Guidelines For Crop Protection: તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ઊભા પાકોમાં થયેલી સંભવિત અસરો અને ખેડૂતોએ લેવાનાં થતાં તાત્કાલિક પગલાં અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા એક વિશેષ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ખેડૂતોને પાકને નુકસાનથી બચાવવા માટે નીચે મુજબના ઉપાયો અનુસરવા વિનંતી છે.
વિવિધ પાકો પર સંભવિત અસરો અને તેના ઉપાયો
1) કપાસ - જીંડવાનો વિકાસ/જીંડવા ખૂલવા અવસ્થા:
- વરસાદના કારણે કપાસનું રૂ ભીનું થવાથી રૂની ગુણવત્તા પર અસર થઈ શકે છે.
- ઉપાયો: રૂની વહેલી તકે વીણી કરી લેવી. ખેતરમાં વરસાદના વધારાના પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવી.
2) બાજરી/સોયાબીન/મગફળી/ડાંગર - પરિપક્વતા/કાપણી અવસ્થા:
- કાપણી કરેલ પાકના દાણાની ગુણવત્તામાં અસર થઈ શકે છે. ભારે પવન સાથે વરસાદના કારણે પરિપક્વ બાજરી અને ડાંગર નમી શકે છે.
- ઉપાયો: બાકી રહેલ કાપણી હાલ પૂરતી મુલતવી રાખવી. કાપણી/લણણી કરેલ પાકોની ખેત-પેદાશોને સલામત જગ્યાએ મૂકવી અથવા તાડપત્રી વડે ઢાંકીને રાખવી.
3) મગ/અડદ (શીંગોની પરિપક્વતા અવસ્થા):
- કાપણી કરેલ પાક તથા ઉભા પાકમાં વરસાદથી પલળેલ શીંગોના દાણાની ગુણવત્તામાં અસર થઈ શકે છે.
- ઉપાયો: કાપણી/લણણી કરેલ પાકોની ખેત-પેદાશોને સલામત જગ્યાએ મૂકવી અથવા તાડપત્રી વડે ઢાંકીને રાખવી. વરસાદ વગરના સમયગાળા દરમિયાન વહેલી તકે પરિપક્વ શીંગોની વીણી કરી સલામત સ્થળે સંગ્રહ કરવો.
4) તુવેર - ફૂલ/શીંગોનો વિકાસ અવસ્થા:
- વાદળછાયા અને ભેજવાળા હવામાનને કારણે શીંગ માખીનો ઉપદ્રવ થઈ શકે છે.
- ઉપાયો: હવામાન ખુલ્લું થયા બાદ ભલામણ મુજબની (એમામેક્ટીન બેન્ઝોએટ 4 ગ્રામ/10 લીટર પાણીમાં ભેળવી) દવાનો છંટકાવ કરવો. ખેતરમાં વરસાદના વધારાના પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવી. પિયત આપવાનું હાલ પૂરતું ટાળવું.
5) ચણા - વાવણી/ઉગાવો અવસ્થા:
- તાજેતરમાં વાવણી કરેલ પાકના ઉગાવા ઉપર અસર થઈ શકે છે. આગોતરા વાવણી કરેલ પાકમાં લીલી ઈયળનો ઉપદ્રવ થઈ શકે છે.
- ઉપાયો: ખેતરમાં વરસાદના વધારાના પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવી. વાવણી હાલ પૂરતી મુલતવી રાખવી.
6) દિવેલા - વાનસ્પતિક/ફૂલ અવસ્થા:
- વાદળછાયા અને ભેજવાળા હવામાનને કારણે લશ્કરી અને ઘોડિયા ઈયળનો ઉપદ્રવ થઈ શકે છે.
- ઉપાયો: હવામાન ખુલ્લું થયા બાદ ભલામણ મુજબની (એમામેક્ટીન બેન્ઝોએટ 4 ગ્રામ/10 લીટર પાણીમાં ભેળવી) દવાનો છંટકાવ કરવો. ખેતરમાં વરસાદના વધારાના પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવી.
7) શાકભાજી પાકો - ફૂલ/ફળ અવસ્થા:
- ફૂલ/ફળનું ખરણ થઈ શકે છે. રોગ-જીવાત (ચુસિયા/કોકડવા)નો ઉપદ્રવ થઈ શકે છે. વધારે પવન સાથે વરસાદના કારણે છોડ નમી શકે છે.
- ઉપાયો: પરિપક્વ શાકભાજીના ફળોની વહેલી તકે વીણી કરી બજારમાં વેચાણ માટે મોકલવા. પિયત આપવાનું હાલ પૂરતું ટાળવું. ફળવાળા છોડને લાકડાં અથવા વાંસ વડે યાંત્રિક ટેકો આપવો. હવામાન ખુલ્લું થયા બાદ ભલામણ મુજબની (સ્પીનોસાડ ૩ મિ.લી./૧૦ લીટર પાણીમાં ભેળવી) દવાનો છંટકાવ કરવો.
8) પપૈયા - ફૂલ/ફળ અવસ્થા:
- ફૂલ/ફળનું ખરણ થઈ શકે છે. વધારે પવન સાથે વરસાદના કારણે છોડ નમી શકે છે.
- ઉપાયો: પરિપક્વ શાકભાજીના ફળોની વહેલી તકે વીણી કરી બજારમાં વેચાણ માટે મોકલવા. પિયત આપવાનું હાલ પૂરતું ટાળવું. ખેતરમાં વરસાદના વધારાના પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવી. ફળવાળા છોડને લાકડાં અથવા વાંસ વડે યાંત્રિક ટેકો આપવો.
9) ઘાસચારાના પાકો - વાવણી/ઉગાવો અવસ્થા:
- બીજના ઉગાવા ઉપર અસર થઈ શકે છે.
- ઉપાયો: ખેતરમાં વરસાદના વધારાના પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવી. વાવણી હાલ પૂરતી મુલતવી રાખવી.
10) કાપણી/લણણી કરેલ પાકો:
- ખુલ્લા રાખેલ પાકોની ખેત-પેદાશોની ગુણવત્તામાં અસર થઈ શકે છે.
- ઉપાયો: કાપણી/લણણી કરેલ પાકોની ખેત-પેદાશોને સલામત જગ્યાએ મૂકવી અથવા તાડપત્રી વડે ઢાંકીને રાખવી.
