જો તમારામાં કંઈક કરવાની હિંમત હોય તો તમારા રસ્તાને કોઈ નહીં રોકી શકે. જો કોઈ વ્યક્તિ હાર ન માને અને સતત પ્રયાસ કરતા રહે તો સફળતા નિશ્ચિત મળે છે. દેશની સૌથી મોટી ફાર્મા કંપની સન ફાર્માસ્યુટિકલના ફાઉન્ડર અને એમડી દિલીપ સંઘવીએ પણ આવું જ કરીને બતાવ્યું છે. એક સમય હતો જ્યારે દિલીપ સંઘવી દવાઓનું ડિસ્ટ્રીબ્યૂશનનું કામ કરતા હતા. તેઓ ફાર્મા કંપનીઓની દવાઓનું વેચાણ કરતા હતા. એક દિવસ અચાનક તેમના મનમાં વિચાર આવ્યો કે જો હું બીજાની બનાવેલી દવાઓ વેચી શકું તો મારી પોતાની જ કેમ નહીં. તમને જણાવી દઈએ કે, દિલીપ સંઘવીનો જન્મ ગુજરાતના નાના શહેર અમરેલીમાં થયો હતો.
આ રીતે કરી શરૂઆત
વર્ષ 1982માં તેમણે તેમના પિતા પાસેથી 2000 રૂપિયા ઉધાર લીધા અને તેમના મિત્ર સાથે મળીને ગુજરાતના વાપીમાં તેમની ફાર્માસ્યુટિકલ કંપની સન ફાર્માની શરૂઆત કરી. શરૂઆતમાં કંપનીએ ઘણી બધી જાતની દવાઓ બનાવવાને બદલે સારી ગુણવત્તાવાળી દવાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. કંપનીનું માર્કેટ સારું ચાલી ગયું. બરાબર 15 વર્ષ પછી 1997માં દિલીપ સંઘવીએ ખોટમાં ચાલી રહેલી એક અમેરિકન કંપની કારાકો ફાર્મા ખરીદી લીધી, જેથી તેઓ અમેરિકી માર્કેટ સુધી પહોંચી શકે. આ પછી 2007માં કંપનીએ ઇઝરાયેલની કંપની ટેરો ફાર્મા ખરીદી લીધી. 2012માં દિલીપ સંઘવીએ ચેરમેન અને સીઈઓના પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ યુનિટમાં તેઓ મનોચિકિત્સા સંબંધિત દવાઓ બનાવતા હતા.
ભારતની સૌથી મોટી દવા કંપની
જ્યારે સન ફાર્માની શરૂઆત થઈ હતી, ત્યારે તેમાં માત્ર બે જ કર્મચારીઓ કામ કરતા હતા. પરંતુ તેમની સખત મહેનત અને સમર્પણથી દિલીપ સંઘવીએ માત્ર ચાર વર્ષમાં સન ફાર્માસ્યુટિકલને સમગ્ર દેશમાં ફેલાવી દીધી. 1997માં સન ફાર્માએ અમેરિકન કંપની કારાકો ફાર્માને હસ્તગત કરી. સન ફાર્મા સતત આગળ વધી રહી હતી. 2007માં ઈઝરાયેલની ટેરો ફાર્મા હસ્તગત કરી. 2014માં 25237 કરોડ રૂપિયામાં રેનબેક્સીને હસ્તગત કર્યા પછી, સન ફાર્મા ભારતની સૌથી મોટી અને વિશ્વની પાંચમી સૌથી મોટી ફાર્મા કંપની બની.
કેટલી છે નેટવર્થ
વર્ષ 2014માં સન ફાર્મા અને રેનબેક્સી વચ્ચે એક કરાર થયો હતો. જે પછી ઘણું બદલાઈ ગયું. સન ફાર્માએ રેનબેક્સીને લગભગ 19 હજાર કરોડ રૂપિયામાં ખરીદી છે. 2014ના અંત સુધીમાં દિલીપ સંઘવીની નેટવર્થ 17.8 બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ. ફોર્બ્સ અનુસાર, ઑક્ટોબર 2021માં, સંઘવી ભારતના 14મા સૌથી ધનિક વ્યક્તિ છે અને તેમની સંપત્તિ $14.3 અબજ ડોલર છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
