Umreth News: આજે વાત કરવી છે આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના અહિમા ગામના યુવા ખેડૂત જયંતીભાઈ પટેલની. જીગરભાઈએ ખેતીક્ષેત્રે નવી દિશા આપીને યુવા ખેડૂતોને ખેતી ક્ષેત્રે ઝંપલાવવા માટે પ્રેરણા પૂરી પાડી છે.
જીગરભાઈએ આ વખતની કેરીની સિઝનમાં કેરીના રસના પ્રોસેસિંગ માટે સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. તેમને ગત વર્ષે બાગાયત ખાતા દ્વારા મળતી પ્રોસેસિંગ યુનિટ સહાય યોજના અંતર્ગત રૂપિયા 2,44,850 ની સહાય મેળવીને તેઓને પોતાનું યુનિટ શરૂ કર્યું હતું. જે એક દિવસમાં 1000 લીટરથી વધુ કેરીના રસની પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવે છે. અત્યાર સુધીમાં તેમણે 40 થી 50 ઓર્ડર પૂરા કર્યા છે, અને સરેરાશ રૂપિયા 1,50,000 ની આવક પણ મેળવી છે.
આ પણ વાંચો
આ સ્ટાર્ટઅપ દ્વારા જીગરભાઈ પોતે એકલા જ આર્થિક રીતે સધ્ધર બન્યા છે એવું નથી, પરંતુ તેઓએ અન્ય 6 થી 7 જેટલા લોકોને પણ રોજગારી આપીને આર્થિક રીતે પગભર બનાવ્યા છે.
સ્ટાર્ટઅપ વિશે જીગરભાઈ જણાવ્યું કે, કેરીની સિઝનમાં કેરીના રસના પ્રોસેસિંગ માટે વડોદરાથી શ્રેષ્ઠ ગુણવત્તાવાળી કેરી પસંદ કરીને લાવે છે. અને ગ્રાહકોની માંગ મુજબ જુદી જુદી જાતની કેરીનું પ્રોસેસિંગ કરે છે. અમારા દ્વારા કરાયેલ કેરીના રસની ગુણવત્તાને લીધે અમે ગામમાં જ નહિં, પણ આજુબાજુના વિસ્તારમાં જાણીતા બન્યા છીએ.
નાયબ બાગાયત નિયામક ડૉ. સ્મિતા પીલ્લાઈએ જણાવ્યું કે, આણંદ જિલ્લાના ખેડૂતો ટામેટા, કેરી, સરગવા, હળદર, ગુલાબ વગેરે બાગાયતી પાકોમાં સક્રિય બનીને વાવેતર કરી રહ્યા છે. આથી, જિલ્લાના ખેડૂતોને અપીલ કરતા જણાવ્યું કે, બાગાયતી યોજના અંતર્ગત મળતી પ્રોસેસિંગ યુનિટ સહાયનો વધુ લાભ લેવો જોઈએ, જેથી ખેડૂત ભાઈઓ બમણી આવક મેળવીને આત્મનિર્ભર બની શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય સ્ટાર્ટઅપ ઈન્ડિયા યોજનાનું સફળ અમલીકરણ કરનાર પ્રથમ રાજ્ય છે. રાજ્યમાં અત્યાર સુધી 10,000 થી ઉપરાંત વધુ સ્ટાર્ટઅપને માન્યતા મળી છે અને રાજ્યને સતત 4 વર્ષ સુધી બેસ્ટ પરફોર્મર એવોર્ડ પણ મળ્યો છે.
