Xu Bo Chinese Billionaire: ગેમિંગ સામ્રાજ્યના સ્થાપક અને અબજોપતિ ચીનની અગ્રણી મોબાઈલ ગેમિંગ કંપની 'દુઓયી નેટવર્ક'ના સ્થાપક અને ચેરમેન 48 વર્ષીય શૂ બો હાલમાં તેમની અસાધારણ અંગત જિંદગીને કારણે ચર્ચામાં છે. શૂ બોની કંપની મુખ્યત્વે ફેન્ટસી ગેમ્સ બનાવે છે અને તેમની અંદાજિત સંપત્તિ 1.1 અબજ ડોલરથી 4 અબજ ડોલર આશરે 9,000 કરોડ રૂપિયાની વચ્ચે હોવાનું મનાય છે. શૂ બો પોતાને 'ચીનના પ્રથમ પિતા' તરીકે ઓળખાવે છે.
100થી વધુ બાળકોનો પિતા કેમ બન્યો?
વોલ સ્ટ્રીટ જર્નલના એક અહેવાલ મુજબ શૂ બોએ સરોગસી દ્વારા કથિત રીતે 100 થી વધુ બાળકો પેદા કર્યા છે. જોકે તેમની મહત્વાકાંક્ષા અહીં અટકતી નથી. તેઓ અમેરિકામાં જન્મેલા ઓછામાં ઓછા 20 બાળકો ઈચ્છે છે, જેઓ ભવિષ્યમાં તેમના વિશાળ વીડિયો ગેમ કંપનીને સંભાળી શકે અને આગળ વધારી શકે.
ચીનમાં સરોગસી ગેરકાયદેસર
ચીનમાં સરોગસી ગેરકાયદેસર હોવાથી શૂ બોએ અમેરિકન એજન્સીઓ એગ ડોનર્સ અને સરોગેટ માતાઓની મદદ લીધી છે. અમેરિકામાં જન્મ લેતા બાળકોને આપોઆપ ત્યાંની નાગરિકતા મળી જાય છે, જે તેમના માટે વૈશ્વિક તકો ખોલે છે. 2023માં લોસ એન્જલસની ફેમિલી કોર્ટમાં તેમણે ચાર અજન્મેલા બાળકો માટે પિતૃત્વના અધિકારો માંગ્યા હતા, પરંતુ જજે તેમની અરજી ફગાવી દીધી હતી. બાળકોની સંખ્યા અંગે વિરોધાભાસી અહેવાલો છે. કંપનીના જણાવ્યા મુજબ માત્ર 12 બાળકો અમેરિકામાં જન્મ્યા છે, જ્યારે તેમની પૂર્વ પ્રેમિકાનો દાવો છે કે આ સંખ્યા 300 થી વધુ હોઈ શકે છે.
એલોન મસ્કના બાળકો સાથે લગ્ન
ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક અને ટેલિગ્રામના સ્થાપક પાવેલ દુરોવથી પ્રભાવિત લાગે છે, જેઓ પણ મોટી સંખ્યામાં બાળકો ધરાવે છે. શૂ બોએ સોશિયલ મીડિયા પર એવી ઈચ્છા વ્યક્ત કરી છે કે તેમના બાળકો ભવિષ્યમાં એલોન મસ્કના બાળકો સાથે લગ્ન કરે, જેથી એક વૈશ્વિક પારિવારિક રાજવંશ બનાવી શકાય. તેઓ 50 'ઉચ્ચ ગુણવત્તાવાળા' પુત્રો મેળવવા ઈચ્છે છે અને દીકરીઓ કરતા દીકરાઓને વધુ મહત્વ આપે છે.
