલાવ્યો છે.
વ્હાઈટ હાઉસ વિઝિટ, પેન્ટાગોન વિઝિટ, ન્યૂઝર્સી અને હ્યુસટનમાં પ્રવાસ
વધુમાં વિશ્વ વોરાએ જણાવ્યું કે, ટ્રમ્પ પરિવારનું આમંત્રણ મળ્યા બાદ વિઝા સહિતના અન્ય કામ પૂર્ણ થઈ ગયા છે. આ અમેરિકાની વિઝિટમાં ભારતીય એમ્બેસીના સભ્ય પણ સામેલ હશે. અને ત્યાંથી અમેરિકન કોન્સ્યુલેટ રિસિવ કરશે. અત્યારે પ્રારંભિક રીતે નક્કી થયા મુજબ, આગામી ટૂંક જ દિવસોમાં અમેરિકાનો ચાર દિવસનો પ્રવાસ નક્કી થયેલો છે. જેમાં વ્હાઈટ હાઉસ વિઝિટ, પેન્ટાગોન વિઝિટ, લાઈબ્રેરી વિઝિટ, ન્યૂઝર્સી અને હ્યુસટનમાં પ્રવાસ થશે.
આ ક્ષણ અને ઘટના મારા જીવનમાં અવિસ્મરણીય રહેશે: વિશ્વ વોરા
તો વિશ્વ વોરાએ વધુમાં કહ્યું કે, આ અમેરિકાના પ્રવાસ માટે પ્રોટોકોલ મુજબ ત્યાંથી જણાવ્યા મુજબ, મારા ડ્રેસ કોડ, જૈન ફૂડૈ, રહેવા તથા ટ્રાવેલ સહિતની તમામ વ્યવસ્થાઓ ઉચ્ચતમ પ્રકારની ગોઠવવામાં આવી છે. ભારત અને ભારતીય સંસ્કૃતિ રજૂ થાય એવી ભેટ પણ અહીંથી સાથે લઈ જઈને તેમને આપવાનું નક્કી કરાયું છે. વ્હાઈટ હાઉસ વિઝિટ દરમિયાન વાતચીત વખતે ભારતયી જ્યોતિષ અને પ્રાચીન ધરોહર વૈશ્વિક રીતે કેવી રીતે ઉપયોગી થઈ શકે તે રજૂ કરીશું. વિશ્વએ અંતમાં જણાવ્યું કે, આ ક્ષણ અને ઘટના જે થશે તે મારા જીવનમાં અવિસ્મરણીય રહેશે.
કોણ છે વિશ્વ વોરા?
મૂળ થરાદના વિશ્વ વોરા હાલ અમદાવાદમાં રહે છે. તેમણે સાબરમતી ગુરુકુલમથી જ્યોતિષ અષ્ટાંગ વિદ્યાનો ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. આ દરમિયાન તેમને રાષ્ટ્રપતિ પ્રવણ મુખર્જીના હસ્તે બાલશ્રી એવોર્ડ પણ મળ્યો છે. આ ઉપરાંત ગયા વર્ષે અયોધ્યામાં 500થી વધુ વર્ષની આતૂરતા બાદ રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું 84 સેકન્ડનું સૂક્ષ્મ અભિજિત મુહૂર્ત આપ્યું હતું. આ સિવાય વર્ષ 2024ની ચૂંટણી બાદ સરકારની શપથ વિધિનું મૂહુર્ત પણ વિશ્વ વોરાએ જ આપ્યું હતું. હમણાં થોડાક મહિના પહેલાં જ વિશ્વના સૌથી મોટા બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સની વાસ્તુ શુદ્ધીનું કાર્ય પણ વિશ્વ વોરાએ કર્યું છે. આ સિવાય અનેક કાર્ય તેમના હસ્તે ચાલી રહ્યા છે.
